ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રસમંજરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રસમંજરી : ભાનુકવિ/ભાનુદત્ત/ભાનુમિશ્રરચિત સંસ્કૃત કાવ્ય અને નાટ્યશાસ્ત્રનાં નાયક-નાયિકાના પ્રકારો-પેટાપ્રકારોની સર્વાંગીય સમક્ષા કરતો, રીતિસંપ્રદાયનો અગિયારમી સદીનો સૂત્રશૈલીબદ્ધ મહત્ત્વપૂર્ણ આધારગ્રન્થ. ગ્રન્થકારે અહીં સમગ્ર રસસિદ્ધાન્તની ચર્ચા ન કરતાં માત્ર શૃંગારરસ પર કેન્દ્રિત થઈ તેના આલંબન વિભાવરૂપ નાયક-નાયિકાના પ્રકારોની સૂક્ષ્મ, શાસ્ત્રીય તેમજ વિસ્તૃત વિવેચના કરી છે. નાયિકાના મુખ્ય ત્રણ પ્રકારો સ્વકીયા, પરકીયા અને સામાન્યાને આધાર ગણીને સ્વકીયાના તેર, પરકીયાના બે અને સામાન્યાનો એક – એમ કુલ ૧૬ પ્રકારની નાયિકાઓ કલ્પીને તેના ઉત્તમા, મધ્યમા અને અધમા જેવા પેટા પ્રકારો પાડી ૪૮ પ્રકારની નાયિકાઓ નિર્ધારિત કરી છે. એ દરેક પ્રકારના પ્રોષિતપતિકા, ખંડિતા, કલહાંતરિતા, વિપ્રલબ્ધા, ઉત્કંઠિતા, વાસકસજ્જા, સ્વાધીનપતિકા અને અભિસારિકા જેવા આઠ પેટાપ્રકારો યોજી કુલ ૩૮૪ પ્રકારની નાયિકાઓની કલ્પના કરી છે. કર્મ-ધર્મ, વય, જાતિ, પતિપ્રેમ, દશા, અવસ્થા, માન અને ગુણ જેવા આઠ આધારો પર વર્ગીકૃત નાયિકા પ્રકારો, તેની તર્કપૂત : વ્યાખ્યા અને એ વ્યાખ્યાના સમર્થન માટે ઉપર્યુક્ત, સચોટ અને કવિત્વપૂર્ણ દૃષ્ટાંતોથી આ ગ્રન્થ સમૃદ્ધ છે. ગ્રન્થકારે પોતાના ગ્રન્થની ટીકા રૂપે વિશદ અર્થઘટન પણ રચ્યું છે. આ ઉપરાંત ગ્રન્થની અન્ય અગિયાર ટીકાઓ પણ રચાઈ છે જે પૈકી અનંતપંડિતકૃત ‘વ્યંગાર્થકૌમુદી’, નાગેશભદ્રકૃત ‘પ્રકાશ’ તથા ગોપાલ આચાર્યકૃત ‘વિકાસ’ નોંધપાત્ર છે. મંત્રીશ્વર પિતા ગણેશ્વરના પુત્ર ભાનુકવિ મૈથિલી બ્રાહ્મણ હતા. ર.ર.દ.