ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્ર : પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્રની પરંપરાના બે મુખ્ય સ્રોતો પ્રાચીન ગ્રીસના પ્લેટો(ઈ.સ. પૂ. ૪૨૭ – ઈ.સ. પૂ. ૩૪૭) અને એરિસ્ટોટલ(ઈ.સ. પૂ. ૩૮૪ – ઈ.સ. પૂ. ૩૨૨)ની કાવ્યવિચારણામાં મળે છે. જોકે એમની પૂર્વે કવિતાકળા વિશે થોડાક બીજરૂપ ખ્યાલો કવિઓની રચનામાં પ્રાસંગિક ઉક્તિઓ રૂપે મળી આવે છે. પ્લેટોના આગમન પહેલાં કવિતાજગતને લગતા અમુક દૃષ્ટિભેદો ઊપસવા લાગ્યા હતા. પ્લેટોના સંવાદોમાં એવા પ્રચલિત દૃષ્ટિભેદો તાત્ત્વિક પ્રશ્નો રૂપે રજૂ થયા છે. પ્લેટો અને એરિસ્ટોટલના કાવ્યવિચારમાં એક બાજુ વારસારૂપ સમગ્ર સાહિત્યનો, તો બીજી બાજુ એ ચિંતકોની આગવી તત્ત્વવિચારણાનો સંદર્ભ પડેલો છે. પ્લેટો એરિસ્ટોટલની કાવ્યવિચારણામાં તેમની સર્વથા ભિન્ન દાર્શનિક દૃષ્ટિને કારણે જે મોટો દૃષ્ટિભેદ રહ્યો છે. તે આખીય વિવેચન-પરંપરામાં ફરીફરીને ઊપસતો જોઈ શકાશે. પ્લેટોના તત્ત્વદર્શનમાં ‘ભાવનાઓનું વિશ્વ’ – the world of ideas – એ પરમ વાસ્તવરૂપ છે. ઇન્દ્રિયોના બોધમાં આવતા જગતના પદાર્થો સતત પરિવર્ત્યશીલ અને નશ્વર છે પણ એ દરેક પદાર્થની પાછળ રહેલી ‘ભાવના’ અપરિવર્ત્યશીલ અને શાશ્વત છે – આ તાત્ત્વિક સંદર્ભમાં સુથારે ઘડેલા ખાટલાનું દૃષ્ટાંત આપી પ્લેટોએ પોતાની કાવ્યચર્ચા વિકસાવી છે. તેમના મતે ભાવનાના વિશ્વમાં ખાટલાની એક અખંડ શાશ્વત ‘ભાવના’ પડેલી છે. એનું ‘અનુકરણ’ કરીને સુથારે એક સ્થૂળ ભૌતિક વસ્તુરૂપ ખાટલો ઘડ્યો છે. કવિ એ ભૌતિક દૃશ્યમાન ખાટલાનું વર્ણન કરે છે કે ચિત્રકાર એનું ચિત્ર દોરે છે. ત્યારે તે એકવાર ‘અનુકરણ’ રૂપે નિર્માણ થયેલી વસ્તુનું ફરી ‘અનુકરણ’ કરે છે. કવિ/કળાકારની કૃતિ એ રીતે એની મૂળ’ ભાવનાથી બેવડી છેટી થઈ જાય છે. ભાવનાના વિશ્વ સામે એ કૃતિ એક આભાસી કે અસત્ય રચના છે. કવિતા સામે પ્લેટોનો પહેલો ગંભીર આક્ષેપ એ છે કે કવિતા પરમ સત્યનો બોધ કરાવતી નથી. તેનો બીજો એટલો જ ગંભીર આક્ષેપ એ હતો કે કવિતા ભાવકમાં અનૈતિક અસર પાડે છે. હોમર જેવો કવિ પણ દેવતાઓ અને વીરપુરુષોને આપત્તિમાં રડતા બતાવી શ્રોતાઓની છીછરી ઊર્મિલતાને પોષે છે. પ્લેટોના મતે, વિવેકબુદ્ધિ એ માનવઆત્માનો સૌથી ઉન્નત અંશ છે જ્યારે ઊર્મિલતા એ નિમ્નતર અંશ છે. પોતાની કલ્પનાના આદર્શ નગરરાજ્યમાં જવાબદાર દરેક નાગરિક શિક્ષિત, સદાચારી અને જાગૃત વિવેકબુદ્ધિવાળો હોય એવી તેમની અપેક્ષા છે અને કવિ જો તેની ઊર્મિલતાને પોષતો રહે, તો નૈતિક દૃષ્ટિએ તે અનિષ્ટકારી નીવડે. એટલે એવા કવિને રાજ્યની સીમા બહાર રાખવો એ જ હિતાવહ છે એમ તેઓ કહે છે. પ્લેટોની કાવ્યચર્ચામાં, આમ, કવિતાના સત્યનો અને તેની નૈતિક અસરનો – એ બે મૂળભૂત પ્રશ્નો છણાવટ પામ્યા છે. એરિસ્ટોટલે ‘કાવ્યશાસ્ત્ર’માં એકદમ વ્યવસ્થિત, ચોક્કસ અને પદ્ધતિસરની કાવ્યચર્ચા કરી છે. પ્લેટો કરતાં તેમની દાર્શનિક ભૂમિકા સાવ જુદી છે. પ્લેટોએ ‘ભાવના’ને પરમ વાસ્તવિક રૂપે સ્વીકારી દૃશ્યગોચર જગતને આભાસી ગણ્યું; એરિસ્ટોટલે જીવવિજ્ઞાનીની જેમ વિશ્વજીવનના પદાર્થોની સત્તા સ્વીકારી તેના આધાર પર તત્ત્વચર્ચા કરી. જગતના અપારવિધ પદાર્થોમાં કવિતાની એક સ્વતંત્ર માનવીય નિર્મિતિ તરીકે તેમણે પ્રતિષ્ઠા કરી. ચિંતનની માંડણી કરતાં તેમણે કહ્યું કે બધી જ કળાઓ વિશ્વપ્રકૃતિનું આગવી આગવી રીતે ‘અનુકરણ’ કરે છે. ‘કાવ્યશાસ્ત્ર’માં જોકે