ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લઘુકથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search



લઘુકથા : માનસિક તરંગલીલાઓમાં પ્રગટતાં અનેક સંવેદનોમાંનાં કેટલાંક અત્યંત સૂક્ષ્મ, ક્ષણિક, જીવનના એકજ સંદર્ભને સ્પર્શનારાં અને ભારે ચિત્તક્ષોભ કરનારાં હોય છે. એને કોઈ દીર્ઘ સાહિત્યસ્વરૂપમાં આલેખવા જતાં એની ઉત્કટતા મંદ પડી જવાનો અને એની અસરકારકતા ઓસરી જવાનો પૂરો સંભવ છે. એટલે એની કલાત્મક અભિવ્યક્તિ માટે લઘુકથા જ ઉત્તમ વાહન બની શકે છે. ગુજરાતી ભાષામાં આ સાહિત્યપ્રકારનું ખેડાણ ૧૯૬૩થી શરૂ થયું એમ કહી શકાય. જીવનના એક જ સંદર્ભને આલેખતી હોવાને લીધે લઘુકથા આપોઆપ એના સ્વરૂપની મર્યાદામાં રહે છે. બીજી રીતે કહીએ તો, લાઘવ એ લઘુકથાનું અંત :તત્ત્વ છે, આગંતુક તત્ત્વ નથી. સ્વરૂપની દૃષ્ટિએ લઘુકથા ટૂંકી વાર્તા કરતાં ભિન્ન છે. ટૂંકી વાર્તામાં ઘટનાપરંપરા અને વિસ્તૃત પરિવેશ દ્વારા એકના એક ભાવનું પુનરાવર્તન થયા કરે છે. તેથી ભાવક એક વિશિષ્ટ ભાવપરિસ્થિતિમાં મુકાય છે અને જીવનનું કોઈ રહસ્ય પામે છે. લઘુકથામાં આવા પુનરાવર્તન માટે અવકાશ નથી. એમાં તો ઘટનાનો મૂળભૂત પરિવેશ જ ભાવકને વિશિષ્ટ ભાવપરિસ્થિતિમાં મૂકીને એને જીવનના એકાદ રહસ્યનો પરિચય કરાવે છે. વળી, લઘુકથા એ ટુચકો પણ નથી. ટુચકાનો પ્રધાન હેતુ મોટેભાગે વ્યક્તિ અથવા વર્ગની વૃત્તિ કે પ્રકૃતિને અનુલક્ષીને ચમત્કૃતિ દ્વારા મનોરંજનનો હોય છે. એટલે એમાં સંવેદનનું તત્ત્વ નહિવત્ હોય છે અને જીવનદર્શન પણ પલ્લવગ્રાહી જ રહે છે. એનું આસ્વાદ્યમૂલ્ય એક પળનું હોઈ કલાકૃતિ સુધી એની પહોંચ નથી. એટલે ચિત્તના અગોચર ખૂણા સુધી પ્રવેશીને ભાવકના નિજના અનુભવ સાથે સંધિ કરી લેતી આત્મલક્ષી લઘુકથા સાથે નિતાંત પરલક્ષી એવા ટુચકાને મૂકી શકાય નહિ. મો.પ.