ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રાસ/રાસો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાસ/રાસો : મધ્યકાળમાં મુખ્યત્વે જૈનોએ ખેડેલો સાહિત્યપ્રકાર. મૂળભૂત રીતે રાસ એક નૃત્યપ્રકાર છે. સંસ્કૃતમાં સ્ત્રીઓ એકલી અથવા સ્ત્રીઓ અને પુરુષો મંડળાકારે ગોઠવાઈને તાળી લઈને અથવા દાંડિયા વડે તાલ લઈને ગાયન અને વાદન સાથે નૃત્ય કરે તેને ‘રાસ’ કહેવામાં આવેલ છે. તેના ‘લતારાસ’, ‘દંડરાસ’, ‘મંડળરાસ’, એવા પ્રકારો પણ બનાવાયા છે. આ અર્થમાં ‘રાસ’ શબ્દ આજે પ્રચલિત છે. સંસ્કૃતમાં પછીથી ‘રાસ’ શબ્દ ગેય પ્રેક્ષ્યકાવ્યના એક પ્રકાર તરીકે એટલેકે નૃત્યરૂપક તરીકે સ્થાન પામે છે. એમાંથી એનું એક ઉપરૂપક તરીકેનું એટલેકે નાટ્યપ્રકાર તરીકેનું સ્વરૂપ પણ વિકસે છે. આજના રાસલીલા શબ્દમાં ‘રાસ’નો એ અર્થ સચવાયેલો છે. પ્રાકૃત અપભ્રંશમાં આ બે અર્થો ઉપરાંત ‘રાસ’ શબ્દનો એક ત્રીજો અર્થ વિકસે છે, એ છંદવિશેષનું નામ બને છે. તેમજ એક છંદજાતિને પણ દર્શાવે છે. મિશ્ર છંદના એકમને પણ ‘રાસ’ કહેવામાં આવે છે. ‘રાસક’ નામે ઓળખાતા છંદો ગેય છંદો હતા અને નૃત્યક્ષમ પણ હતા. આવા છંદોથી રચાયેલી કૃતિને ‘રાસ’ તરીકે ઓળખવાની પરંપરા અપભ્રંશમાં ઊભી થઈ જે ગુજરાતમાં પણ ઊતરી આવી. આરંભકાળની ‘રાસ’ નામક કૃતિઓમાં રાસ ગવાતા હતા અને રમાતા હતા એવા સ્પષ્ટ ઉલ્લેખો મળે છે. જેમકે ‘રેવંતગિરિ’ રાસ’, ‘પેથડરાસ’, ‘સપ્તક્ષેત્રી રાસ’ વગેરેમાં. રાસને નામે ઓળખાતી આવી કૃતિઓ નાની હતી અને તેમાં વિષયનું કોઈ બંધન ન હતું. પણ પછીથી ધીમે ધીમે ‘રાસ’ કથનાત્મક સાહિત્યનો પ્રકાર બનતો જાય છે. એમાં પૌરાણિક, ઐતિહાસિક, લૌકિક અને ધર્મબોધની કથાઓ પણ આલેખાય છે. જૈનેતર સાહિત્યમાં પૌરાણિક કથાઓ ‘આખ્યાન’ને નામે ઓળખાતી હતી અને લૌકિકકથાઓ (પદ્યવાર્તા કે લોકવાર્તા) ‘વાર્તા’ને નામે ઓળખાતી હતી જ્યારે જૈનકથાઓ ‘રાસ’ને નામે ઓળખાતી હતી. બારમી સદીથી ઓગણીસમી સદી સુધી ‘રાસ’ કૃતિઓની રચના ધાર્મિકકથનાત્મક અને ચરિતકથાત્મક એવા બે પ્રકારમાં વિપુલતાથી થયા કરી છે. ધાર્મિકકથાત્મક રાસ પ્રમાણમાં ટૂંકા (૮૦થી ૩૦૦ કડી સુધીના) અને ભજવી શકાય તેવા હતા. ચરિતકથાત્મકરાસનો વિસ્તાર ૨૦૦૦થી ૨૭૦૦ કડી સુધીનો મળે છે. બારમીથી પંદરમી સદી સુધીમાં રચાયેલી