ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રાકૃત સાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રાકૃત સાહિત્ય : ઈ.સ. પૂર્વે છઠ્ઠી અને પાંચમી સદીમાં મુખ્યત્વે મગધની આસપાસ જનસામાન્ય દ્વારા બોલાતી અને માગધી, અર્ધમાગધી કે આર્ષપ્રાકૃત તરીકે તે સમયે ઓળખાતી ભાષામાં જૈન તીર્થંકર મહાવીરે આપેલા ધર્મોપદેશને આધારે સંકલિત થયેલા આગમસાહિત્યની ભાષાને મુખ્યત્વે પ્રાકૃત ભાષા કહેવામાં આવે છે. ભાષાની પરિવર્તનશીલતા, ભૌગોલિકતા અને કેટલાક તાત્ત્વિક ભેદોને કારણે મધ્યયુગીન ભારતીય આર્યભાષામાંથી વિકસિત પ્રાકૃતનાં વિભિન્ન ભાષાસ્વરૂપો ઉપલબ્ધ થાય છે, જેમકે શ્વેતાંબર જૈન આગમોની પ્રાકૃત, દિગંબર જૈન આગમ ગ્રન્થોની શૌરસેની પ્રાકૃત, જૈનોની ધાર્મિક અને લૌકિક કથાઓની પ્રાકૃત, સંસ્કૃત નાટકોમાં પ્રયુક્ત લોકબોલીમાં વિવિધ રૂપો દર્શાવતી પ્રાકૃત, મુક્તક કાવ્યોની મહારાષ્ટ્રી પ્રાકૃત, બૃહત્કથાની પૈશાચી પ્રાકૃત, અશોકના શિલાલેખોની પ્રાકૃત, નિયા પ્રાકૃત વગેરેમાં પ્રાકૃત ભાષામાં જ વિવિધ સ્વરૂપે જોવા મળે છે. પ્રાકૃત વૈયાકરણો અને સંસ્કૃત અલંકારશાસ્ત્રીઓએ તેને મુખ્યત્વે માગધી કે અર્ધમાગધી, મહારાષ્ટ્રી, શૌરસેની અને પૈશાચી – એમ ચાર વિભાગમાં વિભાજિત કરી છે. મહાવીરસ્વામીએ આપેલા ધર્મોપદેશને કારણે વિશેષ પ્રચલિત બનેલી આ ભાષામાં વિવિધ પ્રકારનું સાહિત્ય રચાતાં તે સાહિત્યિક ભાષા બની. પ્રાકૃત સાહિત્યને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે : આગમિક, અનુ-આગમિક અને આગમેતર સાહિત્ય. આગમસાહિત્ય આચારાંગ આદિ ૪૫ આગમોમાં તથા તેના વિશે લખાયેલા વિશાળ ટીકાસાહિત્ય, નિર્યુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય અને ટીકાઓમાં ઉપલબ્ધ છે. જૈન પરંપરા અનુસાર તીર્થંકર મહાવીરે આગમોનું પ્રરૂપણ કર્યું અને ગણધરોએ તેને સૂત્રબદ્ધ કર્યાં. આગમોની સંખ્યા મુખ્યત્વે ૪૫ માનવામાં આવે છે. એમાં ૧૨ અંગો ઉપરાંત ૧૨ ઉપાંગ, ૧૦ પઈન્ના (પ્રકીર્ણ), ૬ છેયસુત્ત (છેદસૂત્ર), ૪ મૂલસુત્ત(મૂળસૂત્ર) તથા નન્દી અને અનુયોગદારનો