ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પરાવિન્યાસ વાક્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search



પરાવાસ્તવવાદ (Surrealism) : ૧૯૨૪માં ફ્રાન્સમાં જન્મેલો સાહિત્યિક વાદ, આન્દ્ર બ્રેતોં, લૂઇ આરાગોં વગેરેએ ‘દાદા’ જૂથથી છૂટા પડી આ વાદની સ્થાપના કરી, એટલે સમાજ અને સંસ્કૃતિનાં સ્થાપિત મૂલ્યો સામેનો વિદ્રોહ એના પાયામાં પડેલો છે. પરંતુ ‘દાદા’ જૂથના કળાકારો અને સર્જકોમાં ખંડનાત્મક મિજાજ જ પ્રબળ હતો. એમની પાસે કોઈ વિધેયાત્મક મૂલ્ય ન હતું. પરાવાસ્તવવાદ કે અતિવાસ્તવવાદ ચોક્કસ વિધેયાત્મક દૃષ્ટિકોણ લઈને આવ્યો. આન્દ્ર બ્રેતોંએ આ વાદનો પહેલો ખરીતો (Manifesto) બહાર પાડ્યો ત્યારે તેઓ ફ્રોયડના અચેતન મન (Unconscious mind) વિશેનાં સંશોધનોથી પ્રભાવિત હતા. એટલે એમનું મુખ્ય લક્ષ્ય તર્ક અને અતર્કના વાસ્તવથી પર એવા પરાવાસ્તવ(જ્યાં તર્ક અને અતર્ક વચ્ચે પ્રવર્તતા વિરોધ શમી ગયા હોય)ની શોધ હતી. તર્કથી પમાતા વિશ્વ જેટલું જ સ્વપ્ન, દિવાસ્વપ્ન રૂપે અનુભવાતું અતર્કનું વિશ્વ પણ વાસ્તવિક છે. એ વિશ્વને વ્યક્ત કરવા માટે સૌપ્રથમ ચેતનાને તર્કના નિયંત્રણથી મુક્ત કરવાની છે. એટલે સર્જનમાં એમણે સ્વયંસંચાલિત લેખન(automatic writing)ને મહત્ત્વ આપ્યું. પ્રતીકવાદી કવિતાનો પ્રભાવ પણ બ્રેતોં પર હતો. એટલે પરાવાસ્તવનું વિશ્વ કલ્પનોથી ઊઘડે છે એ એમની બીજી પ્રતીતિ હતી, એને કારણે તર્કના નિયંત્રણથી મુક્ત ને અસંબદ્ધ કલ્પનોથી ભરેલી એક વિલક્ષણ સૃષ્ટિ પરાવાસ્તવવાદી કળામાં ઊભી થાય છે. ભાવકને આઘાત આપવાની, વિરૂપ હાસ્ય કરવાની, છંછેડવાની ને અસ્વસ્થ કરી મૂકવાની એમની નેમ હોય છે. કોઈપણ પરંપરાપ્રાપ્ત કળાકીય મૂલ્યો કે નૈતિક ખ્યાલોને ન ગાંઠતી પરાવાસ્તવવાદી કૃતિઓમાં યૌન આવેગોનું ને યુદ્ધના આઘાતોનું ભરચક આલેખન થયું છે. પરાવાસ્તવવાદીઓએ મુખ્યત્વે ચિત્ર અને કવિતા એ બે દ્વારા પોતાના અનુભવો વ્યક્ત કર્યા છે. ભાષાની અપૂર્વતા એ પરાવાસ્તવવાદી કવિતાનું મુખ્ય પ્રદાન છે. આન્દ્ર બ્રેતોં, પૉલ એલ્યાદ, લૂઈ આરોગોં વગેરે કવિઓ તથા સાલ્વાદોર દાલી, માર્સેલ દુશાં, વગેરે ચિત્રકારો પરાવાસ્તવવાદના મુખ્ય પુરસ્કર્તાઓ ગણાય છે. ૧૯૩૦ સુધીમાં આ જૂથ સાથે સંકળાયેલ ઘણા કળાકારો માક્સવાદી વિચારણાથી પ્રભાવિત થયા. ૧૯૨૯માં બ્રેતોંએ પ્રગટ કરેલા બીજા ખરીતામાં એનો સ્પષ્ટ એકરાર છે. કોઈપણ પ્રકારના બંધનમાંથી મુક્તિ ઝંખતા પરાવાસ્તવવાદીઓ ઝાઝો સમય માક્સવાદીઓ સાથે ન રહી શક્યા તો લૂઈ આરાગોં જેવા કવિ પરાવાસ્તવવાદીઓ સાથે છેડો ફાડી સંપૂર્ણ રીતે માકર્સવાદી પક્ષમાં પણ જોડાઈ ગયા. બીજા વિશ્વયુદ્ધ સુધી યુરોપના ઘણા દેશોમાં પરાવાસ્તવવાદ એક પ્રભાવક આંદોલન રહ્યું, પણ પછી એનો પ્રભાવ ઘટી ગયો. એબ્સર્ડ નાટ્યશૈલી પર ને બીજા ઘણા સર્જકો પર આ વાદની શૈલીએ અસર કરી છે. ગુજરાતી કવિતામાં સાતમા દાયકાની અંદર પરાવાસ્તવવાદની અસર સિતાંશુ યશશ્ચંદ્રની કવિતામાં મુખ્યત્વે અને અન્ય કવિઓની કવિતામાં અમુક અંશે દેખાય છે. વાર્તાઓમાં કિશોર જાદવ પર એની ઘેરી અસર છે. જ.ગા.