ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બહુસંસ્કૃતિપરક સાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search



બહુસંસ્કૃતિપરક સાહિત્ય (Multicultural Literature) : સાંપ્રત વિશ્વસાહિત્યના બહુસંસ્કૃતિવાદે કેટલાક એવા કપરા મુદ્દાઓ ઉઠાવ્યા છે, જેનો વિવેચકોએ અત્યાર સુધીમાં ભાગ્યે જ સામનો કર્યો છે. આફ્રિકાના સાહિત્યકારોએ પશ્ચિમના સાર્વત્રિક(universal)ના સિદ્ધાન્તને યુરોપકેન્દ્રી કહી ફગાવી દીધો છે અને સંદર્ભપરક (Contextual or local) અભિગમ વધુ ફલપ્રદ છે એવું કહી સ્થાનિક અભિગમને પુરસ્કાર્યો છે. એમણે સ્પષ્ટ કર્યું છે કે યોરુબા પુરાકલ્પનોને અને એની મૌખિક પરંપરાને સમજ્યા વગર સોયિન્કા જેવા લેખકને સમજવો અશક્ય છે. બીજી રીતે કહીએ તો બહુસંસ્કૃતિસાહિત્ય વાચકને સંસ્કૃતિઓની બૃહદતા વચ્ચે મૂકે છે. અને આથી જ તત્કાળ અવબોધ એ બહુસંસ્કૃતિપરક સાહિત્યની કસોટી ન બનાવી શકાય. એક બાજુ સાર્વત્રિકનો આદર્શ જો લેખક માટે કારગત નથી, તો બીજી બાજુ સંદર્ભગત આદર્શ એ વાચક માટે કારગત નથી. કોઈ સંસ્કૃતિનું ભાષાન્તર કરીને પોતાની સંસ્કૃતિમાં એની પર્યાપ્ત સમજ કેળવવી શક્ય નથી. એ જુદી સંસ્કૃતિ છે, પણ એ જુદાપણાનો આદર કરવો એ બહુસંસ્કૃતિપરક સાહિત્યનો મુખ્ય આશય છે. ચં.ટો.