ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રકારનિષ્ઠ વિવેચન


પ્રકારનિષ્ઠ વિવેચન(Generic Criticism) : સાહિત્યકૃતિનું પ્રકારમૂલક વિવેચન. વિવેચનલક્ષી કે મૂલ્યાંકનલક્ષી કોઈપણ સાહિત્યિક અધ્યયનમાં સ્વરૂપમૂલક તપાસ અંતર્ગત હોય છે. પ્રકારનિષ્ઠ વિવેચનની બે શાખાઓ છે : આદેશાત્મક (Prescri ptive) અને વર્ણનાત્મક (Descriptive). આદેશાત્મક વિવેચન સર્વસામાન્ય તત્ત્વો અને જાતિ (Kind) પર ભાર મૂકે છે, જ્યારે વર્ણનાત્મક વિવેચન ‘વિશેષ’ કે ‘વ્યક્તિ’ પર ભાર મૂકે છે. કૃતિના પ્રકારનો નિર્ણય કરીને તે યુગના સાહિત્યિક આદર્શ પર લક્ષ કેન્દ્રિત કરી શકાય, અને તેથી કૃતિ પાસેથી કેવી અપેક્ષાઓ રાખવી તેની ભૂમિકા બાંધી શકાય. હ.ત્રિ.