ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મહાભારત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મહાભારત : ભારતીય સંસ્કૃતિનો વિશ્વકોશ, મહાન આકરગ્રન્થ; અસ્મિતા, ધર્મ, ભારતીય સમાજ અને જીવન તથા શાસ્ત્રોની સર્વ શાખાઓના સંગ્રહરૂપ ‘શતસાહસ્રીસંહિતા’, પુરાતન ઇતિહાસ, પંચમવેદ વગેરે તરીકે ઓળખાતા મહાભારતનું ભારતીય સાહિત્યમાં અને જગત્સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે. મહર્ષિ વ્યાસનો આ ગ્રન્થ ખરેખર અનેક સર્જકોનું સર્જન છે. કાળક્રમે તેમાં અનેક અનામી રચનાકારોનું કર્તૃત્વ ઉમેરાતું ગયું છે. વખતોવખતનાં એવાં ઉમેરણોને કારણે શૈલી, સમાજ, વિચારો, ભાષા, તત્ત્વચિંતનના વિવિધ વાદો, અલંકારો સામાજિક પરિસ્થિતિ અને ચેતનામાં ખાસ્સી એવી ભિન્નતા આ બૃહદ્ રચનામાં જોઈ શકાય છે. ભારતીય પરંપરા મુજબ ગણતરી કરતાં મહાભારત વિ.સં.પૂ. ૩૦૮૧થી ૩૦૬૯ વચ્ચે અર્થાત્ ઈ.સ.પૂ. ૩૧૩૮થી ઈ.સ.પૂ. ૩૧૨૬ દરમ્યાન રચાયું હશે, પરંતુ આધુનિક વિદ્વાનો એની આટલી પ્રાચીનતા સ્વીકારતા નથી. સમયે સમયે થતા રહેલા પ્રક્ષેપોને કારણે મહાભારતનો કાળનિર્ણય અનિર્ણિત સમસ્યા બની રહ્યો છે. અલબત્ત, મહાભારત ઈ.સ.પૂર્વેની સદીઓથી આરંભાયું અને ઈ.સ. પછીની સદીઓ દરમ્યાન રચાતું રહ્યું છે એવી માન્યતા છે. મહાભારતની રચનાના ત્રણ તબક્કાઓ કલ્પવામાં આવે છે. મહર્ષિ વ્યાસે માત્ર કૌરવ-પાંડવ વચ્ચેના સંઘર્ષનું આલેખન કરતું ‘જય’ નામનું ૮૮૦૦ શ્લોકો ધરાવતું મૂળ કાવ્ય રચ્યું (મહા. આદિ. ૫૬.૧૯) એ પ્રથમ તબક્કો. વ્યાસના શિષ્ય વૈશંપાયને જનમેજયને કુરુવંશની વંશાવળી ઉપરાંત ધર્મકથાઓ સંભળાવી તેમાંથી ચોવીસ હજાર શ્લોકોનું ‘ભારત’ કાવ્ય રચાયું. (મહા. આદિ. ૧-૬૧) એ દ્વિતીય તબક્કો અને સૂતપુરાણી (સૌતિ મુનિ)એ શૌનકાદિ મુનિઓને કથા કહેતાં તૈયાર થયેલી સંહિતામાં આખ્યાનો-ઉપાખ્યાનો ઉમેરાતાં એક લાખ શ્લોકોનું ‘મહાભારત’ થયું એ ત્રીજો તબક્કો. આ ત્રણ તબક્કામાં ન માનનારા વિદ્વાનો પણ મહાભારતના બહુકર્તૃત્વને તો સ્વીકારે જ છે. આદિપર્વમાં જનમેજયનો સર્પસત્ર, વૈશંપાયન દ્વારા કથાનો પ્રારંભ, પાંડવો અને કૌરવોનો જન્મ, લાક્ષાગૃહ-પ્રસંગ, દ્રૌપદીસ્વયંવર, અર્જુન દ્વારા સુભદ્રાહરણ વગેરેનો સમાવેશ થાય છે. સભાપર્વમાં દ્રૌપદી