ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રત્નાવલી

From Ekatra Wiki
Jump to navigation Jump to search



રત્નાવલી : હર્ષવર્ધનની સંસ્કૃત નાટિકાની પ્રતિનિધિ રૂપે સ્વીકારાયેલી નાટિકા. કૌશાંબીના વત્સરાજ ઉદયન અને સિંહલેશ્વર વિક્રમબાહુની કન્યા રત્નાવલીના પ્રણય-પરિણયની કથા નિરૂપતી ચતુરંકી નાટિકા. અમાત્ય યૌગંધરાયણ ‘રત્નાવલી સાથે લગ્ન કરનાર ચક્રવર્તી રાજા થશે.’ એવી સિદ્ધ પુરુષની ભવિષ્યવાણીથી લગ્નની યોજના ઘડે છે. ‘વાસવદત્તા લાવાણકમાં બળી મરી’ એવા સમાચાર ફેલાવી વિક્રમબાહુ પાસે રત્નાવલીને મેળવી વહાણમાં લવાતા અકસ્માતે વહાણ તૂટે છે. રત્નાવલી તૂટેલા પાટિયાને આધારે બચી કૌશાંબીના વેપારી દ્વારા યૌગંધરાયણને સોંપાય. યૌગંધરાયણ સાગરિકા નામે વાસવદત્તા પાસે દાસીરૂપે મૂકે, મદનમહોત્સવમાં સાગરિકા ઉદયનને જોઈ આકર્ષાય; કદલીગૃહમાં કામસંતપ્ત સાગરિકા ઉદયનનું ચિત્ર દોરે; સુસંગતા સમક્ષ પ્રણયનો એકરાર કરે; સુસંગતા ઉદયનની બાજુમાં સાગરિકાનું ચિત્ર દોરે તેવામાં સારિકા પિંજરામાંથી ઊડી જાય; સારિકાને શોધવા બંને નીકળે; રાજા-વિદૂષક સારિકાની વાતથી દોરાતા દોરાતા કદલીગૃહમાં આવી ચિત્ર જુએ; રાજા આકર્ષાય, બંને મળે, વાસવદત્તાના આવતા પહેલાં ચાલી જાય; ચિત્ર જોઈ વાસવદત્તા કોપે ભરાય; વેશપરિવર્તન કરી સાગરિકા રાજાને મળશે.’ એવી યોજનાન વાસવદત્તાને જાણ થતાં રાજા પકડાઈ જાય; નિરાશ થઈ આપઘાત કરતી વાસવદત્તાવેશી સાગરિકા સાથે રાજાનું મિલન થાય; પશ્ચાત્તાપ અર્થે પુન : આવેલી વાસવદત્તા ક્રોધે ભરાઈ લતાબંધન કરી સાગરિકાને કેદ કરે, ઐન્દ્રજાલિક મહેલમાં કૃત્રિમ આગ લગાડાય; રાજા સાગરિકાને બચાવે, સાગરિકાની રત્નાવલી રૂપે ઓળખ સ્થપાતાં લગ્ન થાય. આવું આ નાટકનું કથાનક છે. વિરોધી રસોની તુલ્યબળયોજનાથી રસનિરૂપણ અહીં અસરકારક બન્યું છે. ભાદ્ય અને અણધાર્યા વળાંકો ભર્યા અસંખ્ય સંધ્યંગોથી સુગઠિત આ કથાનકમાં હર્ષની નાટ્યસૂઝનો પરિચય થાય છે. ભારતવર્ષની રાજકીય એકસૂત્રતાની જિકર કે ખેવના અહીં તત્કાલીન રાજકીય પરિસ્થિતિની પ્રતિક્રિયારૂપે પ્રકટેલી દેખાય છે. અ.ઠા.