ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રસવિઘ્ન
રસવિઘ્ન : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં અભિનવગુપ્તે રસનિષ્પત્તિની વ્યાખ્યા આપતાં કહ્યું છે કે રસાત્મક અનુભૂતિ વીતવિઘ્ન પણ હોવી જોઈએ. આનો અર્થ એ થયો કે રસપ્રતીતિમાં વિઘ્નો ઉપસ્થિત થઈ શકે છે.આ વિઘ્નો ‘રસવિઘ્ન’ સંજ્ઞાથી ઓળખાય છે. કેટલાક રસવિઘ્ન સ્પષ્ટ રૂપે નિર્દેશાયા છે : કવિના કથાવસ્તુની સંપૂર્ણ સંભાવના કલ્પનાશ્રિત હોવા છતાં જીવનના યથાર્થ પર આધારિત હોવી જોઈએ. આમ ન બને તો વિઘ્ન નડે છે (સંભાવનાવિરહ); સ્વગત-પરગત ભેદથી મુક્ત ન રહી શકે તો રસાસ્વાદમાં વ્યક્તિવિશેષ તથા કાલસાપેક્ષતાની અનુભૂતિ બાધાકર નીવડે છે (સ્વગત-પરગત દેશકાલવિશેષાવિશેષ); ભાવક કે સહૃદયની વ્યક્તિગત સુખદુઃખની અનુભૂતિનું આક્રમણ રસાસ્વાદમાં અંતરાયરૂપ બની શકે છે. (નિજ સુખદુઃખાદિ વિવશીભાવ); ભાવોની અભિવ્યક્તિમાં વિભાવાદિ અધિક પ્રત્યક્ષ અને પૂર્ણ રૂપમાં હોય તો રસનિષ્પત્તિ નિષ્ફળ નીવડે છે. (પ્રતીત્યુપાયવૈકલ્યસ્ફુટત્વાભાવ); અપ્રધાનતત્ત્વને રસવ્યંજનામાં મહત્ત્વ આપવાથી રસવિઘ્ન થાય છે. (અપ્રધાનતા); અભિવ્યક્તિ સંબંધે સામાજિકમાં કોઈ પ્રકારનો સંદેહ કે સંશય જન્મે તો તે ઉચિત નથી (સંશયયોગ). આમ રસાસ્વાદને આ બધી સીમાઓના સંદર્ભ પર જ સમજી શકાય તેમ છે. ચં.ટો.