ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રિયદર્શિકા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રિયદર્શિકા : વાસવદત્તાના માસા દૃઢવર્માની પુત્રી પ્રિયદર્શિકા અને વત્સરાજ ઉદયનના પ્રણયપરિયણની કથા નિરૂપતી હર્ષવર્ધનની સંસ્કૃત નાટિકા. ઉદયન સાથેના પ્રિયદર્શિકાના સંબંધથી ક્રુદ્ધ કલિંગરાજ દૃઢવર્મા પર આક્રમણ કરે; કંચુકી સાથે રાજકન્યાને વિંધ્યકેતુ આશ્રય આપી ઉદયનને સોંપે; આરણ્યકા નામે વાસવદત્તા પાસે પ્રિયદર્શિકા રહે; પ્રેમમાં પડેલો રાજા કમળ ચૂંટવા ગયેલી આરણ્યકાને ભમરાથી બચાવી મળે; સાંકૃત્યાયનીરચિત ‘ઉદયન વાસવદત્તા વિવાહ’ નાટકમાં ઉદયન મનોરમાને પોતે પાત્ર ભજવી, વાસવદત્તાની ભૂમિકા કરતી પ્રિયદર્શિકાને મળે, વાસવદત્તાને શંકા જતાં ઊંઘતા વિદૂષકને જગાડી કાવતરું જાણી જાય; પ્રિયદર્શિકા કેદ કરાતાં વિષપાન કરે; રાજા બચાવી લે; કલિંગરાજનો પરાજય, દૃઢવર્માનો પુન :રાજ્યાભિષેક અને આરણ્યકાની પ્રિયદર્શિકા તરીકે ઓળખ સ્થપાતાં વાસવદત્તાની સંમતિથી બંનેનાં લગ્ન થાય; આવી ચાર અંકની ઉદયનકથાની ભૂમિકા ધરાવતી કલ્પિત કથાનકવાળી આ નાટિકામાં વિમર્શ સંધિની અલ્પતા અને શેષ ચાર સંધિઓની સાંગ યોજનાથી કથાવસ્તુ સુગઠિત લાગે છે. અહીં પ્રિયદર્શિકા-ઉદયનના સંયોગ – વિપ્રલંભ શૃંગાર અને સહકારી વિદૂષકનો હાસ્ય, ભ્રમરભયરૂપ ભયાનક, ઉદયન દ્વારા વિષનિવારણરૂપ અદ્ભુત આદિ રસો પુષ્ટ કરે છે. અહીં ઉદયન આરણ્યકાના મિલન અર્થે ગર્ભાંકની યોજના હર્ષની નાટ્યસૂઝને વ્યક્ત કરે છે. અ.ઠા.