વસ્ત્રાહરણની મુખ્ય ઘટના ઉપરાંત પાંડવોનું વનગમન છે. આરણ્યકપર્વમાં પાંડવોનું દ્વૈતવનમાં ગમન, આખ્યાનો-ઉપાખ્યાનોનું શ્રવણ, મૈત્રેયનો દુર્યોધનને શાપ, અર્જુન દ્વારા દિવ્યાસ્ત્રોની પ્રાપ્તિ, યક્ષપ્રશ્ન-પ્રસંગ વગેરે વર્ણવે છે. વિરાટપર્વમાં પાંડવોનો અજ્ઞાતવાસ, કીચકવધ, કૌરવો દ્વારા ગોગ્રહણ, પાંડવોનું પ્રાગટ્ય, અભિમન્યુ-ઉત્તરાનાં લગ્ન નિરૂપાયાં છે. ઉદ્યોગપર્વમાં યુદ્ધની તૈયારીઓ, યુદ્ધ-નિવારણના પ્રયત્નો અને વિષ્ટિ છે. ભીષ્મપર્વ મહાભારતના યુદ્ધના પ્રથમ દસ દિવસોનું યુદ્ધ તથા ‘ભગવદ્ગીતા’ નામે પ્રસિદ્ધ કૃષ્ણાર્જન-સંવાદ માટે પ્રસિદ્ધ છે. દ્રોણપર્વમાં દ્રોણનું મૃત્યુ, યુધિષ્ઠિરનું પ્રથમ અસત્યભાષણ વગેરે છે. કર્ણપર્વમાં કર્ણ-વધની કથા છે તો શલ્યપર્વમાં શલ્ય શકુનિ અને દુર્યોધનની કથા છે. સૌપ્તિક વધપર્વમાં અશ્વત્થામા દ્વારા રાત્રે સૂતેલા પાંડવ-પુત્રોની નિર્મમ હત્યા, અશ્વત્થામાને કૃષ્ણનો શાપ વગેરે ઘટનાઓ છે. સ્ત્રીપર્વમાં સ્ત્રીઓ દ્વારા મૃતકોનું દર્શન, ગાન્ધારીનો કૃષ્ણને શાપ વગેરે ઘટનાઓ વર્ણવાઈ છે. શાન્તિપર્વમાં શરશય્યા પર સૂતેલા ભીષ્મ યુધિષ્ઠિરને ધર્મોપદેશ દે છે. અનુશાસનપર્વમાં ભીષ્મનો ઉપદેશ અને તેમનું અવસાન છે. આશ્વમેધિકપર્વમાં પાંડવોનો અશ્વમેધયજ્ઞ અને પરીક્ષિતનો જન્મ છે. આશ્રમવાસિક પર્વ ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુન્તીનું વનમાંના દાવાનળમાં મૃત્યુ નિરૂપે છે. મૌસલપર્વમાં યાદવકુળનો નાશ નિરૂપાયો છે. મહાપ્રસ્થાનિક પર્વમાં પાંડવોએ પરીક્ષિતને રાજ્ય સોંપીને કરેલું મહાપ્રસ્થાન છે તો સ્વર્ગારોહણ પર્વમાં પાંડવોનું સ્વર્ગારોહણ છે. વિરાટ શબ્દની સર્વ અર્થચ્છાયાઓને સાર્થક કરતું મહાભારત મૂર્તિમંત ભારતીય સાહિત્યિક અસ્મિતાનું અને વ્યાપક જીવનદર્શનવાળું વિરાટ મહાકાવ્ય છે, કથાઓની ખાણ છે. એમાં ગંભીર જીવન-ચિંતન, વાસ્તવવાદી આલેખન, દ્વન્દ્વોના સંઘર્ષોનું માર્મિક ચિત્રણ, ચતુર્વર્ગની સર્વગ્રાહી સમીક્ષા, સર્વકાલીન હોય એવાં પાત્રો, પ્રવાહી શૈલી છે. यत्र भारते तत्र भारते (જે મહાભારતમાં નથી તે ભારતદેશમાં નથી) કે व्यासोच्छिदे जगत्सर्वम् (વ્યાસે સર્વ જગતને અજીઠું કર્યું છે.) જેવી ઉક્તિઓને આ આર્ષમહાકાવ્ય સાર્થક ઠેરવે છે. હ.મા.