ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાષા અને વાણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાષા અને વાણી : ‘ભાષા’ અને ‘વાણી’ વચ્ચેનો સંબંધ ઘણો સંકુલ છે. સોસ્યુરે સૌ પ્રથમ La Langue (ભાષા) અને La Parole (વાણી) વચ્ચેનો ભેદ રજૂ કર્યો છે. ‘વાણી’ એટલે અમુક ભાષાસમાજના બધા સભ્યો વચ્ચેના વાગ્વ્યવહાર માટે વ્યક્તિઓ દ્વારા વપરાતું ખરેખરું બોલાતું સ્વરૂપ. આવી બોલાતી ઉક્તિઓમાં વ્યક્તિગત અનેક વિવિધતાઓ દેખાય. આમ છતાં, આ ઉક્તિઓમાં એકસરખાં બંધારણીય લક્ષણો પણ હોય, જેને નિયમો અને સંબંધોની અમુક ખાસ પ્રકારની વ્યવસ્થા લેખે વર્ણવી શકાય, અને આ વ્યવસ્થા તે ‘ભાષા’. વ્યક્તિ જ્યારે કોઈ ‘ભાષા’ શીખે ત્યારે તે, એક જ ભાષાસમાજના ભાષકોના વાણીના વર્તન દ્વારા જે જે રૂપોનો ગણ સંચિત થયો હોય છે તે રૂપોની એક વ્યવસ્થા લેખે, હકીકતમાં દરેક ભાષકના ચિત્તમાં અસ્તિત્વ ધરાવતી વ્યાકરણિક વ્યવસ્થા લેખે, ‘ભાષા’ના સામાન્ય સ્વરૂપને આત્મસાત્ કરે છે. ‘ભાષા’, આમ, સામાજિક પેદાશ છે. અને ‘વાણી’ એ તેનો વ્યક્તિગત ઉપયોગ છે. ‘ભાષા’નું આ સામાન્ય સ્વરૂપ વ્યક્તિના ચિત્તમાં એક સંગ્રહ-ભંડારની જેમ સચવાયેલું પડ્યું હોય છે. વાગ્વ્યવહારમાં વ્યક્તિ, આ સંગ્રહમાંથી ઉક્તિના દરેક મુદ્દે જરૂરી પસંદગી કરતી હોય છે. એટલે ‘ભાષા’ મનોવૈજ્ઞાનિક પદાર્થ છે, અને ‘વાણી’ મનોવૈજ્ઞાનિક તેમજ ભૌતિક પદાર્થ છે. ભાષાવિજ્ઞાનમાં ઉક્તિમાં હાજર હોય એવાં દરેક પ્રકારનાં ભાષાકીય તથ્યો (વાણીનાં તથ્યો) અને જે કોઈ સંગ્રહ કે સૂચિના અંશ રૂપે હોય અને વ્યક્તિ જ્યારે વાગ્વ્યવહાર કરવા ઇચ્છે ત્યારે તેને હાથવગાં હોય એવાં ભાષાકીય તથ્યો (‘ભાષા’નાં તથ્યો) વચ્ચે ભેદ કરવો જરૂરી છે. એ ખરું કે ‘ભાષા’, ‘વાણી’ દ્વારા જ – વધારે સ્થૂળ રૂપે કહીએ તો ઉક્તિઓ દ્વારા જ –એના અસ્તિત્વને આવિષ્કૃત કરે છે. એટલે ‘વાણી’ એ ‘ભાષા’નું અમલમાં મુકાતું મૂર્ત રૂપ છે. ‘ભાષા’ – ‘વાણી’નો આ ભેદનો અર્થ એવો નથી કે ‘ભાષા’થી સ્વતંત્ર એવું ‘વાણી’નું તંત્ર છે. ‘વાણી’ તો ‘ભાષા’ના તંત્રને માત્ર મૂર્ત અભિવ્યક્તિ આપે છે. આમ, ‘ભાષા’ એક વ્યવસ્થાતંત્ર છે અને ‘વાણી’ એનું પ્રત્યક્ષીકરણ છે. ‘ભાષા’ને એક વ્યવસ્થા લેખે સ્વીકારીએ તો ઉક્તિના દરેક તત્ત્વ વિશે પૂછી શકાય કે તે વ્યવસ્થાના ભાગ રૂપે છે કે માત્ર ભાષાકીય એકમના પ્રત્યક્ષીકરણ કે અમલીકરણનું તત્ત્વ છે. આમ ‘વાણી’નાં તથ્યોને પણ જૂથોમાં વિભાજિત કરવામાં સફળતા મળી શકે. ‘ભાષા’નો અભ્યાસ ભાષાકીય સંકેતો દ્વારા રચાતી વ્યવસ્થા તરફ દોરી જાય છે જેમાં આ સંકેતોના અરસપરસના સંબંધો અને, નિયમોનો સમાવેશ થાય છે, જ્યારે ‘વાણી’નો અભ્યાસ ‘ભાષા’ના ઉપયોગના હેવાલ તરફ દોરી જાય છે. સોસ્યુરે રજૂ કરેલ ‘ભાષા’ અને ‘વાણી’નો આ ભેદ ભાષાવિજ્ઞાનની ધ્વનિવિચાર (Phonetics) અને ધ્વનિવ્યવસ્થા (Phonemics) એ બે શાખામાં સ્પષ્ટપણે આવિર્ભૂત થાય છે. ધ્વનિવિચારમાં સ્થૂળ ઉચ્ચારાતા ધ્વનિઓનો અભ્યાસ થાય છે, જ્યારે ધ્વનિવ્યવસ્થામાં સ્થૂળ ધ્વનિઓમાંથી ભાષાકીય વ્યવસ્થામાં કાર્યકારી હોય એવા એકમોનો ધ્વનિઘટકોનો અભ્યાસ થાય છે. એ જ પ્રમાણે, રૂપો અને તેના કાર્યકારી એકમો – રૂપઘટકોનો અભ્યાસ કરવામાં આવે છે. પરંતુ, વાક્યવિન્યાસમાં આ ભેદ કરવામાં સોસ્યુર નિષ્ફળ ગયા છે કારણ કે તેઓ વાક્યને વ્યક્તિગત પસંદગીની પેદાશ માનીને ‘વાણી’માં સમાવે છે. ચોમ્સ્કીએ વાક્યને ભાષાકીય વ્યવસ્થામાં સમાવવાના દૃષ્ટિકોણ પર ભાર મૂકીને ભાષાસામર્થ્ય (Competence) અને ભાષાપ્રયોગ – (Performance) એવી નવી વિભાવના આપી છે. ઊ.દે.