ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રસન્ન રાઘવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રસન્ન રાઘવ : ‘ગીત ગોવિન્દ’ના કર્તા જયદેવથી જુદા તેરમી સદીના તર્કવિદ જયદેવે ‘સીતાવિહાર’, ‘ચન્દ્રાલોક’, ઉપરાંત ‘પ્રસન્નરાઘવ’ નાટક પણ આપ્યું છે. ભવભૂતિ પછીના નાટ્યસ્વરૂપના અવનતિકાળમાં લખાયેલાં રામાયણકથા પર આધારિત મુરારિના ‘અનર્ઘ રાઘવ’ અને રાજશેખરના ‘બાલ રામાયણ’ નાટકોની જેમ ‘પ્રસન્નરાઘવ’ પણ ખાસ ઉલ્લેખ માગે છે. સાત અંકોનું આ નાટક કાલિદાસના ‘વિક્રમોર્વશીયમ્’ને નમૂના રૂપે રાખીને ચાલ્યું છે. શૈવપંથી હોવા છતાં રામભક્ત જયદેવે રામકથામાં નાટ્યાત્મક પ્રભાવ માટે ઉચિત ફેરફાર કર્યા છે. પ્રથમ અંકમાં બાણ અને રાવણ જેવા રાક્ષસોની સહોપસ્થિતિ તેમજ અંતમાં વિદ્યાધર-યુગ્મ દ્વારા થયેલું યુદ્ધવર્ણન ધ્યાન ખેંચે છે. ચં.ટો.