ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બ્રાહ્મણો
બ્રાહ્મણો : વૈદિક સાહિત્યના સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ એવા વ્યાપક વિભાગો પાડવામાં આવે છે. આમાં બ્રાહ્મણસાહિત્ય ઘણું જ વિપુલ પ્રમાણમાં ખેડાયેલું જોવા મળે છે. બધા મળીને આજ ૧૮ બ્રાહ્મણો ઉપલબ્ધ છે. બ્રાહ્મણ શબ્દના મૂળમાં बृह व्याप्तो એટલે ‘વ્યાપીને રહેવું’ એ અર્થનો ધાતુ છે, જેના ઉપરથી ‘બ્રહ્મ’ શબ્દ પણ આવ્યો છે. ઋગ્વેદમાં આદિ ઉદાત્ત ‘બ્રહ્મન્’ શબ્દ ‘સ્તુતિ અથવા પ્રાર્થના’ અર્થમાં પ્રયોજાયો છે. સ્તુતિઓનો ઉપયોગ યજ્ઞ વગેરેમાં થવા માંડ્યો. આથી આ મંત્રાત્મક બ્રહ્મન્ એટલેકે યજ્ઞકર્મમાં સ્તુતિઓના વિનિયોગની ચર્ચા જે સાહિત્યમાં કરવામાં આવી તે ‘બ્રાહ્મણ’. બ્રહ્મ શબ્દનો એક અર્થ ‘યજ્ઞ’ પણ થાય છે. આથી યજ્ઞ, તેનાં કાર્યો, વિધિવિધાનો, નિષેધ વગેરે દર્શાવનાર ગ્રન્થો ‘બ્રાહ્મણ’ કહેવાયા. આપસ્તંબ પરિભાષા મુજબ જે કર્મમાં પ્રેરણા આપે તે ‘બ્રાહ્મણ’ કહેવાય. યજ્ઞ વગરેની ક્રિયામાં આ ગ્રન્થો પ્રેરણા આપતા, તેથી તે ‘બ્રાહ્મણ’ કહેવાયા. જ્યારે વેદ શબ્દની વ્યાખ્યા આપવાનો પ્રસંગ આવ્યો ત્યારે मंत्र ब्राह्मणात्मको वेदः એમ કહીને સંહિતાના મંત્રો અને એ સિવાયનો બ્રાહ્મણગ્રન્થોનો ભાગ એમાં સમાવી લેવાયો છે. બ્રાહ્મણગ્રન્થોને એક અર્થમાં ‘યજ્ઞનો વિશ્વકોશ’ કહી શકાય. કારણ એમાં યજ્ઞને લગતી નાનામાં નાની વિગતો વિસ્તારથી આપવામાં આવી છે. આ સાહિત્ય ન હોય તો ‘યજ્ઞ’ શું અને ‘કેમ કરવો’ તેનો કોઈ જ ખ્યાલ આવી ન શકે. મીમાંસાદર્શનમાં વૈદિકસાહિત્યમાંથી બ્રાહ્મણગ્રન્થોનું મહત્ત્વ વધુ સ્વીકારાયું છે. વેદના મંત્રોના અર્થો કરનાર પ્રાચીનતમ ઉપલબ્ધ સાહિત્ય તરીકે બ્રાહ્મણગ્રન્થોનું આગવું સ્થાન છે. તેમાં એક બાજુ યજ્ઞસંસ્થાનું વર્ણન છે તો, બીજી બાજુ તેની સાથે સંકળાયેલા મંત્રોનું અર્થઘટન. તે માટેની પરંપરામાં સચવાયેલી કથાઓ, ઇતિહાસ, સમાજના રીતરિવાજો વગરેનું પણ નિરૂપણ છે. પરિણામે ધાર્મિક–સામાજિક સાહિત્ય (Socio-religious Literature) તરીકે એનું સવિશેષ મૂલ્ય આંકવામાં આવ્યું છે. તેને ‘યજ્ઞનું વિજ્ઞાન’ પ્રસ્તુત કરનાર ગ્રન્થો પણ કહેવામાં આવ્યા છે. બ્રાહ્મણગ્રન્થોમાં મંત્રોના યજ્ઞમાં થતા વિનિયોગ, પ્રયોજન અને વિધિનું નિરૂપણ છે. તેમાં