ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભક્તિસાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભક્તિસાહિત્ય : દસમી સદીમાં શુદ્ધ ભક્તિને પ્રેરનાર ભાગવતપુરાણની રચના થઈ એ સાથે ભક્તિસાહિત્ય અને ભક્તિસંપ્રદાયોની પરંપરા સર્જાતી રહી. રાજકીય પરિસ્થિતિની અસ્થિરતા અને અરાજકતા; સામાજિક રીતરિવાજોની આંટી-ઘૂંટીમાં અટવાઈ જતો જનજીવનનો આનંદોલ્લાસનો પ્રવાહ, મોક્ષને નામે જીવનસંગ્રામ પ્રતિ સેવાતી ઉદાસીનતા. આ બધાંને કારણે શુષ્ક અને નીરસ બનતા જતા માનવજીવનમાં આ ભક્તિપરંપરાએ સંજીવનીનું સિંચન કર્યું – બારમા સૈકામાં આલવર ભક્તોએ નારાયણની શુદ્ધ ભક્તિનું ગાન ગાયું. રામાનુજાચાર્ય, નિમ્બાકાચાર્ય, મધ્વાચાર્ય, વલ્લભાચાર્ય વગેરે આચાર્યોએ જ્ઞાન અને કર્મયોગની સાથે ભક્તિનો સમન્વય કરીને, શાસ્ત્રીય આધાર આપીને ભક્તિપ્રવાહને વેગવાન બનાવ્યો. ભરતના નવ રસના સિદ્ધાન્તનો ભંગ કરીને રૂપગોસ્વામીએ ભક્તિને દસમો રસ – ‘ભક્તિરસ’ તરીકે ગણાવ્યો. આમ દસમા સૈકાથી સોળમા સૈકા સુધી આખા દેશ પર ભક્તિનું પ્રચંડ મોજું ફરી વળ્યું હતું. શ્રીકૃષ્ણ હવે દેવાધિદેવ પરમાત્મા જ રહ્યા ન હતા, સાહિત્યમાં તેમને ‘રસનિધિ’નું સ્થાન અપાવા માંડ્યું હતું. રાજકીય મહત્ત્વાકાંક્ષા સિદ્ધ થાય એમ ન હતી. તથા સામાજિક અને વ્યક્તિગત જીવનનો વિકાસ રૂંધાઈ ગયો હતો. તેવા સમયમાં કૃષ્ણભક્તિની લીલામાધુરીએ પ્રજાના હૃદય ઉપર પ્રભુત્વ મેળવ્યું. ભારતના વિવિધ પ્રદેશોના ભાષાસાહિત્ય માટે આ ભક્તિપરંપરા પ્રેરક બની. કાશ્મીરી ભાષામાં બલ્લેશ્વરીની ‘વાખ’ નામે ઓળખાતી રચનાઓ તથા નુરુદ્દીન વલી અને ખ્વાજા હબિબુલ્લાહ નૌશહરિનાં ગીતોમાં ભક્તિનું નિરૂપણ થયેલું છે. ‘બૌદ્ધગાન ઓ દોહા’ને ઓડિયા સાહિત્યનો આરંભનો ગ્રન્થ માનવામાં આવે છે. કવિ સારખા દાસે રામાયણ, મહાભારત અને ભાગવતનું ઓડિયા ભાષામાં સંકલન કર્યું છે. તે ઉપરાંત કૃષ્ણભક્તિને આલેખતાં ‘કોઈલિ કાવ્યો’ ઓડિયા સાહિત્યની વિશેષતા છે. અસામિયા સાહિત્યનો આરંભ હેમ સરસ્વતીની ‘પ્રહ્લાદચરિત’થી થયેલો મનાય છે. માધવકંદલિનું રામાયણ અને શંકરદેવના વૈષ્ણવધર્મથી પ્રેરિત કૃષ્ણકાવ્યો પ્રસિદ્ધ છે. પ્રાચીન બંગાળીમાં ચંડીદાસનાં કૃષ્ણકીર્તનનાં પદો મહત્ત્વપૂર્ણ છે. બંગાળી સાહિત્યમાં ચૈતન્યનો આવિર્ભાવ મહાન ઘટના છે. તેમણે માધુર્યભક્તિપ્રધાન કાવ્યોની પ્રેરણા અનેક કવિઓને આપી. સિંધીની જેમ પંજાબી