ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પુષ્ટિ સંપ્રદાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search



પુષ્ટિ સંપ્રદાય : શ્રી વલ્લભાચાર્યએ વિષ્ણુસ્વામીના સંપ્રદાયની ભાગવત દીક્ષા પામી મથુરા પ્રદેશ-ગુજરાત-રાજસ્થાનમાં પ્રવાસો ખેડી પ્રથમ તો શ્રીકૃષ્ણના ‘ગોપાલસ્વરૂપ’ની સેવાભક્તિના માર્ગને આગળ વધારવાનો પુરુષાર્થ કર્યો. ગીતાના અંતભાગમાં સૂચિત ‘શરણમાર્ગ’ને મહત્ત્વ આપ્યું. આ માર્ગમાં કેવળ પ્રભુની કૃપા, પ્રભુનો અનુગ્રહ જ પ્રાણરૂપ હોઈ ભાગવતમાં સૂચિત થયેલા પોષણ શબ્દના પર્યાય ‘પુષ્ટિ’ શબ્દને કેન્દ્રમાં રાખી ‘પુષ્ટિમાર્ગ’નો ભારતીય ઉપખંડમાં પ્રચારપ્રસાર કર્યો. એમણે ‘ભક્તિ’ના ‘મર્યાદા’ અને ‘કેવળ શરણપ્રધાન’ એવા બે ભેદ સ્પષ્ટ કરી આપ્યા. ‘મર્યાદા’ ભક્તિમાં વિષ્ણુના હરકોઈ અવતારની વૈદિક પ્રણાલીએ ષોડશોપચાર અર્ચન દ્વારા ઉપાસનાનું મહત્ત્વ છે, જ્યારે ‘પુષ્ટિ’ ભક્તિમાં તો ભગવાન શ્રી બાલકૃષ્ણ – ગોપાલકૃષ્ણની સેવા અને ભક્તિનું જ પ્રાધાન્ય છે. એમાં બે પ્રકાર છે. પહેલો સાધનભક્તિનો અને બીજો નિ :સાધન ભક્તિનો. ‘શ્રવણ’, ‘કીર્તિન’, ‘સ્મરણ’, ‘પાદસેવન’, ‘ અર્ચન’, ‘વંદન’, સખ્ય, ‘દાસ્ય સેવકભાવ’ અને ‘આત્મનિવેદન’ આ નવ સાધન ભક્તિની સિદ્ધિ માટે છે. જ્યારે પુષ્ટિભક્તિમાં કેવળ શરણની જ ભાવનાથી લગભગ સમાધિ પ્રકારની પરિસ્થિતિ માનસિક સેવાનું જ પ્રાધાન્ય છે. હકીકતમાં ‘પુષ્ટિમાર્ગ’ એ વલ્લભસંપ્રદાયનો ‘પ્રેમ-લક્ષણાભક્તિ’નો માર્ગ છે. પુષ્ટિમાર્ગમાં ઘરમાં રહીને ભગવત્સેવા કરવાનું મુખ્ય છે. મંદિરો પણ વિકસ્યાં છે. શ્રી વલ્લભાચાર્યજીના બીજા પુત્રે સંપ્રદાયનું સુકાન હાથમાં લઈ બાલસ્વરૂપની ભાવનાથી દિવસમાં આઠ પ્રકારના પ્રસંગની સેવાપદ્ધતિ સ્થાપી છે. ‘મંગલાઆરતી’, ‘શૃંગાર’, ‘ગ્વાલ’, ‘રાજભોગ’, ‘ઉત્થાપન’, ‘સંધ્યા અને શયન’, यथा दे तथा देवे એ ઉક્તિ પ્રમાણે આપણે જે કાંઈ માણવાનું છે તે પોતાના માટે નહિ, પરંતુ પ્રભુને માટે. એ સિદ્ધાન્ત પ્રમાણે અનેકવિધ શૃંગાર-સજાવટ-વેશભૂષા તેમજ અન્નસામગ્રીનું વૈવિધ્ય એ કલાની દૃષ્ટિએ ઉત્તમ કોટિએ પહોંચેલાં છે. ‘સેવા’, ‘શૃંગાર’, ‘સજાવટ’, ‘સામગ્રી’, ‘સાહિત્ય’, ‘ગાન’, ‘સુશોભન’, આ સાત દ્વારા લલિતકલાને પણ આ સંપ્રદાયે ઉચ્ચ કોટિમાં મૂકી આપી છે. સાહિત્યની વાત કરતાં તત્ત્વજ્ઞાન અને ભક્તિમાર્ગ-પુષ્ટિમાર્ગને લગતા અનેક સંસ્કૃત મૌલિક તેમજ ટીકાગ્રન્થો, મહત્ત્વના ગ્રન્થોના મધ્યકાળમાં વ્રજભાષામાં ભાષાંતરો અને સુપ્રસિદ્ધ અષ્ઠછાપ કવિઓ – શ્રી વલ્લભાચાર્યજીના ચાર શિષ્યો કુંભનદાસ, સૂરદાસ, પરમાનંદદાસ અને કૃષ્ણદાસ. (ચરોતરના પાટીદાર) તથા શ્રી વિઠ્ઠલનાથ ગુંસાઈજીના ચાર શિષ્યો ચતુર્ભુજદાસ, નંદદાસ, ગોવિંદસ્વામી અને છીતસ્વામી ચૌબે, ઉપરાંત અનેક ભક્ત કવિઓનાં વ્રજભાષામાં કીર્તનોનો સમાવેશ થાય છે. ‘પુષ્ટિમાર્ગ’ એ ‘કૃપામાર્ગ’ છે. નિષ્કામ ભક્તિ એ તેનું ચરમ ધ્યેય છે. તેથી તો ચતુર્વિધ મોક્ષને બદલે જીવતાં પ્રભુની સેવા અને અવસાને ભગવત્ચરણની પ્રાપ્તિ એ જ માત્ર ધ્યેય છે. ‘પુષ્ટિમાર્ગ’માં પ્રભુનો અનુગ્રહ એ એકમાત્ર નિયામક વસ્તુ છે. કે.શા.