ટ્રેજડી કૉમેડી અને મહાકાવ્ય જેવાં સ્વરૂપોની ચર્ચા છે પણ કાવ્યકળાની ચરમ સીમા તેમને ટ્રેજડીમાં પ્રતીત થઈ છે એટલે તેમની કાવ્યતત્ત્વચર્ચા મુખ્યત્વે એ સ્વરૂપને જ ભૂમિકામાં રાખીને ચાલી છે. તેમની વ્યાખ્યા પ્રમાણે ટ્રેજડી એક ભવ્ય/ગંભીર, પૂર્ણ અને ચોક્કસ પરિમાણના કાર્યનું અનુકરણ છે; વિભિન્ન પ્રકારના અલંકારો દ્વારા કળાનો ઉત્કર્ષ સાધતી વાણી એ યોજે છે, કૃતિના જુદા જુદા ભાગોમાં જુદી જુદી રીતે એનો વિનિયોગ કરવામાં આવ્યો હોય છે; કથનાત્મક રૂપમાં નહિ, નાટ્ય રૂપે એની રજૂઆત થાય છે અને દયા અને ભીતિ જગાડતા બનાવોની સંકલના દ્વારા પ્રેક્ષકોના એવા ભાવોનું ‘શુદ્ધીકરણ’ (કૅથાર્સિસ) સાધે છે. એરિસ્ટોટલે ટ્રેજડીનાં છ અંગો ગણાવ્યાં છે : વસ્તુવિન્યાસ, ચરિત્ર, વિચારતત્ત્વ, પદસંયોજન, ગીત અને દૃશ્યરૂપતા. આ પૈકી પહેલાં ત્રણ અંગોને તેઓ ઘણાં મહત્ત્વનાં લેખે છે. એમાંય વસ્તુવિન્યાસ (plot) એ તેમના મતે ટ્રેજડીનું પ્રાણતત્ત્વ છે. અર્થાત્ ટ્રેજડીનું સર્વોપરીતત્ત્વ તે તેની સમગ્ર ઘટનાઓની સંરચના દ્વારા ગતિશીલ થતું કાર્ય છે અને મુખ્યગૌણ ચરિત્રોનું ભાવજગત તેને અનુલક્ષીને અને તેને અધીન રહીને પ્રગટ થાય છે. ટ્રેજિક અનુભૂતિની પરાકાષ્ઠા રાજવંશી કે સર્વોચ્ચ સત્ત્વસ્થાને બિરાજતા પણ એકાદ ગંભીર ક્ષતિવાળા પુરુષના પતનની ઘટનામાં છે. ટ્રેજડીમાં દયા અને ભીતિ જગાડતા બનાવોનું અસાધારણ મહત્ત્વ છે. એવા બનાવોની રજૂઆતથી ભાવકના આત્માની જે ‘શુદ્ધિ’ થાય છે. તેમાં સહજ નૈતિક સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. એરિસ્ટોટલે કાવ્યવિશ્વને તત્ત્વજ્ઞાન અને ઇતિહાસથી જુદું પાડ્યું છે. તત્ત્વજ્ઞાન અમૂર્ત વિચારોનું તંત્ર છે, કાવ્ય સ્વયં જીવંત અનુભવોનું મૂર્તરૂપ છે. ઇતિહાસમાં માનવવૃત્તાંતો ત્રૂટક હોય છે, એમાં પ્રાસંગિક સત્યો રજૂ થાય છે. કાવ્યમાં રજૂ થતા માનવવિશ્વમાં સાર્વત્રિક સત્ય પ્રગટ થાય છે. પ્લેટોએ કવિતા અસત્ય છે અને નૈતિક દૃષ્ટિએ તે માઠી અસર પાડે છે એવા જે વાંધાઓ રજૂ કરેલા તેનો એરિસ્ટોટલમાં સહજ ઉત્તર મળી જાય છે. કાવ્યમાં અનુકરણ અને પ્રતિનિધાનનો પ્રશ્ન આધુનિકયુગ સુધી ચર્ચાતો રહ્યો છે. ખાસ તો કથાસાહિત્યમાં વાસ્તવવાદ/પ્રકૃતિવાદના પુરસ્કર્તાઓની વિચારણામાં પાયાના આ બે ખ્યાલો રહેલા છે. ગ્રીક પ્રશિષ્ટતાવાદીયુગ પછી થોડી સદીઓ જતાં રોમન સંસ્કૃતિનો વિકાસ થયો. રોમન પ્રશિષ્ટ પરંપરામાં લોંજાઈનસ, હોરેસ, પ્લોટિનસ વગેરે વિવેચકોની ભિન્નભિન્ન કાવ્યચર્ચા મળે છે. લોંજાઈનસે ‘On the Sublime’ ગ્રન્થમાં કાવ્યમાં પ્રગટ થતા ‘ઉદાત્ત’ના સ્વરૂપની ચર્ચા કરી છે. તેઓ એમ દર્શાવે છે કે કવિતા એના ભાવકને અતિ ઉત્કટ સૌંદર્યાનુભૂતિમાં તલ્લીન કરી દઈ અન્ય કોઈ લોકોત્તર વિશ્વમાં ઉઠાવે છે. આનંદસમાધિની કોટિનો આ અનુભવ ઉદાત્ત ભવ્ય સ્વરૂપનો છે. એના મુખ્ય સ્રોતો છે : કવિકલ્પનાનાં મહાન, ભવ્ય વિભાવનો, પ્રેરણાનો ભાવાવેશ, સમૃદ્ધ અલંકારો, ભવ્ય શબ્દબંધ અને સમસ્ત અભિવ્યક્તિ. હોરેસે Ars poeticaમાં કવિની પ્રતિભાશક્તિનો મહિમા અલબત્ત, કર્યો છે પણ પ્રશિષ્ટતાવાદી એવું તેમનું માનસ રૂઢ નિયમો તરફ ઢળે છે. તેઓ કાવ્યરચનામાં ‘સંયોજનાની એકતા’(Unity of Design)નું મહત્ત્વ કરે છે, પણ તેમની મુખ્ય નિસ્બત કાવ્યસાધક શબ્દોની પસંદગી અને તેના ઉપયોગના નિયમો ઘડવાની છે. તેમના મતે, આનંદ અને બોધ એ કવિતાનાં દ્વિવિધ કાર્યો છે. વિવેચનનું મુખ્ય કાર્ય