ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતિભાસમીમાંસા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રતિભાસમીમાંસા(Phenomenology) અને સાહિત્ય : પ્રતિભાસમીમાંસા આત્મલક્ષિતાનું વિજ્ઞાન છે. બીજી રીતે કહીએ તો તત્ત્વવિચારના ભાગ રૂપે માનવચેતના અને સંપ્રજ્ઞતાના વિકાસનો તેમજ વસ્તુલક્ષી વાસ્તવિકતાને સ્થાને સંવેદિત પદાર્થોનો અભ્યાસ છે. વૈયક્તિક મનુષ્યનું ચિત્ત એ સર્વ અર્થઘટનના ઉદ્ગમ અને કેન્દ્રમાં છે એવું આ મીમાંસાનું દૃઢ પ્રતિપાદન છે અને તેથી અર્થનિર્ણય માટે અનુભાવક કે સંવેદકની કેન્દ્રસ્થ કામગીરી પર ભાર મૂકવાનું એનું વલણ સ્પષ્ટ છે. પ્રતિભાસમીમાંસાની સ્થાપના ૧૯૦૦ની આસપાસ જર્મન ફિલસૂફ એડમન્ટ હૂસેર્લે કરી છે. એણે મૂર્ત ‘અનુભૂત વિશ્વ’ (Lebenswelt)ને એટલેકે માનવચેતનાને વર્ણવવાનું તત્ત્વકાર્ય હાથ ધરેલું; અને ચેતનાસામગ્રીની તપાસ માટેના તટસ્થ ઉપકરણ તરીકે મીમાંસાને પ્રયોજેલી. હૂસેર્લ એને ‘અનુભવ પરત્વે, પુનર્ગમન’ તરીકે ઓળખાવે છે. કારણ કે અનુભવજગતના પ્રત્યેક તંતુવિન્યાસને નિરૂપિત કરવાનો એ પ્રયત્ન કરે છે. ફ્રાન્ઝ બ્રેંતાનોની ઉપપત્તિને સ્વીકારીને એ દર્શાવે છે કે સમસ્ત મનોચેતના આશયપૂર્ણ છે. સંપ્રજ્ઞતા કેવળ વસ્તુ અને ચેતના વચ્ચેના સંબંધોના સંદર્ભે જ અસ્તિત્વ ધરાવે છે. મન :સ્થિતિઓ હંમેશા સામગ્રી સાથે સંકળાયેલી હોય છે. વસ્તુનું સ્વતંત્ર અસ્તિત્વ હોઈ શકે પણ એનો સ્વતંત્ર અવબોધ ન હોઈ શકે. વસ્તુને ખરેખર વાસ્તવિક્તા પ્રદાન કરવા ચેતના જરૂરી છે. પ્રતિભાસમીમાંસાનો વ્યાપક પ્રભાવ પડ્યો. જર્મનીના માર્ટિન હાયડ્ગરે અને ફ્રાંસના મોરિસ મર્લો પોન્તિએ ભિન્ન ભિન્ન રીતે એનો વિકાસ કર્યો. ગાડામર અને અન્ય સિદ્ધાન્તકારો પર પણ એનો પ્રભાવ જોઈ શકાય છે. આ સર્વેએ કવિતાવિષયક અને કથાવિષયક વિશિષ્ટ સંજ્ઞાઓમાં તત્ત્વવિચારવિષયની સૂઝ પ્રદર્શિત કરી છે. તેઓ ચેતનાની અગ્રિમતાને સ્વીકારીને ચાલે છે. પ્રતિભાસમીમાંસા અને કાવ્યશાસ્ત્ર વચ્ચેના સંબંધોને સ્પષ્ટ કરી આપનારાઓમાં ગાસ્તોં બશેલા, રોમન ઇન્ગાર્ડન અને મિકેલ દુફ્રેન મુખ્ય છે. સ્વતંત્રતાના