મોટાભાગની ‘રાસ’કૃતિઓનું કથાવસ્તુ એકસરખું જ રહેતું અને તેનું આલેખન સીધેસીધું થતું. ‘રાસ’નો પ્રધાન રસ શાંત રહેતો. છંદ માત્રામેળ (દુહા, ચોપાઈ, સોરઠા, રોળા, વસ્તુ, સવૈયા, ત્રિપદી) હતો. શાલિસૂરિની ‘વિરાટપર્વ’(૧૪૨૨) જેવી કોઈક રચના અપવાદ રૂપે અક્ષરમેળવૃત્તમાં મળે છે. કેટલીક રાસકૃતિઓની રચના સળંગ થયેલી છે જ્યારે કેટલીકમાં ઠવણિ, કડવા, ઢાલ, ભાષા, આદેશ જેવા વિભાગો જોવા મળે છે. ‘રાસ’માં આવતી ‘ઢાલ’ શરૂઆતમાં રાગસૂચક હતી પણ સમય જતાં એ વિષયસૂચક બનેલી દેખાય છે. પંદરમી સદી પછી લગભગ ૨૦૦૦થી ૨૭૦૦ જેટલી કડીઓ ધરાવતી લાંબી કૃતિઓ જ વધારે મળે છે. વધુ વિસ્તારને કારણે આ રચનાઓ કથાત્મક અને પાઠ્ય બને છે. કથાતત્ત્વ વધે છે. એક નહીં પણ પણ અનેક અવાંતર કથાઓની ગૂંથણી થાય છે. અવાંતરકથાઓમાં દૃષ્ટાંત-કથાઓ, ઉપદેશસૂત્રો, સમસ્યાઓ, મુક્તકો પણ ઉમેરાય છે. કથાને વધારે રસપ્રદ બનાવવા માટે એમાં મેલીવિદ્યાથી માણસનું પક્ષીમાં ફેરવાવું, ઝાડનું અધ્ધર થવું વગેરે અદ્ભુત ઘટનાઓ યોજાય છે. શૃંગાર અને અદ્ભુતરસનું પ્રાધાન્ય વધે છે. જો કે, કથાનો અંત તો ઉપશમમાં જ આવે છે. કથાનાયકને અંતે દીક્ષા લેતો બતાવાય છે. આ બધી રાસરચનાઓ દેશીઢાળો અને બંધોમાં થયેલી છે. તેમાં ખંડ, અધિકાર, પ્રસ્તાવ, ઉલ્લાસ જેવા વિભાગો પણ જોવા મળે છે. પંદરમી સદી પૂર્વેની અને પછીની ‘રાસ’કૃતિઓમાં સ્વરૂપગત અને વિષયગત ભેદ હોવા છતાં બંને સમયની કૃતિઓમાં કેટલાંક સમાન લક્ષણો પણ છે, જેમકે ‘રાસ’નો આરંભ તીર્થંકરના વંદનથી થતો, તે સાથે સરસ્વતી કે અન્ય કોઈ દેવદેવીની સ્તુતિ લગભગ બધી જ કૃતિઓમાં આવે છે. પંદરમી સદીથી ‘રાસ’નું સ્વરૂપ બદલાય છે, પણ મંગલાચરણનું તત્ત્વ તો ઓગણીસમી સદી સુધી લગભગ કાયમ રહે છે. બધી કૃતિઓમાં અંતે કવિનું પોતાનું નામ, ગુરુનું નામ, ગ્રન્થ રચ્યાસાલ અને ફલશ્રુતિ અચૂક આવે છે. ઉપદેશનો હેતુ પણ પંદરમી સદી પહેલાના અને પછીના બંને કર્તાઓમાં રહેલો છે. જોકે, બંનેની પદ્ધતિમાં ભેદ છે. પંદરમી સદી પહેલાંની રચનાઓમાં સીધો જ ઉપદેશ અપાયો છે, તે પછીની રચનાઓ પરોક્ષ રીતે ઉપદેશ આપે છે. બધી રચનાઓમાં પ્રકૃતિનું, મંદિરનું, પૂજાવિધિનું નગરનું, સ્ત્રી-પુરુષોનાં અંગો અને વેષભૂષાનું વર્ણન થયેલું છે. તેમાં પરંપરાનું અનુસરણ છે. કી.જો.