ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બુધસભા

From Ekatra Wiki
Jump to navigation Jump to search



બુધસભાઃ ‘કુમાર’ના તંત્રી બચુભાઈ રાવતની નિશ્રા અને વિશિષ્ટ માવજત પામીને અમદાવાદમાં આરંભાઈને સુસ્થિર થયેલી કાવ્યવાચન તથા આસ્વાદસમીક્ષાની પ્રવૃત્તિ, કાળક્રમે કવિશાળાની ગરજ સારતી સંસ્થા રૂપે ૧૯૩૨માં પ્રતિષ્ઠિત થઈ હતી. ‘કુમાર’ કાર્યાલયમાં કવિઓ સપ્તાહના પ્રત્યેક બુધવારે મળતા તેથી એ કવિમિલન બુધસભા તરીકે ઓળખાયું. કશા વિધિ-નિષેધો તેમજ બંધારણ વિના ચાલતી આ સંસ્થાએ ગુજરાતી ભાષાના કવિઓની ચાર-પાંચ પેઢીના ઘડતર અને વિકાસમાં પ્રત્યક્ષ યોગદાન આપીને ગુજરાતી કવિતાના ધરુવાડિયાની ભૂમિકા બજાવી છે. તેની એક વિશિષ્ટતા કવિનું નામ દીધા વગર કાવ્ય વંચાય અને તેના વિશે ચર્ચા થાય એ છે. ૧૯૮૦માં બચુભાઈના અવસાન પછી પણ આ પ્રવૃત્તિ-સંસ્થા ધીરુભાઈ પરીખ અને પિનાકીન ઠાકોરે સંભાળી. ગુજરાતી સાહિત્ય પરિષદમાં ધીરુભાઈ પરીખે બુધસભાની પરંપરાને તા. ૯-૫-૨૦૨૧ સુધી ચાલુ રાખી હતી. હાલમાં પ્રફુલ્લ રાવલ બુધસભાને સંભાળે છે. ર.ર.દ.