સમાવેશ થાય છે. બાર ઉપાંગોનો ઉલ્લેખ પ્રાચીન આગમસાહિત્યમાં નથી. શ્રુતનું અનુસરણ કરીને ઉપદૃષ્ટિ ધર્મદેશના વિશે શ્રમણો દ્વારા રચાયેલા સાહિત્યને પ્રકીર્ણક કહે છે. આ રચનાઓ પદ્યાત્મક છે. છેદસૂત્રોને આગમનો પ્રાચીનતમ ભાગ માનવામાં આવે છે. તેમાં જૈન ભિક્ષુઓના આચારવિચાર અંગેના નિયમોનું નિરૂપણ છે. જૈન શ્રમણસંઘના ઐતિહાસિક ક્રમિક વિકાસને યોગ્ય રીતે સમજવા માટે છેદસૂત્રોનું અધ્યયન જરૂરી છે. મૂળસૂત્રોમાં સાધુજીવનના મૂળભૂત નિયમોનો ઉપદેશ છે. મહાવીરે પોતાના ગણધરોને આગમસિદ્ધાન્તોનો ઉપદેશ આપ્યો હતો, પણ તેનું અંતિમ સંકલન મહાવીરનિર્વાણનાં ૧૦૦૦ વર્ષ પછી થયેલી વલભીની પાંચમી વાચના અનુસાર કરવામાં આવ્યું છે. આ દીર્ઘ સમય દરમ્યાન મૂળ આગમોમાં ઘણું પરિવર્તન થયું હોવાની પૂર્ણ સંભાવના છે; કેટલુંક નષ્ટ પણ થયું છે. તેમ છતાં સંકલિત થયેલા વિશાળ આગમસાહિત્યમાં પ્રાચીનતમ જૈનપરંપરાઓ, અનુશ્રુતિઓ, લોકકથાઓ, તત્કાલીન રીતરિવાજ, ધર્મોપદેશ અને આચારવિચાર વિશેનાં વ્રતનિયમો આદિ અનેક વિષયોના થયેલા નિરૂપણથી તત્કાલીન સામાજિક, ધાર્મિક અને રાજકીય પરિસ્થિતિ પર પ્રકાશ પડે છે. દૃષ્ટાંત તરીકે વ્યાખ્યા, પ્રજ્ઞપ્તિમાં મહાવીરનું તત્ત્વજ્ઞાન, એમની શિષ્યપરંપરા, તત્કાલીન રાજા મહારાજાઓ તથા તે સમયે પ્રચલિત અન્ય સંપ્રદાયોના મતમતાંતરોનું વિવેચન છે. કલ્પસૂત્રમાં મહાવીરનું વિસ્તૃત જીવન, તેમની વિહારચર્યા અને જૈન શ્રમણોની સ્થવિરાવલીઓ, ભિન ભિન્ન ગણ, કુલ અને શાખાઓનો ઉલ્લેખ છે. જ્ઞાતૃધર્મકથામાં નિર્ગ્રંથ પ્રવચનની ઉદ્બોધક અનેક ભાવપૂર્ણ કથાઓ, ઉપમાઓ અને દૃષ્ટાંતોનો સંગ્રહ છે. આચારાંગ, સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન ને દશવૈકાલિક સૂત્રોના અભ્યાસથી જૈન મુનિઓના સંયમપાલનની કઠોર રીતિનીતિનો પરિચય મળે છે. રાજપ્રશ્નીય, જીવાભિગમ અને પ્રજ્ઞાપના આદિ સૂત્રોમાં વાસ્તુશાસ્ત્ર, સંગીત, નાટ્ય અને વિવિધ કલાઓ, પ્રાણીવિજ્ઞાન, વનસ્પતિવિજ્ઞાન વગેરે અનેક વિષયોનું વિવેચન મળે છે. છેદ સૂત્ર ખૂબ મહત્ત્વનું પ્રાચીનતમ શાસ્ત્ર છે. તેમાં નિર્ગ્રંથશ્રમણોના