ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાષાવિજ્ઞાન અને સાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાષાવિજ્ઞાન અને સાહિત્ય : ભાષાવિજ્ઞાન સાહિત્યમીમાંસામાં કશી ભૂમિકા ભજવી શકે કે કેમ એ અંગે અનેક મતમતાંતરો પ્રવર્તતા હોવા છતાં ભાષાવિજ્ઞાનનાં પ્રતિમાન, પદ્ધતિ અને ટેક્નિકનો સાહિત્યવિચારમાં ઉપયોગ કરવાના પ્રયાસો ચાલુ જ રહ્યા છે. જેના પરિપાક રૂપે સંરચનાવાદ, શૈલીવિજ્ઞાન વગેરે વિશ્લેષણપદ્ધતિઓનો આવિર્ભાવ થયો છે. સૌપ્રથમ તો અહીં એક મુદ્દો નોંધવો ઘટે કે ભાષાવિજ્ઞાનની પદ્ધતિ પરિચાલક (operational) છે જ્યારે સાહિત્યની અભિવ્યક્તિ પદ્ધતિ પ્રતિનિધાનાત્મક (Presentational) છે. ભાષાવિજ્ઞાનપરક સાહિત્યવિચાર સામાન્યપણે એવું માને છે કે સાહિત્ય એ શાબ્દિક કલા છે અને કૃતિ તરીકે સાહિત્ય એ ભાષાની સીમામાં બંધાયેલું એક સ્વાયત્ત એકમ છે. સાહિત્યકૃતિ ભાષાને માત્ર અભિવ્યક્તિનું માધ્યમ જ નથી બનાવતી પણ ભાષામાંથી જ તે ઉત્પન્ન થાય છે. ભાષાવિજ્ઞાનપરક સાહિત્યવિચાર સાહિત્યને એક ભાષા-ક્રિયા(Language act)ની જ નીપજ ગણે છે. ભાષાવિજ્ઞાનપરક સાહિત્યવિચારના મુખ્ય પુરસ્કર્તાઓ પૈકીના એક એવા ભાષાવિજ્ઞાની રોમન યાકોબ્સન કહે છે કે સંરચનાત્મક સ્તરે કાવ્યવિજ્ઞાન એ ભાષાવિજ્ઞાનનું જ એક અભિન્ન અંગ છે. જેમ ચિત્રકલાના વિવેચનનો સંબંધ ચિત્રોની સંરચના છે તેમ કાવ્યવિજ્ઞાનનો સંબંધ શાબ્દિક સંરચનાની સમસ્યાઓ સાથે છે, અને શાબ્દિક સંરચનાનું મૂળ વિજ્ઞાન ભાષાવિજ્ઞાન છે. પ્રશ્ન એ છે કે સાહિત્ય પરત્વેનો ભાષાવૈજ્ઞાનિક અભિગમ શું છે? આજનો ભાષાવિજ્ઞાની સાહિત્યકૃતિને કયા સ્વરૂપે સ્વીકારે છે? આધુનિક ભાષાવિજ્ઞાનની પહેલી માન્યતા એ છે કે, કોઈપણ સાહિત્યકૃતિ મનુષ્યની ભાષાની સીમામાં જ રહેલી હોય છે. ભાષા બહાર તેનું કોઈ અસ્તિત્વ હોતું નથી કે તેવી કોઈ શક્યતા પણ હોતી નથી. સાહિત્ય ભાષાકલા છે અને તેનું સ્વરૂપ સમજવા માટે તેની ભાષાની ઉપેક્ષા થઈ શકે નહીં. અન્ય ભાષાક્રિયાઓની જેમ જ સાહિત્યકૃતિ પણ મૂળે તો એક ભાષાક્રિયા જ છે. આ અભિગમની બીજી માન્યતા એ છે કે, જેમ અન્ય ક્રિયાઓ મૂર્ત વિશ્વમાં વિદ્યમાન