ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ય/યંત્રનિષ્ઠ અનુવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


યંત્રનિષ્ઠ અનુવાદ(Machine Translation) : સંગણકયંત્ર (Computer) જેવાં યંત્રોના ઉપયોગ દ્વારા થતો સ્વયંચાલિત અનુવાદ. યંત્ર માટે તૈયાર કરવામાં આવતો કાર્યક્રમ (Programme) એ યંત્રનિષ્ઠ અનુવાદની પ્રાથમિક આવશ્યકતા છે. આ કાર્યક્રમ એવો હોવો જોઈએ જે મૂળભાષા (Source language)ના મૂળ પાઠના વિશ્લેષણ માટેના નિયમો સમાવતો હોય. આ નિયમો જે તે ભાષાના કોશમાંથી વ્યાકરણિક અને કોશગત સમાનાર્થીઓ શોધે છે અને મૂળ પાઠનું લક્ષ્યભાષા(Target language)માં સંગ્રથિત નવું સંસ્કરણ ઉત્પન્ન કરે છે. સંપૂર્ણપણે સ્વયંચાલિત અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતો અનુવાદ, એક દુષ્કર અને ખર્ચાળ પરિચાલન સાબિત થયું છે. આ ક્ષેત્રમાં થયેલાં સંશોધનોને કારણે ભાષાવૈજ્ઞાનિક વિશ્લેષણનો ઘણો મોટો વિકાસ થયો છે. હ.ત્રિ.