આહારવિહાર, ગમનાગમન, રોગચિકિત્સા, વિદ્યામંત્ર, સ્વાધ્યાય, ઉપસર્ગ, દુર્ભિક્ષ, મહામારી, તપ, ઉપવાસ, પ્રાયશ્ચિત્ત વગરે વિશે વિપુલ સામગ્રી છે. અનુ-આગમસાહિત્ય, દિગંબરમાન્ય શૌરસેની આગમો કસાયપાહુડ, ષટ્ખંડાગમ તથા કુન્દકુન્દાચાર્યના ગ્રન્થોના રૂપમાં મળે છે. દિગંબર સંપ્રદાયમાં ૪૫ આગમોનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. તેમના મતાનુસાર મહાવીર નિર્વાણપશ્ચાત્ શ્રુતજ્ઞાનનો ક્રમશ : વિચ્છેદ થઈ ગયો છે, તો પણ ૧૨ અંગોને તેમણે માન્ય રાખ્યાં છે. કેવળ દૃષ્ટિવાદનો કેટલોક ભાગ ષટ્ખંડાગમના રૂપમાં ઉપલબ્ધ છે. તેમણે જૈન આગમોને પ્રકારાન્તરે ચાર ભાગમાં વિભક્ત કર્યાં છે. ૧, પ્રથમાનુયોગમાં રવિષેણનું પદ્મપુરાણ, જિનસેનનું હરિવંશપુરાણ અને આદિપુરાણ તથા ગુણભદ્રના ઉત્તરપુરાણનો સમાવેશ થાય છે. ૨, કરણાયોગમાં સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ એને જયધવલાનો સમાવેશ થાય છે. ૩, દ્રવ્યાનુયોગમાં કુંદકુંદની રચનાઓ – પ્રવચનસાર, પંચાસ્તિકાય, સમયસાર વગેરે તથા ઉમાસ્વાતિના તત્ત્વાર્થસૂત્ર તથા તેની ટીકાઓ; સમન્તભદ્રની આપ્તમીમાંસા અને તેની ટીકાઓના અંતર્ભાવ થાય છે. ૪, ચરણાનુયોગમાં વટ્ટકેરના મૂલાસાર અને ત્રિવર્ણાચાર તથા સમન્તભદ્રના રત્નકરણ્ડ શ્રાવકાચારનો સમાવેશ થાય છે. દિગંબરોના ઉપરોક્ત સિદ્ધાંતગ્રન્થ–ષટ્ખંડાગમને સંતકમ્મપાહુડ (સત્કર્મપ્રાર્ભૃત), ખંડ સિદ્ધાન્ત અથવા ષટ્ખંડસિદ્ધાન્ત પણ કહેવામાં આવે છે. પુષ્પદંત અને ભૂતબલિએ (પ્રથમ અને દ્વિતીય શતાબ્દીની વચ્ચે) મુખ્યત્વે ૧૪ પૂર્વોની અંતર્ગત દ્વિતીય અગ્રાયણીપૂર્વના મહાકર્મપ્રકૃતિ નામના ચતુર્થ પાહુડ અધિકારના આધારે ષટ્ખંડાગમની રચના કરી હતી. આ ગ્રન્થ ઉપર આચાર્ય વીરસેને ૭૨૦૦૦ શ્લોકમાં લખેલી ધવલાટીકા પણ નોંધપાત્ર છે. ગુણધર આચાર્યરચિત કસાયપાહુડ (કષાયપ્રાર્ભૃત) પણ દિગંબરોનો મહત્ત્વનો સિદ્ધાન્તગ્રન્થ છે. તેના વિશે યતિવૃષભ આચાર્યએ તિલોયપણ્ણતિ (ત્રિલોકપ્રજ્ઞપ્તિ) નામનો ટીકાગ્રન્થ લખ્યો છે. કુન્દકુન્દાચાર્યના પંચાસ્તિકાય, પ્રવચનસાર અને સમયસાર