ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પુરાણો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પુરાણો : ‘પુરાણ’ એ પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું સ્વરૂપ યથાર્થ અને પૂર્ણપણે જાણવા માટે એક કીમતી સાહિત્ય છે. ઇતિહાસની જેમ પુરાણનો પણ પોતાનો મહિમા છે. વેદ, વેદાન્ત વ. ગ્રન્થોનાં સત્યો પુરાણ દ્વારા જાણવાનો શૂદ્ર અને સ્ત્રીઓને પણ અધિકાર આપવામાં આવ્યો છે. પુરાણને ‘પાંચમો વેદ’ કહ્યો છે. પરાશરના પુત્ર કૃષ્ણ દ્વૈપાયન વ્યાસે આ પાંચમો વેદ તેમના રોમહર્ષણ નામે સૂત જાતિના શિષ્યને આપ્યો એમ શાસ્ત્ર કહે છે. હાલનું જે પુરાણનું સાહિત્ય છે તે ઘણે ભાગે આ સૂતપુત્ર દ્વારા મળેલું છે, જે નૈમિષારણ્ય ક્ષેત્રમાં તેણે શૌનકાદિ ઋષિઓને કહ્યુ હતું એવી આખ્યાયિકા છે. બ્રાહ્મણ અને ઉપનિષદકાળમાં પણ ‘પુરાણ’ નામના ગ્રન્થો હતા એમ જાણવા મળે છે. આ ગ્રન્થોમાં આવતી કથાઓ ઘણી પુરાણી છે. જો કે તેમાં પાછળથી ઘણા ઉમેરાઓ થયા છે. જે સંપ્રદાયોએ જે જે પુરાણને પોતીકાં ગણ્યાં તે મુજબ તેમાં સુધારાવધારા થયા છે. શિવ અને વિષ્ણુના અનુયાયીઓ વચ્ચેના વૈમનસ્ય અને વિરોધી વલણને લીધે તેમાં ઘણાં ક્ષેપક તત્ત્વો જોવા મળે છે. આજે હયાત પુરાણો સાતમી સદી પહેલાં રચાયેલાં ગણાય છે. પુરાણોમાં પાંચ લક્ષણો હોવાં જોઈએ : સર્ગ (સૃષ્ટિ); પ્રતિસર્ગ (પ્રલય); દેવતાઓ-પ્રજાપતિઓ વગેરેના વંશો; મન્વંતરની કથાઓ; સૂર્ય અને ચંદ્રવંશી રાજર્ષિઓનાં ચરિત્રો તથા તેમની વંશાવળી. પુરાણોની ગણના સુહત્ત સંહિતામાં થાય છે. પ્રત્યેક યુગે પુરાણો રચાય છે અને પ્રત્યેક યુગે એના રચયિતાને ‘વ્યાસ’ નામ આપવામાં આવે છે. ઇતિહાસ અને પુરાણ વડે વેદનું સારી પેઠે ઉપબૃંહણ (વિપુલીકરણ, પુષ્ટીકરણ) કરવું એમ શાસ્ત્ર કહે છે. પુરાણોની સંખ્યા કુલ અઢાર છે. તેમાં પણ મહાપુરાણ અને ઉપપુરાણ એમ બે ભાગ પાડવામાં આવે છે. અઢાર ઉપપુરાણોમાં સનત્કુમાર, નૃસિંહ, બૃહન્નારદીય, સ્વરહસ્ય, દુર્વાસા, કપિલ, વામન, ભાગર્વ, વરુણ, કાલિકા, સામ્બ, નન્દી, સૂર્ય, પરાશર, વસિષ્ઠ, દેવીભાગવત, ગણેશ અને હંસ – વગેરેનો સમાવેશ છે. આ ઉપરાંત ચાર તમિળ પુરાણો પણ છે. જેમાં શિવની દિવ્ય લીલાઓનો ઉલ્લેખ જોવા મળે છે. સનત્કુમારોને ઉપદેશ આપવા માટે શિવે દક્ષિણામૂર્તિનું રૂપ લીધું અને આથી તેમની વિવિધ લીલાઓનું તેમાં વર્ણન છે. વૈદિક ધર્મને જનસુલભ કરવો એ પુરાણોનું લક્ષ્ય છે. બોધકથાઓ, દૃષ્ટાન્તકથાઓ, અને પ્રાચીન કથાનકો દ્વારા જનમાનસમાં ભક્તિભાવ પ્રગટાવવાનો તેનો હેતુ છે. વિદ્વાનોને પ્રભાવિત કરવાનું પુરાણોનું લક્ષ્ય નથી, સામાન્ય જનસમુદાયના માનસમાં વૈદિક સત્યોનો પ્રવેશ કરાવવાની એમની વાસ્તવિક નેમ છે. આધ્યાત્મિક રહસ્યને નહીં સમજનારા માણસો પુરાણો વાંચીને અકળાય છે. સ્થૂળચક્ષુને અગોચર એવા પ્રદેશોનું એમાં વર્ણન છે આથી એનું વાચન રસભર્યું બને છે. વિષ્ણુ, નારદ, ભાગવત (વિષ્ણુ ભાગવત), ગરુડ, પદ્મ, વરાહએ સાત્ત્વિક પુરાણો છે. બ્રહ્માંડ, બ્રહ્મવૈવર્ત, માર્કંડેય, ભવિષ્ય, વામન અને બ્રહ્મ એ રાજસ પુરાણો છે; અને મત્સ્ય, કૂર્મ, લિંગ, શિવ, સ્કન્દ અને અગ્નિ એ છ તામસ પુરાણો છે. તામસ પુરાણમાં અગ્નિ અને શિવનું માહાત્મ્ય કહેલું છે. રાજસમાં વિશેષે કરીને બ્રહ્માનું; અને સંકીર્ણ (રાજસ અને તામસ ઉભયગુણ મિશ્ર)માં સરસ્વતી અને પિતૃઓનું માહાત્મ્ય છે. સાત્વિક પુરાણોમાં હરિ (વિષ્ણુ)નું માહાત્મ્ય વિશેષ પ્રમાણમાં છે. સર્વ પુરાણોમાં ભગવતપુરાણ અને વિષ્ણુપુરાણ મહત્ત્વનાં છે. રામાયણ, મહાભારત અને ભાગવત એ ત્રણ ભારતીય સંસ્કૃતિના પાયા છે. તેમાં ભાગવત તો વાસ્તવિક રીતે પ્રાણરૂપ છે. કૃષ્ણની લીલાની મનોહર યશગાથા હોવાથી તે શૈવો અને વૈષ્ણવોમાં સમાનપણે પ્રિય બન્યું છે. જ્ઞાન, ભક્તિ અને કર્મ એ ત્રણેયનું પ્રતિપાદન ભાગવતમાં જોવા મળે છે. વલ્લભાચાર્ય તો તેને ચતુર્થ પ્રસ્થાન કહે છે. ભાગવતની દૃષ્ટિ સમન્વયાત્મક છે. દુર્ગાપૂજા વખતે અને શક્તિની ઉપાસના વખતે થતો ચંડીપાઠ (દુર્ગા સપ્તશતી) વાસ્તવમાં માર્કણ્ડેય પુરાણનો જ એક ભાગ છે. દૈવી શક્તિના ખ્યાલને માતાનું સ્વરૂપ અપાયું તે શાક્તધર્મનો પાયો અહીં જોવા મળે છે. સમય જતાં તેમાં નોંધપાત્ર વિકાસ થયો અને તેમાંથી તંત્ર સાહિત્યનો ઉદ્ભવ થયો. તંત્ર અને પુરાણ બન્ને પ્રકારનું સાહિત્ય જોડાજોડ પાંગર્યુ હોય તેમ આપણને જણાય છે. ચી.રા.