ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રાસહીન પદ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રાસહીન પદ્ય (Blank Verse) : અર્લ ઑવ સરીએ વર્જિલના ઇટાલિયન મહાકાવ્યના અંગ્રેજી ભાષાન્તરમાં આ પદ્યસ્વરૂપ પહેલીવાર ૧૫૪૦માં પ્રયોજ્યું, જેમાં કડીઓમાં વિભક્ત થયા વગરની પ્રાસહીન પંક્તિઓ હોય છે. અલબત્ત, એમાં છંદની નિયમિતતા અને નિશ્ચિતતા તો હોય છે જ. તેથી એને મુક્ત પદ્ય (Free Verse) સાથે સંડોવવાની જરૂર નથી. આ પદ્યસ્વરૂપમાં પ્રાસ જતો રહેતાં આયેમ્બિક પેન્ટામીટરમાં રચાતી પંક્તિઓ વાગ્મિતાની ગરિમા સાથે સાથે રોંજિદી ભાષામાં સ્વાભાવિક લયની નજીક સરતી હોય છે. અને સ્વગતોક્તિ, એકોક્તિ તેમજ નાટક માટે એ વધુ લવચીક બનતું જોવાય છે. વિવિધ ભાવસ્થિતિઓ અને વિષયોને વ્યક્ત કરવામાં ચારસો વરસોથી એ ખૂબ સક્ષમ ગણાયું છે. આ કારણે જ નાટ્યાત્મક, કથાત્મક અને ચિંતનાત્મક દીર્ઘકાવ્ય રચનાઓમાં એનો પ્રયોગ વધુ થયો છે. શેક્સપિયર, મિલ્ટન, વર્ડ્ઝવર્થથી શરૂ કરી ટી. એસ. એલિયટ સુધીના કવિઓએ આ પદ્યસ્વરૂપ ખપમાં લીધું છે. ગુજરાતી સાહિત્યમાં બ. ક. ઠાકોરે અંતપ્રાસરહિતત્વ અને યતિસ્વાતંત્ર્યસહિતત્વ દ્વારા આનો જ નિર્દેશ કર્યો છે; જેને એ પ્રવાહી પદ્ય તરીકે ઓળખાવે છે. ચં.ટો.