ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય : ૧૯૩૦માં દાંડીકૂચના આરંભ પૂર્વે ગાંધીજીએ સાબરમતી આશ્રમ ગ્રન્થાલયનાં ૧૨,૦૦૦ પુસ્તકો સચવાય અને વપરાય એવા વ્યવહારુ માર્ગ તરીકે અમદાવાદ મ્યુનિસિપાલિટીને સોંપેલાં. રામનારાયણ વિ. પાઠકની પ્રેરણાથી રસિકલાલ મા. શેઠે એ ગ્રન્થસંગ્રહ માટે, એમના પિતાની સ્મૃતિમાં ગ્રન્થાલયભવન બંધાવ્યું. ૧૯૩૮માં સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા ઉદ્ઘાટિત આ ગ્રન્થાલયમાં ગુજરાતી, હિન્દી, મરાઠી, બંગાળી, સંસ્કૃત, ઉર્દૂ અને અંગ્રેજી ભાષાનાં મૂલ્યવાન પુસ્તકો છે. શ્રીમતી સુભદ્રાબહેન માણકેલાલ વાચનાલય, બાળ-કિશોર વાચનાલય તથા ફરતા પુસ્તકાલયની સુવિધા ધરાવતા આ ગ્રન્થાલયમાં વિવિધ ભાષા-વિષયનાં ૫૦૦ સામયિકો તથા ૫૦ દૈનિક વર્તમાનપત્રો આવે છે. તેમજ જ્ઞાનપ્રસારના કેન્દ્રવર્તી સ્થાન તરીકે આ ગ્રન્થાલય કોપીયર મશીન, ફિલ્મ પ્રોજેક્ટર, ટી.વી., વી.સી.આર. અને માઈક્રોફિલ્મ રીડરની અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. ર.ર.દ.