ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મેકબેથ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



મૅકબેથ : શેક્સ્પીયરનાં ચાર કરુણાંત નાટકોમાં ‘મૅકબેથ’(૧૬૮૬) સૌથી ટૂંકું છે. ‘જુલિયસ સીઝર’ કે ‘ઑથેલો’ કરતાં આ નાટકમાં ઉદ્ભવતી કરુણતાનો પ્રકાર જુદો છે. ઉપર્યુક્ત નાટકોમાં વ્યક્તિગત નિર્દોષતા સ્વયં, દુષ્ટતાના ઉદ્ભવમાં સહાયક બને છે. ‘મૅકબેથ’ નાટકમાં મૅકબેથ દંપતી નિર્દોષ નથી તેમ છતાં પોતાના જીવનનાં ધ્યેય વિશે અજ્ઞાન છે. પોતે શું ઇચ્છે છે અને તેનાં કેવાં પરિણામ હોઈ શકે એ બાબતે તેમનાં ચિત્ત જાગ્રત નથી. ‘મૅકબેથ’ પોતે સંવેદનશીલ છે. એ સ્વભાવદુષ્ટ નથી, પણ મહત્ત્વાકાંક્ષા તેની પ્રકૃતિગત મર્યાદા તેને ‘જીવન’માં ઊંડે સુધી ખેંચી જાય છે. એની મહત્ત્વાકાંક્ષાને ડાકણોએ પોષી છે અને લેડી મેકબેથે ઉત્તેજી છે. મેકબેથ જાત સાથે ઝઘડતો ઝઘડતો ધીમે ધીમે પરાજિત થતો જાય છે અને છેવટે અસહાય બનીને મૃત્યુને નોતરે છે. શેક્સ્પીયરનાં કરુણાંત નાટકોમાં ઘણીવાર પાત્રો પોતે જ પોતાની પ્રકૃતિજન્ય મર્યાદાને કારણે વિનાશ નોતરે એવું બનતું હોય છે. હેમ્લેટ, કિંગ લીયર, ઓથેલો વગેરે તેનાં દૃષ્ટાંત છે. લેડી મેકબેથ એ નાટકનું શક્તિશાળી સ્ત્રીપાત્ર છે. એની પ્રેરણા અને ઉત્તેજનાથી જ મેકબેથની સત્તાલાલસાને બળ મળે છે. મૅકબેથ સમક્ષ જે હિંમતથી તે રાજાનું કાસળ કાઢી નાખવાની યોજના રજૂ કરે છે તે અદ્ભુત છે. પણ એની યોજના એને પોતાને જ માટે કરુણ સ્થિતિ સર્જે છે. ઊંઘતા રાજવીની હત્યા પછી અજંપો એની ઊંઘ હરામ કરી નાખે છે. એનાં પાપ એને પાગલ બનાવી દે છે. પતિને સત્તાલાલસા માટે પ્રેરનારી આ સન્નારી છેવટે ભાંગી પડે છે અને ઉન્માદમાં જ મૃત્યુ પામે છે. મ.પા.