દરેક કાવ્યસ્વરૂપના આગવા સિદ્ધાન્તો અને આગવાં ધોરણોની શોધ કરી જે તે સ્વરૂપની કૃતિઓમાં તે લાગુ પાડવાનું છે. પ્લોટિનસ પરિચિત કળાકૃતિઓના અનુભવના સ્તરેથી નહિ, આ વિશ્વની પાર રહેલી પરમ સૌન્દર્યરૂપ સત્તાની સ્થાપના કરી ત્યાંથી વિચારો તારવે છે. એ સૌન્દર્યરૂપ સત્તા એક, અખંડ અને પૂર્ણ છે. પણ અનુભવજગતનાં પદાર્થો અને કૃતિઓમાં તે આંશિક રીતે પ્રતિબિંબિત થાય છે. પણ સ્થૂળ માધ્યમોમાં જકડાતી એ સૌન્દર્યચેતના સ્વયં પોતાના પૂર્ણ સ્વરૂપને પામવા ઝંખી રહે છે. કવિ, કળાકારમાત્ર, ઇંદ્રિયગોચર જગતના સૌન્દર્યની ઝલક પામી તેના મૂળ સૌન્દર્યલોકનું દર્શન કરવા પ્રવૃત્ત થાય છે. સંત ઑગસ્તિનની સૌન્દર્યવિચારણા પ્લોટિનસની વિચારણામાં પૂર્તિરૂપ છે. થોમસ એક્વિનસે એમ દર્શાવ્યું કે સૌન્દર્ય કંઈ કોઈ બાહ્ય પદાર્થ કે વ્યક્તિમાં પડેલું સ્વતંત્ર તત્ત્વ નથી : વ્યક્તિચેતનાના પદાર્થ સાથેના સંનિકર્ષમાં ‘ચર્વણા’ કે ‘વિમર્શન’ રૂપે ઉદ્ભાસિત થતું તત્ત્વ છે. ફિનોમિનોલોજી પર આધારિત કળાવિચારમાં આ દૃષ્ટિબિંદુ પ્રેરક નીવડ્યું છે. યુરોપના ઇતિહાસમાં પાંચમીથી પંદરમી સદી સુધીના ગાળામાં પ્લેટો-એરિસ્ટોટલના કાવ્યવિચારો ઢંકાઈ ગયા જણાય છે. ઇટાલિમાં ચૌદમા-પંદરમા સૈકામાં વ્યાપક પુનર્જાગૃતિના યુગનાં મંડાણ થયાં. નવી સાહિત્યિક-સાંસ્કૃતિક પરિસ્થિતિમાં કાવ્યવિચારને માટે નવી પ્રેરણા અને નવાં બળો જાગૃત થયાં. અગાઉની આઠ-દસ સદીઓ દરમ્યાન એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર વિસારે પડ્યું હતું. હવે તે ફરી પ્રકાશમાં આવ્યું. ૧૫૪૯માં તેનો તે સમયની ઇટાલિ ભાષામાં અનુવાદ થયો. સાથોસાથ પ્રાચીન ગ્રીસના મોટા કવિઓની રચનાઓના અનુવાદો થવા લાગ્યા. અંગ્રેજી વિવેચનની મુખ્ય ધારાને લક્ષમાં લઈએ તો એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે સોળમી અને સત્તરમી સદીના પૂર્વાર્ધ સુધી, ઇટાલિયન ભાષામાં ઊતરી આવેલા પ્રાચીન ગ્રીક વિવેચનના વિચારો ફ્રેન્ચ વિવેચનમાં નવસંસ્કરણ પામી, અંગ્રેજીમાં ઝિલાતા રહ્યા. એરિસ્ટોટલના કાવ્યશાસ્ત્રના સિદ્ધાન્તો વિવેચનમાં ચુસ્તપણે અનુસરવા ફ્રેન્ચ વિવેચક બ્વાલોએ અનુરોધ કર્યો હતો. એના પ્રભાવ નીચે અંગ્રેજી વિવેચનમાંયે આરંભમાં એના સ્વીકાર-અસ્વીકાર નિમિત્તે વિવાદ જન્મ્યો પણ સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં અંગ્રેજ પ્રજા એક બળવાન રાષ્ટ્રભાવનાથી બંધાવા લાગી. નવી સમાજવ્યવસ્થા આકાર લઈ રહી હતી, નવાં જ્ઞાનવિજ્ઞાન અને નવું સાહિત્ય ખેડાવા લાગ્યાં હતાં. એલિઝાબેથનયુગમાં શેકસ્પીયર જેવા મહાન નાટ્યકારે જુદા જ પ્રકારની પણ એટલી જ પ્રભાવક ટ્રેજડીઓ સર્જી હતી. મહાકાવ્ય, કૉમેડી, રોમાન્સ, ચિંતનલક્ષી કાવ્યો, સોનેટ આદિ પ્રકારો ખેડાતા થયા હતા. ખાસ તો નવા આકાર લેતા સમાજજીવનની સામગ્રી લઈ કૉમેડી અને સેટાયર જેવી હાસ્યકટાક્ષની નાટ્યકૃતિઓ લખાઈ, વાસ્તવગ્રહણની દૃષ્ટિએ આ દરેક સાહિત્યપ્રકારની આગવી પદ્ધતિ છે, આગવું મૂલ્ય છે એનો સ્વીકાર થયો. સોળમી સત્તરમી સદીના તત્ત્વચિંતનમાં બૌદ્ધિકતાવાદનો પ્રભાવ વધતો રહ્યો. હોબ્સ અને લોક જેવા બૌદ્ધિકતાવાદી ચિંતકોએ વિશ્વપ્રકૃતિ વિશે જુદો જ ખ્યાલ પ્રગટ કર્યો. એડિસને કલ્પનાશક્તિના સ્વરૂપ અને કાર્યની તાત્ત્વિક ચર્ચા કરી. વિશ્વપ્રકૃતિ સ્વયં અપૂર્ણ કે વિશૃંખલ હોય તો તો કવિએ કલ્પનાથી એનું નવું રૂપ રચવું જોઈએ. કાવ્યની રચનામાં ભાગ ભજવતી શક્તિ રૂપે ‘તરંગ’ અને ‘કલ્પના’ના સ્વરૂપ અને કાર્ય વિશે દૃષ્ટિબિંદુઓ બદલાતાં રહ્યાં છે. રોમેન્ટિકયુગમાં છેવટે ‘કલ્પના’નું અસાધારણ મહત્ત્વ સ્વીકારાયું. પાશ્ચાત્ય વિવેચનના ઇતિહાસમાં તત્ત્વચિંતકોએ કવિ અને કવિતા સામે વારંવાર આક્ષેપો કર્યા છે : કલ્પનાનું જગત કેવળ ભ્રાન્તિરૂપ છે, મિથ્યા છે, અસત્ય છે. એવા આક્ષેપો સામે અનેક અગ્રણી કવિઓએ કવિતાને એનું આગવું કાર્ય છે, અને સંસ્કૃતિવિકાસમાં એનું આગવું અર્પણ છે એ રીતે સતત એનું ગૌરવ સ્થાપતા રહેવું પડ્યું છે. અંગ્રેજી વિવેચનના છેક આરંભકાળમાં સર ફિલીપ સીડનીએ કવિતાના બચાવનામા રૂપે જે વિસ્તૃત અભ્યાસલેખ લખ્યો તે આ દૃષ્ટિએ સીમાચિહ્ન સમો છે. તેમણે એમાં એમ પ્રતિપાદિત કર્યું છે કે કવિતામાં ખરેખર તો તત્ત્વજ્ઞાન અને ઇતિહાસ બંનેનો સુભગ સમન્વય થાય છે. અનુપ્રશિષ્ટતાવાદી જોન્સન અને ડ્રાયડને પણ અંગ્રેજી વિવેચનમાં સંગીન અર્પણ કર્યું. જોન્સને અતિચુસ્ત પ્રશિષ્ટતાવાદી વલણ પ્રગટ કર્યું. એરિસ્ટોટલના ‘અનુકરણ’ના ખ્યાલને ‘પ્રશિષ્ટ નમૂનાઓનું અનુકરણ’ એ અર્થમાં ઘટાવ્યો. સેટાયર પણ આગવી રીતે નૈતિક સંદેશો આપે છે એમ તેમણે કહ્યું. એ પછી ડ્રાયડનનું કાર્ય એ આખા યુગનાં વલણો સમાવી લે છે. તેમણે કહ્યું કે ગંભીર નાટકોમાં ‘પ્રકૃતિ’નું પ્રતિનિધાન થાય છે એ ખરું પણ પ્રકૃતિનું એ દર્શન કવિની ઉત્કટ મનોદશાનું હોય છે અને દૃશ્ય-ગોચર વિશ્વપ્રકૃતિ નવા જ રહસ્યમય પરિવેશમાં ઉદ્ઘાટિત થાય છે. સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં અને અઢારમી સદીના અંગ્રેજી વિવેચનમાં દર્શનશાસ્ત્ર અને મનોવિજ્ઞાનના પ્રકાશમાં અનેક ગૌણ વિષયો ઊપસી આવ્યા : તરંગ(fancy) અને કલ્પના(imagination) વચ્ચેનો તફાવત, કલ્પનાની ઇંદ્રિયગોચરતા, ચિત્રનિર્માણની શક્તિ અને વિચારતત્ત્વથી ભિન્નતા, લલિતકળાઓમાં સર્વસામાન્ય રૂપે વ્યક્ત થતા સૌન્દર્યનું સ્વરૂપ, ચિત્ર અને કવિતાકળાના માધ્યમભેદ અને તેની સિદ્ધિમર્યાદાઓ, બૌદ્ધિકતરંગ(wit) અને કલ્પનાનો ભેદ વગેરે વિષયોની ચર્ચાવિચારણા ખાસ ધ્યાનપાત્ર છે. લેસિંગની ‘લાઉકુન’ને વિષય કરતી સૌન્દર્યચર્ચા, બૉમગાર્તેન અને કાન્ટની સૌન્દર્યમીમાંસા અને વ્યાપકપણે લલિતકળાઓની ચર્ચાવિચારણા સાથે પાશ્ચાત્ય વિવેચનમાં એક નવી આબોહવા જન્મી. અઢારમી સદીમાં સેમ્યુઅલ જ્હોનસને જે કાવ્યવિવેચનો લખ્યાં તેમાં વિશ્વપ્રકૃતિની જુદી જ વિભાવના સ્વીકારાઈ હતી. વિશ્વપ્રકૃતિની સ્વત :પૂર્ણ વ્યવસ્થા અને સાર્વત્રિક એકરૂપતા એમાં ગૃહીત હતી. સાહિત્યનિર્માણના સિદ્ધાન્તો અંતે આ નિયમબદ્ધ એવી વિશ્વપ્રકૃતિમાંથી જ ઉત્પન્ન થાય છે અને તેનું જ પ્રતિનિધાન કરે છે એમ તેમણે કહ્યું. તેમના મતે કવિનું કાર્ય વ્યક્તિ કે પદાર્થના વિશિષ્ટ અને પ્રાસંગિક ગુણધર્મો રજૂ કરવાનું નહિ, તેમાં વ્યક્ત સાર્વત્રિક લક્ષણો પ્રગટ કરવાનું છે. આ સમયગાળામાં કાવ્ય પદાવલિ(poetic diction), પ્રાસયોજના અને પદ્યબંધ, બ્લેન્કવર્સ, પ્રાચીન પ્રશિષ્ટ બાનીના સ્વીકાર-અસ્વીકાર વગેરે. લોકબોલી જેવા મુદ્દાઓ ય ગંભીરતાથી અને સઘનપણે ચર્ચાતા રહ્યા છે. ખાસ તો નવી રાષ્ટ્રીય ચેતનાથી પ્રભાવિત થઈને કવિઓએ vernacular expressionને સમૃદ્ધ બનાવવાના પ્રયત્નો કર્યા, તે સાથે ઉત્કટ કળાસભાનતામાંથી જન્મતી સર્વથા અરૂઢ અને કૃતક બાની સામે પ્રશ્નચિહ્ન લાગ્યું. વર્ડ્ઝવર્થ અને કૉલરિજ જેવા રોમેન્ટિક કવિઓએ પણ આ વિશે ગંભીર ચર્ચા કરવી પડી