ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભારતીયભાષા પરિષદ
ભારતીયભાષા પરિષદ : કલકત્તામાં ૧૯૭૪માં સ્થપાયેલી આ સાહિત્યસંસ્થા બૃહદ ભારતદેશની પ્રાદેશિક વિવિધતામાં નિહિત રહેલી એકતાને તાકે છે અને ભારતવર્ષની સાંસ્કૃતિક એકતાને સ્પષ્ટ કરવાનો તેમજ પરસ્પર સ્નેહસૌહાર્દ વધે એવો હેતુ ધરાવે છે. પરિષદનું પોતાનું મકાન છે, એમાં ગ્રન્થાલય, અતિથિગૃહ, સભાગૃહની વ્યવસ્થા છે. દરેક મહિને ભારતીય ભાષાઓની સાહિત્યિક સંગોષ્ઠીઓનું આયોજન થાય છે. આ સંસ્થાએ ‘સંસ્કૃત વાઙ્મયકોશ’, ‘ભારતીય ઉપન્યાસ ખંડ-૧-૨, ‘ભારતીય શ્રેષ્ઠ કહાનિયાં’ ખંડ : ૧-૨ જેવાં મહત્ત્વનાં પુસ્તકોનું પ્રકાશન કરેલું છે. આ સંસ્થા જુદી જુદી આઠ ભાષાઓમાં સાહિત્યિક પુરસ્કાર પ્રદાન કરે છે. ગુજરાતીમાં દર બે વર્ષે રામકુમાર ભુવાલ પુરસ્કાર એનાયત થાય છે. આજ સુધીમાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને ‘સાહિત્ય સંસ્પર્શ’ માટે, રાજેન્દ્ર શાહને ‘સંકલિત કવિતા’ માટે, કુન્દનિકા કાપડિયાને ‘સાત પગલાં આકાશમાં’ માટે અને બકુલ ત્રિપાઠીને ‘હિંડોળો ઝાકમઝોળ’ માટે આ પુરસ્કાર એનાયત થયો છે. ચં.ટો.