હેતુ, નિર્વચન, નિંદા, પ્રશંસા, સંશય, વિધિ, પરિક્રિયા, પુરાકલ્પ, વ્યવધારણ, કલ્પના અને ઉપમાનનો સમાવેશ થાય છે. તેમાં અનેક આખ્યાનો પણ ઉપલબ્ધ છે. અનેક શબ્દોની આપેલી વ્યુત્પત્તિને કારણે બ્રાહ્મણગ્રન્થો વ્યુત્પત્તિશાસ્ત્રના આદિગ્રન્થો સિદ્ધ થાય છે. બ્રાહ્મણગ્રન્થોમાં સાથે સાથે તત્કાલીન સમાજનું સૂક્ષ્મ ચિત્રણ થયું છે. વિદ્વાનોએ અનેક ગ્રન્થોમાં આવતાં બ્રાહ્મણગ્રન્થોનાં અવતરણોની ચકાસણી કરીને તારણ કાઢ્યું છે કે ૧૬ બ્રાહ્મણોગ્રન્થો લુપ્ત થઈ ગયા હશે. વળી, કેટલેક સ્થળે અનુબ્રાહ્મણ એવા શબ્દ-પ્રયોગો મળ્યા હોવાથી એવું કોઈક સાહિત્ય હશે એમ માનવા વિદ્વાનો પ્રેરાયા છે પણ હજુ સુધી કોઈ સ્વતંત્ર અનુબ્રાહ્મણ મળ્યું નથી. ઋગ્વેદના ઐતરેય બ્રાહ્મણ, કૌષીતકિ બ્રાહ્મણ અને શાંખાયન બ્રાહ્મણ એમ ત્રણ બ્રાહ્મણો આજ મુદ્રિત સ્વરૂપે મળી આવે છે. સામવેદના કુલ ૧૧ બ્રાહ્મણો મળી આવે છે. તેમનાં નામ છે : ૧, તાંડ્ય બ્રાહ્મણો, તેને પંચવિંશ બ્રાહ્મણ અથવા પ્રૌઢ બ્રાહ્મણ પણ કહે છે. ૨, ષડ્વિંશ બ્રાહ્મણ. ૩, મંત્ર બ્રાહ્મણ. આનું જ બીજું નામ છાંદોગ્ય બ્રાહ્મણ છે. છાંદોગ્ય બ્રાહ્મણ અને છાંદોગ્ય ઉપનિષદ એ બે જુદા જુદા ગ્રન્થો છે. ૪, દેવતા બ્રાહ્મણ. આને દેવતાધ્યાય બ્રાહ્મણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ૫, આર્ષેય બ્રાહ્મણ. ૬, સામવિધાન બ્રાહ્મણ. ૭, સંહિતોપનિષદ બ્રાહ્મણ ૮, વંશ બ્રાહ્મણ, ૯, જૈમિનીય બ્રાહ્મણ, ૧૦, જૈમિનીય આર્ષેય બ્રાહ્મણ. ૧૧, જૈમિનીયોપનિષદ્ બ્રાહ્મણ. શુક્લ યજુર્વેદના માધ્યંદિન શતપથ બ્રાહ્મણ અને કાણ્વ શતપથ બ્રાહ્મણ એમ બે બ્રાહ્મણો પ્રાપ્ત થાય છે. કૃષ્ણ યજુર્વેદનું ફક્ત એક જ બ્રાહ્મણ છે જેનું નામ છે તૈત્તરીય બ્રાહ્મણ. અથર્વવેદનું પણ ગોપથ બ્રાહ્મણ નામનું એક જ બ્રાહ્મણ પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણગ્રન્થોની શૈલીને સંસ્કૃત ગદ્યસાહિત્યનું પ્રાચીન સ્વરૂપ ગણાવી શકાય. આ ગદ્ય પ્રમાણમાં અત્યંત સરળ અને પ્રાય; દીર્ઘ સામાસિકરચનાઓ વિનાનું છે. તેમાં स, वै, तु हि વગેરે પાદપૂરણોનો છૂટથી પ્રયોગ છે તેથી उवाच ને સ્થાને होवाच જ મળે એવી દશા છે. બ્રાહ્મણો માટે કહેવાયું છે કે એમાં ઉત્તમ વિચારો ‘હીરા’ની જેમ ચમકે છે. ઉપનિષદના ગહન તત્ત્વજ્ઞાનની ચર્ચાનાં બીજ આ સાહિત્યમાં ક્યાંક ક્યાંક અવશ્ય જોઈ શકાય છે. ગૌ.પ.