છે. અઢારમી સદીના અંતમાં અને ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં વ્યાપકપણે યુરોપીય સાહિત્યમાં બળવાન રંગદર્શી વલણો છતાં થયાં. એમાં જર્મન પરંપરાના તત્ત્વચિંતકો વિશેષ કરીને હર્ડર, વિકો, સ્કલેગલ, શીલર, ગ્યૂથે, કાન્ટ, હેગલે, ફિક્ત આદિના કળા અને સૌન્દર્યને લગતા ખ્યાલો ઘણા પ્રભાવક નીવડ્યા છે. કવિ/કળાકારની પ્રતિભા, સર્જનાત્મક કલ્પના અને વૈયક્તિક સંવેદનશીલતા પર એમાં ઘણો મોટો ભાર મુકાયો. કળાકૃતિનું સર્જન એ કળાકારની નિજી અનુભૂતિનો (તેની અંગત આત્મલક્ષિતાનો મત) સીધો આવિષ્કાર છે એ મત પ્રતિષ્ઠિત થયો. રોમેન્ટિક કવિઓ/કળાકારોનું આગવું કાવ્યચિંતન જન્મ્યું. અનુકરણના સિદ્ધાન્તને સ્થાને અભિવ્યક્તિનો સિદ્ધાન્ત પ્રચારમાં આવ્યો. કાવ્યકૃતિ બહારના જગતના અમુક પદાર્થો, બનાવો, વ્યક્તિઓ આદિનું અનુકરણ કરે છે એમ નહિ, કવિની ચેતનાએ જે રીતે, જે રૂપે, જે રહસ્ય સાથે જગતને આત્મસ્થ કર્યું છે તે ચૈતસિક સૃષ્ટિ જ કળામાં પ્રગટ થાય છે કે વ્યક્ત થાય છે. કલ્પનાશક્તિનું વાસ્તવગ્રહણ, સત્યદર્શન અને તેની પ્રમાણભૂતતાના, સર્જકચિત્તના બંધારણ અને સર્જનની ક્ષણે સક્રિય થતી મનોવૈજ્ઞાનિક શક્તિઓના, કૃતિની એકતા અને અખિલાઈના, એમ અનેક સ્તરેથી નવા સૈદ્ધાન્તિક પ્રશ્નો ઊપસતા અને ચર્ચાતા ગયા. કૃતિવિવેચનના નવા સિદ્ધાન્તો, નવાં ધોરણો અને નવાં મૂલ્યોનું આગવું તંત્ર એ રીતે ઊપસતું ગયું. રંગદર્શી કાવ્યશાસ્ત્ર અને કળાઓનું યુગપદ નિર્માણ એ કોઈ આગંતુક ઘટના પણ નથી. બૌદ્ધિકતાવાદ અને વિજ્ઞાનવાદના અતિરેકમાં, બહાર વિસ્તરેલું વિરાટ વિશ્વ એ સાવ જડ નિયમોથી સંચાલિત યંત્ર જેવું રજૂ થવા લાગ્યું ત્યારે કવિઓ અને કળાકારોએ કળાસર્જન અર્થે પોતાના અંતરતમમાં પડેલી સર્જનાત્મક કલ્પનાનો આધાર લીધો. અંગ્રેજ રોમેન્ટિક કવિઓ વડ્ઝવર્થ, શેલી, કૉલેરિજ, હેઝલિટ, બાયરન, કિટ્સ આદિની કાવ્યરચનાઓ અને તેમનું કાવ્યચિંતન એ યુગના સમગ્ર રોમેન્ટિક કાવ્યશાસ્ત્રનો એક મહત્ત્વપૂર્ણ અંશ છે. કવિની ઉત્કટ લાગણીશીલતા અને જ્વલંત કલ્પનાશીલતા એ બે તત્ત્વો પર તેમનો મુખ્ય ભાર છે. વડ્ઝવર્થે કવિતાનું હાર્દ સ્પષ્ટ કરતાં કહ્યું કે કવિતા એ કવિહૃદયની પ્રબળતમ લાગણીઓનું સહજ આવિષ્કરણ છે. બીજા સંદર્ભમાં તેમણે એમ કહ્યું છે કે એવું આવિષ્કરણ સાધતી લાગણીઓ કવિના અસંપ્રજ્ઞાત ચિત્તમાં દીર્ઘ કાલ સુધી વિમર્શન (contemplation) પામીને પરિપોષ પામી હોય છે. શેલીના મતે કવિતા એ કલ્પનાની અભિવ્યક્તિ છે : પ્રેરણાતત્ત્વ એમાં સક્રિય હોય છે. શેલી કહે છે કે પ્રેરણાની ક્ષણોમાં કાવ્ય સ્વયં ઝળહળતા સત્ત્વ રૂપે કવિને પ્રત્યક્ષ થાય છે. વાણીમાં ઉતારેલી રચના તો એની ઝાંખી છાયામાત્ર છે. હેઝલિટે કવિના ‘ભાવાવેશ’ અને ‘ચિત્રશક્તિ’નો અપૂર્વ મહિમા કર્યો છે. કૉલરિજે કલ્પનાવ્યાપારની ઊંડી તત્ત્વચર્ચા કરી. પદાર્થજગતના ગ્રહણમાં પ્રાથમિક કલ્પના કામ કરે છે. એ પ્રાથમિક કલ્પનાના મૂળમાંથી જ દ્વૈતીયિક કલ્પના અલગપણે વિસ્તરે છે. કવિમાં સક્રિય એ દ્વૈતીયિક કલ્પના બાહ્યજગતના પદાર્થો, વ્યક્તિઓ આદિનું વિ-ઘટન કરી નવા રૂપમાં સંયોજન કરે છે. એ કલ્પનાશક્તિ વિચાર અને કલ્પન, વિશિષ્ટ અને સામાન્ય, મૂર્ત અને અમૂર્ત, ક્ષણિક અને શાશ્વત, સમ અને વિષમ એવાં સર્વ વિરોધી તત્ત્વોને એકતા, એકરૂપતા, અખંડિતતા અને સમગ્રતા અર્પે છે. કાવ્યનું વિશ્વ, કલ્પનાની આ પ્રકારની સંયોજકશક્તિના બળે સજીવ એકતા અને અખિલાઈ પ્રાપ્ત કરે છે. કવિની વૈયક્તિક સર્જક ચેતનાનું એ પ્રતીકાત્મક રૂપ છે. વ્યવહાર જગતની સામે એ એક સ્વતંત્ર અને સ્વાયત્ત જગત રહે છે. વિજ્ઞાનના કરતાં ભિન્ન કોટિનું ઉચ્ચતર સત્ય એ ધરાવે છે. આ રીતના રંગદર્શી કાવ્યવિચારની સામે અલબત્ત, બૌદ્ધિક અને પ્રશિષ્ટતાવાદી વિચારવલણો કામ કરતાં રહ્યાં. મેથ્યુ આર્નલ્ડના કાવ્યચિંતનમાં એનું જ્વલંત પ્રગટીકરણ જોવા મળે છે. તેમણે કવિતાના સ્વરૂપની અને ખાસ તો તેના યુગકાર્યની જે ચર્ચાવિચારણાઓ કરી તેમાં પોતાના સમયની ઐતિહાસિકસાંસ્કૃતિક પરિસ્થિતિ વિશેની તેમની તીવ્ર સભાનતા છતી થાય છે. જોકે સમાજ અને સંસ્કૃતિના મહાન આદર્શો ‘પ્રકાશ’ અને ‘માધુર્ય’ તેમણે પ્રાચીન ગ્રીક સંસ્કૃતિમાં મૂર્તિમંત થયેલા પ્રત્યક્ષ કર્યા. સંઘર્ષો અને આંતરવિરોધોથી મુક્ત ગ્રીક સમાજનો આત્મા કેવળ પ્રજ્ઞામય પ્રશાંતતાને વર્યો હતો. પોતાના સમયમાં અનેકવિધ વિચારધારાઓ અને સમવિષમ સંવાદીવિસંવાદી લાગણીઓ વહી રહી હતી એટલે કવિતાનું વિશેષ યુગકાર્ય ઊભું થાય છે એવી તેમની સમજ રહી છે. કવિ એવા ક્ષુબ્ધ પ્રવાહો વચ્ચે કવિતા દ્વારા ‘પ્રકાશ’ અને ‘માધુર્ય’ પામવા ચાહે છે. કવિતા, તેના અંતસ્તલમાં, જીવનની સમીક્ષા છે એ રીતે તેમણે વ્યાખ્યા કરી. ચિંતનમનન અને લાગણીઓના સમવિષમ પ્રવાહો વચ્ચે જે કંઈ પરમ શ્રેયસ્કર છે, નૈતિક દૃષ્ટિએ જે કંઈ સાર્વત્રિક શુભંકર છે તે કાવ્યપ્રક્રિયામાં ઉદ્ભાસિત થઈ ઊઠે છે. એ રીતે કવિતા કંઈ અણધારી સ્વયંભૂ પ્રેરણાની ઉપલબ્ધિ રૂપે નહિ, વિચારો અને લાગણીઓના વિશેષત : સંપ્રજ્ઞ સ્તરના સમ્યક્ દર્શનની ચૈતસિક પ્રવૃત્તિરૂપ છે. માનવસંસ્કૃતિના અનંત વિકાસમાં આર્નલ્ડની શ્રદ્ધા ઠરી છે. વ્યક્તિ અને સમાજના પૂર્ણ વિકાસની દિશામાં શોધન અને પરીક્ષણની પ્રક્રિયાનું એ રીતે અનન્ય મૂલ્ય છે. કાવ્યનિર્માણ એવા વ્યાપક સાંસ્કૃતિક વિકાસમાં વચલી કડી સમાન છે. વિવેચનપ્રવૃત્તિને ય તેઓ વિશાળ સાંસ્કૃતિક શોધન અને સમીક્ષાના ભાગ રૂપે જુએ છે. નૈતિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ જે કંઈ શ્રેયસ્કર છે તેનો વિવેક કરવાનું કામ વિવેચકનું છે એ રીતે વિવેચનક્ષેત્રમાં ઉત્તમ વિચારો તરીકે જેની પ્રતિષ્ઠા થઈ હોય તે કવિતાના હાર્દમાં પ્રાણવાન તત્ત્વ રૂપે પ્રવેશે છે. ઉત્તમ કવિતામાં કવિની પૂર્ણ સચ્ચાઈ અને અખિલાઈ પ્રગટ થાય છે. આર્નલ્ડે એવું ભાવિદર્શન રજૂ કર્યું હતું કે હવેના યુગમાં કવિતા જ ‘ધર્મ’નું સ્થાન લેશે. ‘ધર્મ’ જ્યારે અતિશય રૂઢ અને સ્થિતિચુસ્ત બની ગયો હોય ત્યારે માનવજીવનની મુક્ત ‘સમીક્ષા’ કરતી કવિતા જ તેને શ્રેયનો માર્ગ બતાવશે અને પૂર્ણ માનવ્યના પ્રગટીકરણમાં સહાયભૂત થશે. ગઈ સદીમાં વિજ્ઞાનવાદ ઐતિહાસિકતાવાદ અને તાર્કિક વિધેયવાદના પ્રભાવ નીચે માનવવિદ્યાઓનું જે રીતે ખેડાણ થતું રહ્યું તેની વ્યાપક અને સૂક્ષ્મ અસર સાહિત્ય-વિચારણામાંય જોવા મળી. જાણીતા ફ્રેન્ચ અભ્યાસી ટેઈને સાહિત્યના ઉદ્ભવવિકાસ અંગે વૈજ્ઞાનિક અભિગમથી ચર્ચા કરતાં કહ્યું કે સાહિત્યકારની જાતિ(race), સમયબિંદુ(moment) અને વાતાવરણ(mileu) એ ત્રણ પરિબળોની યુગપદ્ સક્રિયતાથી કૃતિનું સ્વરૂપ નિર્ધારિત થાય છે, કર્તાની વિશિષ્ટ પ્રતિભાને એમાં સ્થાન નથી. કથાસાહિત્ય અને નાટકોમાં વાસ્તવવાદ અને પ્રકૃતિવાદ જેવાં પ્રબળ આંદોલનો પાછળ આ રીતની વિચારધારાઓ જ પ્રેરક બળ રહી છે. એ પૈકી વાસ્તવવાદ એક વ્યાપક સૂક્ષ્મ અને ઠીક ઠીક અંશે દુર્ગ્રાહ્ય