ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રિમેમ્બ્રન્સ ઑવ ધ થિન્ગસ પાસ્ટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રિમેમ્બ્રન્સ ઑવ ધ થિન્ગ્સ પાસ્ટ : માર્સેલ પ્રૂસ્તની મૂળે ફ્રેન્ચમાં ૧૬ ખંડમાં વિસ્તરેલી આ બૃહત્કાય નવલકથા ‘એ લા રશેર્શ દુ તાં પેર્ધ્યુ’નું વિશ્વસાહિત્યમાં આગવું સ્થાન છે. અર્ધ આત્મકથાત્મક આ સંકુલ કૃતિ પ્રથમ પુરુષ એકવચનમાં પ્રૂસ્ત જેવા કથક-નાયક માર્સેલના શૈશવને, ઝીલબેર્તીં અને આલ્બેર્તીં સાથેના દુઃખદ પ્રેમપ્રકરણને, સજાતીયતાને, માતા તરફના બાળકના અનહદ અનુરાગને નિરૂપે છે. ખૂબ કાળજી અને ધીરજથી ભૂતકાળમાં પહોંચી શૈશવથી મધ્યવય પર્યંતનાં સ્થળોને, ઘટનાઓને અને બસોએક જેટલાં પાત્રોને રૂપકાત્મક, કાવ્યાત્મક અને બહુપરિમાણી વાક્યો દ્વારા પુન : સજીવ કરે છે. કથકની સ્મૃતિ રૂપે સર્વત્ર ઉપસ્થિત બર્ગસોંને અભિમત એવો સમય ક્રમાનુસારી કે યાંત્રિક સમયને અવગણીને અહીં આગળ પાછળ થયા કરે છે. મૂળે પારંપરિક રીતે લખેલી અન્ય નવલકથા ‘ઝયાં સેંતુલ’(Jean Santnil)ની વસ્તુગત સામગ્રીને પ્રૂસ્તે અહીં ચિત્તની કથામાં પલટી નાખી છે. ચિત્ત, કયાં ઉપાદાન દ્વારા બહારના જગતમાંથી માહિતી મેળવે છે, ધારણ કરે છે અને આકલિત કરે છે એના અભ્યાસમાં એક ફિલસૂફ તરીકે નહિ પણ નવલકથાકાર તરીકે પ્રૂસ્તે રસ લીધો છે. પ્રત્યક્ષ અનુભવ કરતાં અનુભવની પૂર્વાપેક્ષા અને અનુભવની પુનર્લબ્ધિમાં વધુ આનંદ હોય છે એ પ્રૂસ્તનું મુખ્ય ધારકસૂત્ર છે. ચં.ટો.