છે, એમ સાહિત્યકૃતિ પણ ભાષાક્રિયાનું જ એક સ્વરૂપ હોવાના લીધે તેનું અસ્તિત્વ પણ નક્કર અને વાસ્તવપૂર્ણ છે. આ વાસ્તવનું વૈજ્ઞાનિક વિશ્લેષણ શક્ય છે. ત્રીજી માન્યતા એવી છે કે, સાહિત્યકૃતિ નક્કર અને વાસ્તવપૂર્ણ હોય તો તેની સંરચનાની તપાસ પણ થઈ શકે છે. સંરચના તપાસવી એટલે જે તે કૃતિની સંરચનાને યોગ્ય રીતે સમજવી. શૈલી અને સંરચના એ બે એવા સંપ્રત્યયો છે જે ભાષાવિજ્ઞાન અને સાહિત્ય-વિવેચનને સંધિસ્તરે લાવી મૂકે છે. આ કારણે જ યાકોબ્સને કહ્યું હતું કે ભાષાનાં કાર્યો પરત્વે ઉદાસીન ભાષાવિજ્ઞાની અને ભાષાવિજ્ઞાનની પદ્ધતિ તથા સમસ્યાઓથી અજ્ઞાત સાહિત્યવિવેચન પોતાના સમયથી ઘણાં પછાત છે. ભાષાવિજ્ઞાન અને સાહિત્યવિવેચન વચ્ચેનો સંબંધ બે પ્રકારે રહ્યો છે : પ્રત્યક્ષ અને પરોક્ષ. ભાષાવિજ્ઞાનનાં પ્રતિમાન અને પદ્ધતિને સીધેસીધી પ્રયોજનારાં શૈલીવિજ્ઞાન જેવા અભિગમો એ પ્રત્યક્ષ સંબંધનું ઉદાહરણ છે; જ્યારે ભાષાવિજ્ઞાનથી પ્રભાવિત મનોવિશ્લેષણ (ઝાક લકાં) દર્શનશાસ્ત્ર (વિરચનવાદ, વ્યવહારવાદ, સંકેતવિજ્ઞાન) સંરચનાવાદ (પિયાઝે, લેવી સ્ત્રોસ) વગેરેના આધારે ઘડાતો સાહિત્યવિચાર એ પરોક્ષ સંબંધનું પરિણામ છે, એવું કહી શકાય. જો કે આંતરવિદ્યાકીય અભિગમના આ જમાનામાં આવી ભેદરેખાઓ દોરવી કે સંબંધો બાંધવાનો પ્રયત્ન કરવો એ પૂરેપૂરો જોખમી છે. ગુજરાતી ભાષામાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભાષાવિજ્ઞાનપરક અભિગમોના આધારે સાહિત્યવિશ્લેષણ કરવાના અનેક પ્રયાસ થયા છે. સુરેશ જોષી, રસિક શાહ, સુમન શાહ, હરિવલ્લભ ભાયાણી વગેરે વિદ્વાનોએ શૈલીવિજ્ઞાન, સંરચનાવાદ વગેરે અભિગમોનો પરિચય કરાવવાનો અને તેમનો વિનિયોગ કરવાનો પ્રયાસ કર્યો છે. ચંદ્રકાન્ત ટોપીવાળાએ ચોમ્સ્કી પ્રણીત રૂપાન્તરણપરક સંસર્જનાત્મક વ્યાકરણના પ્રતિમાનના આધારે ગુજરાતી સાહિત્યકૃતિઓનું વિશ્લેષણ કરવાનો મહત્ત્વાકાંક્ષી પ્રયાસ કર્યો છે. આમ છતાંય સાહિત્યવિવેચનમાં ભાષાવિજ્ઞાનની ભૂમિકા અંગે એક પ્રશ્ન વર્ષોથી વણઊકલ્યો રહ્યો છે, તે એ છે કે ભાષાવિજ્ઞાન સાહિત્યનાં મૂલ્યાંકન આસ્વાદનમાં કેટલી મદદ કરી શકે તેમ છે. આ વિવાદ હજી ચાલુ છે. હ.ત્રિ.