એવી સાહિત્યિક ઘટના રહી છે. સમાજજીવનની વાસ્તવિકતાનું બિનંગત કોટિનું સચ્ચાઈભર્યું નિરૂપણ કરવાનો એમાં મુખ્ય ઉદ્દેશ છે. પ્રકૃતિવાદમાં વાસ્તવવાદી વિચારવલણોનું વિશેષ કાર્યક્રમ રૂપે પ્રગટીકરણ થયું છે. એમિલ ઝોલાએ પ્રકૃતિવાદની આત્યંતિક ભૂમિકા અંગીકાર કરી. વ્યક્તિના મનની સર્વ વૃત્તિઓ, લાગણીઓ અને તૃષ્ણાઓ સર્વનું, રસાયણવિજ્ઞાનીના રસાયણતત્ત્વના વૈજ્ઞાનિક વિશ્લેષણ જેટલું ચુસ્ત અને ચોકસાઈ ભર્યું, જૈવિક વિશ્લેષણ થઈ શકે એમ તેમણે કહ્યું. જીવનની પરમ ઉન્નત ભાવનાઓ કે ઉદાત્ત મૂલ્યોને એમાં ક્યાંય સ્થાન નહોતું. પ્રકૃતિવાદી કથાસર્જક આથી, તેનાં મુખ્યગૌણ પાત્રોનાં જૈવિક ભાવોન્મેષો, વૃત્તિઓ કે એવી સ્થૂળ ઇચ્છાઓ અને લાગણીઓના આલેખનમાં જ સાર્થકતા માને છે. છેલ્લાં સો-સવાસો વર્ષની પાશ્ચાત્ય વિવેચનની પ્રવૃત્તિઓ અને ગતિવિધિઓ અતિવિશાળ ફલક પર અને એકીસાથે અનેક દિશાઓમાં પ્રવર્તતી દેખાય છે. એ પૈકી પ્રતીકવાદ, કલ્પનવાદ, અતિવાસ્તવવાદ, ભવિષ્યવાદ, અસ્તિત્વવાદ, ઍબ્સર્ડ, રૂપવાદ, આદિમતાવાદ વગેરે અનેક વાદો પ્રબળ આંદોલનના રૂપમાં સક્રિય રહ્યા. આ દરેક વાદમાં કળાના સ્વરૂપ અને કાર્ય વિશે આગવી વિભાવના રહી છે અને એ વાદો સાહિત્યક્ષેત્ર પૂરતા સીમિત ન રહેતાં ચિત્રશિલ્પ જેવી અન્ય લલિતકળાઓને ય વ્યાપી લે છે. આ વાદો/આંદોલનો દ્વારા જે નવી કળાદૃષ્ટિઓ પ્રગટ થઈ તેને આધુનિકતાવાદની સંજ્ઞા નીચે મૂકવામાં આવી છે. આ આધુનિકતાવાદી સાહિત્ય અને કળાઓના ઉદ્ભવમાં એક દેખીતો વિરોધાભાસ રહ્યો છે : આધુનિક સમયનાં સંકુલ ઐતિહાસિક-સાંસ્કૃતિક બળોએ વ્યક્તિના આત્મહ્રાસની જે વિષમ પરિસ્થિતિ સર્જી, ખાસ તો યંત્રવિજ્ઞાન-ટેક્નોલોજી અને મહાનગરની વિષમતાઓએ જે રીતે માનવસંયોગોની ભીંસ નિર્માણ કરી, તેની સામે એમાં ઉત્કટ પ્રતિક્રિયા છે. છતાં આધુનિકતાવાદી સાહિત્ય વાસ્તવવાદની સામેની દિશામાં ગતિ કરતું રહ્યું છે. એમાં જુદા જુદા વાદો નિમિત્તે ‘શુદ્ધ કળા’, ‘શુદ્ધ કવિતા’ કે ‘શુદ્ધ સાહિત્ય’નો ખ્યાલ પ્રગટ થતો રહ્યો. કળાકૃતિના રૂપનિર્માણ, ટેક્નિક, અને ભાષાનો સર્જનાત્મક વિનિયોગ – એ કળાત્મક પાસાંઓ પર જ બધો ભાર મુકાયો. આગલી સદીમાં રોમેન્ટિક કાવ્યશાસ્ત્ર એના પુરસ્કર્તાઓમાં કેટલાક ગૌણ વિચારભેદો છતાં એકંદરે આંતરિક એકતા અને સંગતિ ધરાવતું હતું. નવા વાદોના ઉદ્ભવ સાથે અલગ અલગ ‘કાવ્યશાસ્ત્રો’ની ભૂમિકા ઊપસતી રહી. આ સદીના કાવ્યશાસ્ત્રમાં ક્રોચે, એલિયટ અને આઈ. એ. રિચર્ડ્ઝનું અર્પણ વિશેષ ધ્યાનપાત્ર છે. એ પૈકી ક્રોચેની કળાવિચારણા તેમના ભાવનાવાદી દર્શનથી પ્રેરિત છે. તેમના મતે કળાકૃતિમાં કળાકારની સ્વત :પૂર્ણ અંત :પ્રેરણા અને અભિવ્યક્તિ વચ્ચે ક્યાંય રજમાત્ર તિરાડ હોતી નથી. ભાષા, સૂર, રંગરેખા જેવાં સ્થૂળ માધ્યમના વિનિયોગ પૂર્વે તે પૂર્ણ અભિવ્યક્તિ સાધે છે. એ રીતે તેમણે કળાકૃતિની પૂર્ણ નિરપેક્ષ એકતા અને અખિલાઈનો સિદ્ધાન્ત પ્રતિષ્ઠિત કર્યો. દરેક કૃતિને પ્રાપ્ત થતું રૂપ અપૂર્વ અને અનન્ય હોય છે, એમ તેઓ કહે છે. ક્રોચેથી સાવ ભિન્ન ભૂમિકાએથી એલિયટે કાવ્યચિંતન કર્યું. આધુનિક સંવેદનશીલતા અને પ્રશિષ્ટતાવાદી વિદ્વત્તાનો વિરલ સંયોગ તેમની કવિતામાં જોવા મળે છે. કવિની વિશિષ્ટ પ્રતિભાનો તેઓ મહિમા કરે છે, તો કવિતાના હાર્દમાં દાખલ થતી ‘પરંપરા’(the tradition)નો ય એટલો જ સ્વીકાર કરે છે. તેમના મતે, મોટા ગજાનો કવિ પરંપરા સાથે અનુસન્ધાન કેળવીને પોતાનું