ઉદ્ગમ રૂપે કલ્પનાની વિભાવના, સ્વાયત્ત આશયપૂર્ણ વસ્તુ રૂપે સાહિત્યનો નિર્દેશ અને માનવીય નિદિધ્યાસન રૂપે કૃતિનો અનુભવ – આ બધાં પ્રતિભાસમીમાંસામૂલક કાવ્યશાસ્ત્રના પાયાનાં સૌન્દર્યનિષ્ઠ ગૃહીતો છે. કેટલાક સાંપ્રત સાહિત્યવિવેચનના સિદ્ધાન્તો વાચકની કે લેખકની ચેતના કે એના આશય અંગે ચિંતા નથી કરતા. સ્વયંપર્યાપ્ત કૃતિલક્ષિતાને લક્ષ્ય કરીને, કૃતિ સર્જે છે એ ચેતનાના છેડાથી અને કૃતિનું અર્થઘટન કરે છે એ ચેતનાના છેડાથી – એમ બંને છેડાઓથી કૃતિને વિચ્છેદે છે. પ્રતિભાસમીમાંસા, એનાથી વિપરીત, કૃતિને, જે આશયથી એ જન્મી છે એ આશયથી અને જે આશયથી એની રચના બાદ અનુભવ થાય છે એ આશયથી કાપી નાખતી નથી. જનિવા સંપ્રદાયના વિવેચનને પ્રતિભાસમીમાંસામૂલક વિવેચન કહેવાયું છે. માર્સેલ રેમોં, આલ્બેર બેગાં, ઝા રુસેત, ઝાં પિયેર રિચાર, જોર્જિઝ પૂલે, ઝાં સ્તારોબિન્સ્કી જેવા વિવેચકોએ હૂસેર્લ, હાયડ્ગર વગેરેના ઘણા વિચારોને સ્વીકારી લીધા છે. આ વિવેચન માને છે કે કૃતિનું વાચન એ રીતે થવું જોઈએ કે લેખકની ચેતનાની રીતિનો અનુભવ થાય અને પછી વિવેચકના લખાણમાં એનું પુનરાયોજન થાય. લેખકની સંપ્રજ્ઞતા કે સંવિદની વિશિષ્ટ રીતિઓનો અભ્યાસ કરનારા જનિવા સંપ્રદાયના વિવેચકોને, આથી, ‘સંવિદના વિવેચકો’ તરીકે ઓળખાવવામાં આવ્યા છે. બીજી બાજુ પોલિશ સિદ્ધાન્તકાર રોમન ઇન્ગાર્ડન વાચકના સંવિદ પર વિશેષ ભાર મૂકે છે. લેખિત કૃતિમાં ઘણાં તત્ત્વો એવાં હોય છે જેમાં પૂર્ણ અવબોધ કરતાં સંભાવનાઓ વધુ હોય છે. ઉપરાંત કૃતિમાં અનિર્ણિતતાનાં પણ ઘણાં સ્થાનો હોય છે. ‘સક્રિય વાચન’ દરમ્યાન મુદ્રિત શબ્દશ્રેણીઓ પરત્વે ચેતનાની કાલગત પ્રક્રિયાની પ્રતિક્રિયા હોય છે અને આ પ્રક્રિયા કૃતિનાં અનિર્ણિત તેમજ સંભાવનાઓનાં સ્થાનોને ‘પૂરવાનું’ કાર્ય કરે છે અને એમ કરતાં ઇન્ગાર્ડનના શબ્દોમાં કહીએ તો કૃતિનું વાચકચિત્તમાં ‘મૂર્તીકરણ’(Concretization) થતું હોય છે. આ અર્થમાં પ્રતિભાસમીમાંસાએ અભિગ્રહણ સિદ્ધાન્ત અંગેની પીઠિકા ઊભી કરી આપી છે. વૂલ્ફગાન્ગ ઇઝર, હાન્સ રોબર્ટ યાઉસ વગેરે આ દિશામાં કાર્ય કરી રહ્યા છે. ચં.ટો.