ભાષામાં પણ ભક્તિકવિતામાં સૂફીવાદનો રંગ ભળ્યો છે. નવમહલામાં શીખ ધર્મના નવ ગુરુઓની ઉપદેશાત્મક વાણીને રજૂ કરતા ‘ગુરુ ગ્રન્થસાહેબ’ પંજાબી ભાષાનો મહત્ત્વનો ધર્મગ્રન્થ છે. હિન્દી ભાષામાં ભક્તિયુગના કવિઓને સગવડ ખાતર બે વિભાગમાં વહેંચવામાં આવે છે. નિર્ગુણમાર્ગી અને સગુણમાર્ગી. નિર્ગુણમાર્ગીઓની બે શાખા છે : જ્ઞાનાશ્રયી અને પ્રેમાશ્રયી. સગુણમાર્ગીઓની પણ બે શાખા છે : રામભક્તિ અને કૃષ્ણભક્તિની શાખા. આ ચાર શાખાના ચાર મુખ્ય કવિઓ છે. કબીર, જાયસી, તુલસી અને સૂર. કબીર રામરહીમનો ભેદ કરતા નથી. તે પ્રેમાશ્રયી ભક્તિનું નિરૂપણ કરે છે. કબીરના ઉપાસ્ય રામ દશરથસુત રામ નથી. એમના રામ લક્ષ્યાતીત છે, ત્રિગુણાતીત છે. કેવળ પ્રેમમય છે. જાયસી પ્રસિદ્ધ ‘પદ્માવત’ કાવ્યમાં સૂફીવાદની સ્પષ્ટ અસર છે. તુલસીકૃત રામાયણ અને સૂરના બાળકૃષ્ણલીલાનાં પદો આપણા ભક્તિસાહિત્યનો અમૂલ્ય નિધિ છે. રસખાન અને મીરની કૃષ્ણભક્તિની કવિતા પણ નોંધપાત્ર છે. મુકુંદરાજ, જ્ઞાનદેવ, નામદેવ, એકનાથ અને તુકારામ મરાઠી સાહિત્યના મહાન સંત કવિઓ છે. ‘તિરુકકુરલ’ અથવા ‘કુરલ’ પ્રાચીન તમિલ ભાષાની સર્વોત્તમ કૃત્તિ છે. તેના રચયિતા તિરુવલ્લુવર હતા. તેલુગુના આદિ કવિ નન્ન ભટ્ટ, કન્નડા ભાષાના રન્ન, પોન્ન, પ્રભુદેવ ઉર્ફે ‘અલ્લમપ્રભુ’ અને સર્વજ્ઞ જેવા ભક્તકવિઓએ ભક્તિના વિવિધ ભાવાનુભાવોને કવિતામાં અભિવ્યક્ત કર્યા છે. ભારતની અન્ય પ્રાંતીય ભાષાઓની જેમ ગુજરાતી ભાષામાં પણ નરસિંહ, મીરાં, ભાલણ, પ્રીતમ વગેરે કવિઓની કવિતામાં ભક્તિરસનું જ પ્રાધાન્ય છે. મધ્યયુગમાં દરેક ભાષામાં મુખ્યત્વે ભક્તિસાહિત્ય જ સવિશેષ રચાયું છે. રામાયણ અને મહાભારત જેવાં મહાકાવ્યો, ભાગવત પુરાણમાં નિરૂપાયેલું કૃષ્ણચરિત્ર અને અન્ય પુરાણ કથાઓએ નવી વિકસતી જતી ભારતીય ભાષાઓને વિષયસામગ્રી આપી. આખ્યાનકારો, કથાકારો અને પુરાણીઓએ એ સામગ્રીમાં તત્કાલીન રંગો પૂરીને પ્રજા સમક્ષ સ-રસ ભક્તિસાહિત્ય આખ્યાન-કથા-કીર્તન-કે કવિતા રૂપે રજૂ કર્યું. આ ભક્તિપરંપરાને કારણે પ્રાંતિક ભાષા અને સાહિત્યનો ઉત્કર્ષ થયો. સ્વભાષાનું ગૌરવ વધ્યું. તેની વિશિષ્ટતાઓ પ્રત્યક્ષ થવા લાગી. આ રીતે નરસિંહ-ભાલણે ગુજરાતમાં, તુલસી, કબીર, સૂરદાસ વગેરે ઉત્તર હિન્દુસ્તાનમાં, નામદેવ – તુકારામે મહારાષ્ટ્રમાં અને ચંડીદાસ, વિદ્યાપતિ તથા ચૈતન્યે બંગાળમાં નવા જ સાહિત્યનો યુગ સર્જ્યો. નિ.વો.