કાવ્યસર્જન કરે છે, તે સાથે પોતાની વિશિષ્ટ પ્રતિભાના બળે સમગ્ર પરંપરાનું તે નવવિધાન પણ કરે છે. કાવ્યનું સર્જન એ કંઈ અંગત લાગણીઓને સાહજિક રૂપમાં વહેવડાવવાની વાત નથી : અંગતતાની સીમાથી ઊંચે ઊઠી બિનંગત ભાવોનું એમાં નિર્માણ કરવાનું છે. કવિની કહેવાતી વ્યક્તિતાનો એમાં લોપ થાય છે. એક રીતે વ્યક્તિતા એ રાસાયણિક પ્રક્રિયામાં અનિવાર્ય છતાં તેમાં લગીરે ન પ્રવેશતા કેટલેટિક એજન્ટ જેવી છે. સર્જનની પ્રબળતમ ક્ષણોમાં સર્જકચેતના સ્વયં કવિચિત્તમાં પડેલી વિભિન્ન બલકે વિરોધી લાગણીઓ અને સંવેદનાઓને જોમપૂર્વક સંયોજિત કરે છે. ખરેખર તો, લાગણીઓ સીધેસીધી રજૂ થતી હોતી નથી : દરેકના વિશિષ્ટ ‘વસ્તુલક્ષી સહસંબંધકો’ (Objective Correlatives) એમાં જોડાતા આવે છે. કાવ્યનું વિશ્વ એ રીતે કવિના વ્યક્તિત્વથી સર્વથા અલગ સ્વતંત્ર અને સ્વાયત્ત સત્તા પ્રાપ્ત કરે છે. મહાન કવિતાની મહત્તા જીવનના ઊંચા વિચારો, ભાવનાઓ કે મૂલ્યોથી સિદ્ધ થાય છે, જોકે રચના સાચેસાચ કાવ્ય બની છે કે નહિ તેનો નિર્ણય કાવ્યકળાનાં ધોરણોને લક્ષીને થાય. એલિયટે પ્રશિષ્ટ કૃતિ, કવિતા અને સંગીત, પદ્યનાટક, કવિતાના ત્રણ સ્વર, કાવ્યનું સામાજિક કાર્ય વગેરે અનેક વિષયોની ઊંડી તત્ત્વગ્રાહી અને અંતર્વેધક દૃષ્ટિની સિદ્ધાન્તચર્ચા કરી છે. આ સદીની કાવ્યવિચારણાનો એક મહાન પ્રભાવક આવિષ્કાર એલિયટમાં પ્રાપ્ત થાય છે. આઈ. એ. રિચડ્ઝે કાવ્યવિચારણાના પ્રશ્નોને મનોવિજ્ઞાનની ભૂમિકાએથી ચર્ચ્યા. કાવ્યમાં ભાવની સંક્રમણક્ષમતા અને મૂલ્યબોધ એ બે એમાં આધારબિંદુઓ છે. કવિતામાં ભાષાનો પ્રયોગ કંઈ જ્ઞાન આપવા થતો નથી : એમાં માત્ર લાગણીજન્ય મૂલ્ય જ સાકાર થાય છે. કાવ્યમાં કવિચિત્તની અતૃપ્ત વૃત્તિઓઇચ્છાઓ-કામનાઓનું એક સંતુલિત સંકુલ રજૂ થાય છે. એમાં વિરોધી વૃત્તિઓનું જેમ વધુ સર્વગ્રાહી સંયોજન થાય તેમ તેની પ્રભાવકતા વિશેષ સંભવે છે. સંકુલ ભાવસૃષ્ટિ ભાવકની ચેતનાને ઊંડે ઊંડે સ્પર્શે છે. કાવ્યનો અનુભવ એ વ્યવહારજગતના બનાવો અને વ્યક્તિઓના સંપર્કમાં થતા લૌકિક અનુભવ જેવો જ છે પણ કવિતાની રૂપરચનામાં વિરોધી લાગણીઓનું જે તંત્ર રચાયું હોય છે તેથી ભાવકચેતના વધુ સંવાદી અને વધુ ઉત્કટ અનુભવ પામે છે. એવો સંવાદી અને ઉત્કટ અનુભવ સ્વયં એક મોટું મૂલ્ય છે, એમ રિચડ્ઝ દર્શાવે છે. આ સદીમાં માનવવિદ્યાઓ સાથે ગાઢ નિસ્બત ધરાવતા અસંખ્ય વિવેચકો અને અભ્યાસીઓએ આગવી આગવી દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ સાહિત્યચર્ચા કરી છે. એમાં એ.સી. બ્રેડલી, એડમંડ વિલ્સન, લાયેનલ ટ્રિલીંગ, ક્લિન્થ બ્રૂક્સ, હેરી લેવિન, રેને વેલેક, ઑસ્ટિન વૉરેન, વિલ્સન નાઈટ, જ્યોર્જ લુકાચ, ઝયૉં પોલ સાર્ત્ર, એરિચ ઑરબૅક, એફ.આર. લિવીસ, માલ્કમ બ્રેડબરી, સ્ટિફન સ્પેંડર, રોનાલ્ડ ક્રેન, નોર્થ્રોપ ફ્રાય, રેમંડ વિલિયમ્સ, કેનેથ બર્ક અને બીજા અનેક વિવેચકોનું ઘણું મહત્ત્વપૂર્ણ પ્રદાન છે. બીજી બાજુ, રશિયન રૂપવાદ, સંરચનાવાદ, અનુસંરચનાવાદ જેવી અદ્યતન વિચારધારાઓથી પ્રેરિત સાહિત્યચર્ચાઓ ય મોટો જથ્થો બને છે. જોકે પરંપરાગત સાહિત્યવિવેચનમાં માનવજીવનના અર્થો અને મૂલ્યો સાથે જે ગાઢ અને જીવંત નિસ્બત રહી છે તેવી આ અદ્યતન ચર્ચાવિચારણાઓમાં જોવા મળતી નથી. પાશ્ચાત્ય સાહિત્યવિવેચને આજે ફરીથી સાહિત્યના જીવંત અનુભવો સાથે અનુસન્ધાન કેળવીને પુનર્ચિંતન કરવાનો સમય પાકી ગયો હોવાનું પ્રતીત થાય છે. પ્ર.પ.