ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બાઈબલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



બાઇબલ : બાઇબલ એ ખ્રિસ્તીઓનું ઈશ્વરપ્રાપ્તિ માટેનું ધર્મશાસ્ત્ર છે. એના બે ભાગ છે. જૂનો કરાર અને નવો કરાર. ઈસુના આગમન પહેલાં લખેલા ગ્રન્થો એ ‘જૂનો કરાર’ અને એ જેમ ખ્રિસ્તીઓનું તેમ યહૂદીઓનું પણ પવિત્ર શાસ્ત્ર છે. ઈસુ પછી લખેલા ગ્રન્થો એ ‘નવો કરાર’ અને એ ખ્રિસ્તી ધર્મમાં જ છે. ‘જૂના કરાર’માં મૂસા પયગંબરે લખેલા સૃષ્ટિની ઉત્પત્તિ અને યહૂદી પ્રજાના ઇતિહાસ વિશેના પાંચ ગ્રન્થો, રાજાઓનાં પરાક્રમોનાં વૃત્તાંત, ભજનોનો સંગ્રહ, આધ્યાત્મિકજ્ઞાનની ઉક્તિઓ અને – નબીઓની ભવિષ્યવાણી છે. ‘નવા કરાર’માં ચાર ગ્રન્થો ઈસુના જીવનની કથા રજૂ કરનાર ‘ગોસ્પેલ’ અથવા ‘શુભ સંદેશ’ છે. ત્યારપછી ધર્મસંઘનો વિસ્તાર અને પાઉલની ધર્મયાત્રાઓનું નિરૂપણ કરનાર ‘પ્રેષિતોનાં ચરિતો’ આવે છે, અને પછી પાઉલના અને બીજા પ્રેષિતોના પત્રો. છેલ્લે માનવજાતની ભાવિ મુક્તાવસ્થાની ઝાંખી કરાવનાર ‘દર્શન’ નામનો ગ્રન્થ આવે છે. બાઇબલની ઉક્તિઓના ત્રણ અર્થ હોય છે. એક શબ્દાર્થ, બીજો બોધનો અર્થ, અને ત્રીજો આધ્યાત્મિક અર્થ. શબ્દાર્થ ઇતિહાસનો બનાવ અથવા તો મંથનના વિચારો દર્શાવે; બોધનો અર્થ એ બનાવમાં અથવા એ વિચારમાં રહેલો સૂક્ષ્મ ઉપદેશ વ્યક્ત કરે; અને આધ્યાત્મિક અર્થ યુગે યુગે જીવનને અને સાધનાને લગતું નવું ને નવું માર્ગદર્શન, પ્રોત્સાહન, વિશ્લેષણ પૂરું પાડે. સાહિત્યની કૃતિ તરીકે બાઇબલમાં લગભગ દરેક જૂના ગ્રન્થો જોવા મળે છે. ઇતિહાસ છે, કવિતા છે, નિબંધ છે, પત્રવ્યવહાર છે, ઉપદેશ છે અને ધાર્મિક વાર્તા પણ છે. ‘જૂના કરાર’ના ગ્રન્થોની ભાષા હિબ્રૂ છે, જ્યારે ‘નવા કરાર’ની ભાષા મુખ્યત્વે ગ્રીક છે. પશ્ચિમની ભાષાઓ ઘડવામાં બાઇબલનો મોટો ફાળો છે. એના રૂઢિપ્રયોગો અનેક ભાષાઓમાં આવી ગયા છે અને એની સમજૂતી વગર એવી ભાષાઓની ઉક્તિઓ સમજી ન શકાય. દુનિયાની લગભગ દરેક ભાષાઓમાં બાઇબલનું ભાષાંતર થયું છે, એટલું જ નહિ પણ એક જ ભાષામાં નવાં ને નવાં ભાષાન્તરો આવતાં રહે છે. ગુજરાતી ભાષામાં સંપૂર્ણ બાઇબલનું ઉત્તમ ભાષાંતર સદ્. નગીનદાસ પારેખ અને અને ફા. ઈસુદાસ કવેલીએ કરેલું છે. ફા.વા.