ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મંત્ર
Jump to navigation
Jump to search
મંત્ર(Incantation) : જાદુઈ અસર જન્માવતા શબ્દોનું ઉચ્ચારણ કે પઠન, જેમાં પ્રાસવેગ, લય અને પુનરાવર્તનની રીતિઓ અખત્યાર થયેલી હોય છે. જાદુટોણાં, અભિશાપ, ભવિષ્યવાણી, દેવયોનિ કે પ્રેતયોનિના આહ્વાન સંદર્ભે પ્રાચીન અને આદિમ સાહિત્યોમાં એનો ખાસ ઉપયોગ જોવાય છે. વેદોના મંત્ર પ્રચલિત છે. અગ્નિ, ઇન્દ્ર, વરુણ, સવિતૃ અંગેના વૈદિક મંત્રો એક રીતે જોઈએ તો ઋચાઓ છે, જેમાં દેવોનું સ્તુતિગાન અભિપ્રેત છે. કવિ પણ ઉત્કટ ભાવપરિવેશની સંમોહક સ્થિતિ જન્માવવા આવી મંત્રકક્ષાની કવિતા પ્રયોજતો હોય છે, જેમાં મંત્ર દ્વારા પ્રભાવિત થવા માટે શબ્દોના અર્થ કે શબ્દોનાં સાહચર્યને સમજવાની જરૂર નથી. મધ્યકાલીન કવિ નરસિંહ કે અર્વાચીન કવિ કાન્તની રચનાઓમાં એનાં અનેક ઉદાહરણ મળી આવે.
ચં.ટો.