દ્રવ્યાર્થિક, નયપ્રધાન આધ્યાત્મિક ગ્રન્થ છે. તેમાં શુદ્ધ નિશ્ચયનયથી વસ્તુનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. નિયમસાર, રયણસાર, અષ્ટપાહુડ અને દશભક્તિ પણ તેમના પ્રસિદ્ધ ગ્રન્થો છે. પૂર્વાચાર્યોના શાસ્ત્રગ્રન્થોને આધારે શિવકોટિએ રચેલા ભગવતી આરાધના અથવા મૂલારાધના નામના ૨૧૬૬/ ૨૧૭૦ ગાથાઓના ગ્રન્થમાં સમ્યગ્દર્શન, જ્ઞાન, ચરિત્ર અને તપ – એ ચાર આરાધનાઓનું વિવેચન છે. તે ઉપરાંત મૂલાચાર, કાર્તિકયાનુપ્રેક્ષા, ગોમ્મટસાર, ત્રિલોકસાર, લબ્ધિસાર, દ્રવ્યસંગ્રહ, જંબુદીવપણ્ણત્તિસંગ્રહ, ધમ્મરસાયણ, નયચક્ર, આરાધનાસાર, તત્ત્વસાર, દર્શનસાર, બૃહત્ નયચક્ર, જ્ઞાનસાર, શ્રુતસ્કંધ વગેરે તત્ત્વજ્ઞાનના ગ્રન્થો પણ નોંધપાત્ર છે. શ્વેતાંબર અને દિગંબર આગમસાહિત્ય અને સૈદ્ધાન્તિક ગ્રન્થો વિશે રચાયેલા નિર્યુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય અને ટીકાગ્રન્થોથી આ સાહિત્ય ખૂબ સમૃદ્ધ બન્યું છે. આગમોત્તરકાળમાં જૈન તત્ત્વજ્ઞાન, આચારવિચાર અને ક્રિયાકાંડ વિશે પ્રાકૃત ભાષામાં રચાયેલા વિપુલ સાહિત્યમાં વિશેષાવશ્યક ભાષ્ય, પ્રવચનસારોદ્ધાર, વિચારસારપ્રકરણ, સન્મતિપ્રકરણ, ધર્મસંગ્રહણી, જીવસમાસ, શ્રાવકધર્મવિધિ, જીવાનુશાસન, જીવવિચારપ્રકરણ વગેરે મહત્ત્વના ગ્રન્થો છે તે ઉપરાંત પટ્ટાવલિઓ, વિવિધતીર્થકલ્પ અને ઐતિહાસિક પ્રબંધો પણ પ્રાકૃત ભાષાના અધ્યયનની દૃષ્ટિએ ઉપયોગી છે. આગમેતર સાહિત્ય અનુયોગ નામની વિશિષ્ટ વ્યાખ્યાનપદ્ધતિના રૂપમાં ઈ.સ.ની આરંભની સદીઓમાં લખાવા માંડ્યું હતું. તેના પ્રણેતા આચાર્ય આર્યરક્ષક હોવાનું મનાય છે. તેના વિવિધ પ્રકાર અંતર્ગત કથા, કાવ્ય, ચરિત્ર, સ્તોત્રો વગેરેનો સમાવેશ થાય છે. પ્રાકૃત કથાસાહિત્યનો આરંભ આગમોની સાથે જ થાય છે. ‘નાયાધમ્મકહાઓ’માં દૃષ્ટાંત, ઉપમા, રૂપક, સંવાદો અને લોકપ્રચલિત કથાવાર્તાઓ દ્વારા સંયમ, તપ, અને ત્યાગનો ઉપદેશ આપવામાં આવ્યો છે. આગમો પર લખાયેલ વ્યાખ્યાસાહિત્ય, ટીકાઓ, નિર્યુક્તિ, ભાષ્ય વગેરેમાં પણ કથાનક, આખ્યાનો અને દૃષ્ટાંતોનો ગાથારૂપમાં સંગ્રહ છે. ટીકાઓ સંસ્કૃતમાં હોવા છતાં તેનો કથાભાગ તો પ્રાકૃતમાં જ લખાયો છે. આગમસાહિત્યમાં વર્ણિત ધાર્મિક અને લૌકિક કથાઓને આધારે ઉત્તરકાલીન પ્રાકૃત કથાસાહિત્ય ઉત્તરોત્તર વિકાસ પામ્યું છે. ગુણાઢ્યે પૈશાચી પ્રાકૃતમાં લખેલી બૃહત્કથાની જેમ પાદલિપ્તસૂરિની ‘તરંગવઈકહા’થી પ્રાકૃત કથાસાહિત્યમાં (બીજીત્રીજી સદી) નવી પરંપરાનો આરંભ થયો. સંઘદાસગણિવાચક તથા ધર્મસેનગણિ મહત્તર દ્વારા રચાયેલી કૃતિ ‘વસુદેવહિંડી’ આગમબાહ્ય ગ્રન્થોમાં સૌથી પ્રાચીન કથાકૃતિ માનવામાં આવે છે. તેમાં કૃષ્ણના પિતા વસુદેવના ભ્રમણ(હિંડી)નું મહારાષ્ટ્રી પ્રાકૃતમાં અનેક કથાઓ અને અવાન્તરકથાઓ સાથે વિસ્તૃત વર્ણન છે. હરિભદ્રસૂરિની પ્રસિદ્ધ કથા ‘સમરાઈમ્મકહા’માં ઉજ્જૈનના રાજા સમરાદિત્ય અને પ્રતિનાયક અગ્નિશર્માના નવ ભવના વર્ણન સાથે અનેક પ્રેમકથાઓ અને ધર્મકથાઓનું આલેખન થયું છે. તેમનું ધૂર્તાખ્યાન હાસ્ય-વ્યંગ્ય અને વિનોદનો એકમાત્ર કથાગ્રન્થ છે. ‘સકલકથા’ તરીકે સુપ્રસિદ્ધ બનેલી ઉદ્યોતનસૂરિની તેમની બહુમુખી પ્રતિભાનો પરિચય કરાવતી રચના’ ‘કુવલયમાલા’ કથાનિરૂપણ, રચનાકળા તથા ભાષાના વિલક્ષણ પ્રયોગોની અને તેમાં આવતા પૂર્વસૂરિઓ અને સાહિત્યકારોના ઉલ્લેખોની દૃષ્ટિએ મહત્ત્વની કૃતિ છે. તેમાં મહારાષ્ટ્રી પ્રાકૃતની સાથે પૈશાચી, અપભ્રંશ અને સંસ્કૃત ભાષાનો પણ પ્રયોગ થયો. ‘સુંદરણાચરિય’ના કર્તા દેવેન્દ્રસૂરિએ કથાઓના પ્રકારો આપીને રાત્રિકથા, સ્ત્રીકથા, ભક્તકથા અને જનપદકથા નામની ચાર વિકથાઓનો ત્યાગ કરીને ધર્મકથાના શ્રવણને જ હિતકારી જણાવ્યું છે. સોમપ્રભસૂરિના ‘કુમારપાલપ્રતિબોધ’ના કેટલાક ધાર્મિક કથાબદ્ધ રૂપકકાવ્ય જેવા ભાગમાં જીવ, મન અને ઇંદ્રિયોનો પારસ્પરિક વાર્તાલાપ નોંધપાત્ર છે. તે ઉપરાંત જિનેશ્વરસૂરિની ‘લીલાવતીકથા’, મહેન્દ્રસૂરિની ‘તમ્મયાસુંદરીકહા’, સુમતિસૂરિનું ‘જિનદત્તાખ્યાન’, જિનહર્ષગણિની ‘રયણસેહરીકહા’ અને ‘જિનદત્તાખ્યાન’ અને હેમચંદ્રકૃત ‘સિરિવાલકહા’ અને તે સિવાય એક કરતા વધારે કર્તાઓ દ્વારા રચાયેલી ‘આરામસોહાકહા’, ‘અંજનાસુંદરીકથા’, ‘આર્દ્રકુમારકથા’, ‘ધન્નાશાલિભદ્રકથા’, ‘જયસુંદરીકથા’ આદિ અનેક કથાનકો નિરૂપતી કૃતિઓ મળે છે તથા જિનેશ્વરસૂરિનો ‘કથાકોષપ્રકરણ’, દેવેન્દ્રગણિનો ‘આખ્યાનમણિકોષ’, ગુણચંદ્રગણિનો ‘કથારત્નકોષ’ અને દેવભદ્રસૂરિના ‘પાઈઅકહાસંગહ’ જેવા ગ્રન્થોમાં જૈનકથાઓનો વિશાળ સંગ્રહ છે. ધર્મોપદેશ જૈન કથાસાહિત્યનું મહત્ત્વનું પ્રયોજન છે. આ પ્રયોજન સિદ્ધ ઉપદેશમાલા નામના અનેક કથાગ્રન્થોની રચના થઈ છે. જેમકે ધર્મદાસ, પદ્મસાગર, મલધારી હેમચંદ્ર વગેરેએ ઉપદેશમાલા તથા જયસિંહ અને યશોદેવ આદિ વિદ્વાનોએ ધર્મોપદેશમાલા નામના પૃથક્ પૃથક્ ગ્રન્થોની રચના કરી છે. હરિભદ્રએ ‘ઉપદેશપદ’, મુનિસુંદરે ‘ઉપદેશરત્નાકર’, શાંતિસૂરિએ ‘ધર્મરત્ન’, આસડે ‘ઉપદેશકંદલિ’ વગેરે ઉપદેશાત્મક ગ્રન્થો લખ્યા છે. તેમાં કથાતત્ત્વની અપેક્ષાએ ત્યાગ-વૈરાગ્ય અને સંયમનું પ્રાધાન્ય છે. પ્રાકૃત કથાસાહિત્યનો સમય લગભગ ચોથી સદીથી આરંભીને સત્તરમી સદી સુધીનો ગણી શકાય. અગિયારમી અને બારમી સદીનો સમય કથાસાહિત્યનો ઉત્કર્ષકાળ હતો. હરિભદ્રસૂરિએ ‘સમરાઈચ્ચકહા’માં સામાન્ય રૂપે અર્થકથા, કામકથા, ધર્મકથા અને સંકીર્ણકથા – એમ કથાના ચાર પ્રકાર બતાવ્યા છે. કથાઓને લોકરંજક બનાવવા માટે સમન્વયવાદી વલણ લીધું છે. પ્રેમ અને શૃંગારરસનું આત્યંતિક નિરૂપણ કર્યા પછી પણ તેમનું મુખ્ય પ્રયોજન ધર્મોપદેશનું રહે છે. સાધારણ રીતે નગરની બહારના ઉદ્યાનમાં આવેલા તપસ્વી કે કેવલીમુનિ શ્રોતાઓના પૂર્વભવનું વર્ણન કરવાની સાથે કથાઓ અને અવાન્તરકથાઓ કહીને દાન, શીલ, તપ આદિ સદ્ભાવનાઓનું પ્રતિપાદન કરતા. આ કથાઓમાં ઋતુઓ, વન, અરણ્ય, ઉદ્યાન, નગર, મહેલો, રાજા, યુદ્ધો, દીક્ષાવિધિ વગેરેનાં ચિત્રાત્મક વર્ણનોની સાથે સામાન્ય જનજીવનનું પણ નિરૂપણ થયેલું છે. દસમી સદી પછી લખાયેલા કથાસાહિત્યમાં મંત્ર-તંત્ર, વિદ્યાસાધના, ભૂતવિદ્યા અને અનેક પ્રકારની તાંત્રિક પૂજાવિધિનાં વર્ણનો મળે છે. કથાઓમાં મહારાષ્ટ્રી પ્રાકૃતની સાથે અપભ્રંશ અને સંસ્કૃત ભાષાનો પણ ઉપયોગ થયેલો છે. કથાઓને મનોરંજક બનાવવા હેલિકા, પ્રહેલિકા સમસ્યાપૂર્તિ, સુભાષિત, ગીત, ગાથા, છંદ, કહેવતો આદિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચરિત્રસાહિત્ય પણ પ્રાકૃત ભાષામાં રચાયું છે. ઉપરોક્ત કથાસાહિત્યમાં વર્ણિત કેટલીક કથાઓ ચરિત્રકથાઓ છે. રામાયણ, મહાભારત અને હરિવંશપુરાણને અનુસરીને જૈન આચાર્યોએ પણ રામ-કૃષ્ણની સાથે ત્રેસઠ શલાકાપુરુષમાં વર્ણિત ચોવીસ તીર્થંકર, બાર ચક્રવર્તી, નવ વાસુદેવ, નવ બલદેવ, નવ પ્રતિવાસુદેવોનાં ચરિત્ર વિશે ઘણું સાહિત્ય સર્જ્યું છે. કલ્પસૂત્રમાં ઋષભદેવ, અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ અને મહાવીર વગેરે તીર્થંકરોનાં ચરિત્રનું વર્ણન થયું છે. ભદ્રેશ્વરસૂરિની કથાવલિમાં ત્રેસઠ મહાપુરુષો અને યતિવૃષભની તિલોયપણ્ણત્તિ, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના વિશેષાવશ્યકભાષ્ય અને શીલાંકાચાર્યના ચઉપન્નમહાપુરુષચરિયમાં મહાપુરુષોના ચરિત્રનું સંકલન થયું છે. તીર્થંકરો અને મહાન આચાર્યોની પ્રશસ્તિ અને વંદના કરતું ભક્તિભાવપ્રધાન સ્તુતિ અને સ્તોત્રસાહિત્ય પણ વૈવિધ્ય, વિપુલતા અને ક્યારેક રચનાકલાની ઉત્કૃષ્ટતાની દૃષ્ટિએ મહત્ત્વનું છે. પ્રાકૃત કાવ્યસાહિત્યમાં મુક્ત મુક્તક સ્વરૂપનાં ગેય પદ્યોથી માંડીને, સંસ્કૃત મહાકાવ્યની શૈલી પર આધારિત છંદોબદ્ધ દીર્ઘ કાવ્યો સુધીનું વૈવિધ્ય જોઈ શકાય છે. ઉપરોક્ત કથા અને ચરિત્રસાહિત્ય પણ મહદ્ અંશે પદ્યમાં લખાયું છે. ઈ.સ. ૬૯માં સાતવાહને ભિન્ન ભિન્ન કવિઓ દ્વારા રચાયેલી ઉત્તમ ગાથાઓનું સંકલન ગાહાસમસઈ (ગાથા સપ્તશતી) અથવા સપ્તશતકમાં આપ્યું છે. પ્રાકૃત ભાષાના આ લોકપ્રસિદ્ધ અને મહત્ત્વના ગાથાસંગ્રહમાંથી પશ્ચાદ્વર્તી શાસ્ત્રીય આચાર્યો અને અલંકારગ્રન્થોના રચયિતાઓએ અલંકાર, રસ આદિનાં ઉદાહરણ માટે અનેક ગાથાઓ દૃષ્ટાંતરૂપે લીધી છે. વજ્જાલગ્ગ, ગાથાસહસ્સી, ગાથાકોષ વગેરે અન્ય ગ્રન્થોમાં પણ વિવિધ વિષયોને નિરૂપતાં અનેક મુક્તકોનો કે સુભાષિતોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. કવિ પ્રવરસેનનું પાંચમી સદીમાં રચાયેલું ‘સેતુબંધ’ પ્રાકૃતભાષાનાં શ્રેષ્ઠ કાવ્યોમાંનું એક છે. તેમાં ૧૫ આશ્વાસ કે પ્રકરણોમાં વાનરસેનાના પ્રસ્થાનથી આરંભીને રાવણવધ સુધીની રામકથાનું વર્ણન છે. વાક્પતિરાજનું ૭૫૦માં મહારાષ્ટ્રી પ્રાકૃતમાં આર્યા છંદમાં રચાયેલું ‘ગઉડવહો’ (ગૌડવધ); પ્રતિષ્ઠાનના રાજા સાતવાહન અને લીલાવતીની પ્રણયકથાને અનુષ્ટુપની ૧૮૦૦ ગાથામાં વર્ણવતું કોઉહલ નામના બ્રાહ્મણે રચેલું ‘લીલાવઈ’ (લીલાવતી) કાવ્ય તથા હેમચંદ્રાચાર્યનું ‘કુમારપાલચરિય’ પ્રાકૃતભાષાનાં નોંધપાત્ર કાવ્યો છે. નાટ્યસાહિત્યમાં પ્રાકૃતનો પ્રયોગ મુખ્યત્વે સંસ્કૃત નાટકોમાં જોવા મળે છે. આ નાટકોમાં દાસદાસીઓ, ધૂર્ત, વિટ, વિદૂષક, ભિક્ષુક, તાપસ તથા નીચ જાતિમાંથી આવતાં પાત્રો પ્રાકૃતમાં બોલે છે. શુદ્રકના ‘મૃચ્છકટિક’ તથા અશ્વઘોષ, ભાસ, કાલિદાસ, ભવભૂતિ વગેરેનાં નાટકોમાં શૌરસેની, મહારાષ્ટ્રી, પ્રાચ્યા, અવન્તિજા, અર્ધમાગધી આદિ વિવિધ પ્રાકૃતભાષાઓનો થયેલો વિનિયોગ ધ્યાનાર્હ છે. પ્રાકૃતભાષામાં સટ્ટક પ્રકારનાં નાટકો (નાટિકાઓ)ની રચના થઈ છે. તેમાં રાજશેખરકૃત ‘કર્પૂરમંજરી’, માર્કંડેયકૃત ‘વિલાસવતી’, રુદ્રદાસકૃત ‘ચંદલેહા’, ઘનશ્યામકૃત ‘આનંદસુંદરી’, વિશ્વેશ્વરકૃત ‘સિંગારમંજરી’ વગેરે પ્રાકૃત સટ્ટકો લોકપ્રિય બનેલાં છે. સંસ્કૃત ભાષાની જેમ પ્રાકૃત ભાષામાં પણ વ્યાકરણ, છંદ અને કોષગ્રન્થોની રચના થઈ છે. પ્રાકૃત વૈયાકરણોમાં ચણ્ડ, વરરુચિ અને હેમચંદ્રાચાર્યના ગ્રન્થો પ્રમાણભૂત મનાય છે. વિરહાંકકૃત ‘વૃત્તજાતિસમુચ્ચય’, નંદિષેણનું ‘કવિદર્પણ’, નન્દિતાઢ્યનું ‘ગાથાલક્ષણ’ તથા સ્વયંભૂકૃત ‘સ્વયંભૂછંદ’ – વગેરે છંદવિષયક ગ્રન્થો છે. કોષગ્રન્થોમાં ધનપાલનો ‘પાઈયલચ્છીનામમાલા’ અને હેમચંદ્રાચાર્યનો ‘દેશીનામમાલા’ગ્રન્થ પ્રસિદ્ધ છે. તે ઉપરાંત ‘જયપાહુડ’, ‘નિમિત્તશાસ્ત્ર’, ‘રાજનીતિ’, ‘સંગીત સમયસાર’, ‘સંગીતોપનિષદ્’, ‘નીતિવાક્યામૃત’, ‘જ્યોતિષ્કરંડક’, ‘જ્યોતિષસાર’, ‘ગણિતસાર’, ‘વાસ્તુસાર’, ‘દ્રવ્યપરીક્ષા’, ‘ધાતૂત્પત્તિ’ વગેરે અનેક નિમિત્તશાસ્ત્ર, રાજનીતિ, સંગીત, નીતિ, જ્યોતિષ, ગણિત, અર્થશાસ્ત્ર વગેરે વિશેના ગ્રન્થો પણ પ્રાકૃત ભાષામાં લખાયા છે.

નિ.વો.