ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લોકસાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search



લોકસાહિત્ય : લોકસાહિત્ય એ હકીકતે લોકવાણીનો આગવો ને ખુલ્લો પ્રદેશ છે; એમાં ત્રણેય પ્રકારની વાણી આવે : બોલાતી (Spoken), ગવાતી(Sung) અને કેવળ સઘોષ નાદ (Voiced). ‘સાહિત્ય’ શબ્દ જોડીને જ ભલે આપણે ‘લોકસાહિત્ય’ બોલતા હોઈએ, પણ એ મૂળ પદાર્થ સાહિત્યનો નથી એ પાયાની સ્પષ્ટતા અનિવાર્ય છે. સાહિત્યમાં ‘બોલાતો’ કે ‘ગવાતો’ શબ્દ પણ ‘ગદ્ય’ કે ‘પદ્ય’નું રૂપ લઈ, ભાવ-રસને ખાતર, એક શબ્દપિંડે સજ્જડ રીતે યુક્ત થઈ જાય છે (બંધાઈ જાય છે), ને એ રીતે એક અલૌકિક દર્શનયુક્ત શબ્દપુદ્ગલનું મૌલિક રૂપ ધારણ કરી, રસયુક્ત બને છે; જ્યારે લોકવાણીનો શબ્દ પ્રસંગપરાયણ જ રહે છે, પ્રસંગેપ્રસંગે પ્રસંગાનુરૂપ ભલે થાય, પણ કાયમ માટે બંધાતો નથી. એટલે સાહિત્યમાં સમ્પૃક્તિ કે સાયુજ્ય અનિવાર્ય; અહીં પ્રસંગાનુરૂપતા. અભિજાત સાહિત્યમાં એક અચળ પાઠ, કર્તા જે આપે તે જ આખરી; અહીં કર્તા જ એક ન હોવાથી, ને એનાં નામ-ઠામ-કર્તૃત્વની કે મૌલિકતાની સૌથી મહત્ત્વની કે પાયાની સંકલ્પનાનો જ છેદ ઊડી જતો હોવાથી, લોકવાઙ્મયમાં એક જ પાઠ તો ન જ હોય, પ્રસંગાનુરૂપ પાઠાન્તરક્ષમ લવચીકતા તે એનું આગવું લક્ષણ બને છે. લોકવાણીની કૃતિના (આપવાદે) સંખ્યાતીત પાઠ હોવા જ જોઈએ (અપવાદમાં મંત્રાદિ). વળી, એમાં મૂળમાં ભલે આરંભક કોઈ હોય, કૃતિ લોકસમસ્તે પોતાની જ તરીકે સ્વીકારી હોઈ, કોઈ કર્તા કે એનું નામ ન હોય. સાહિત્યમાં કૃતિઓ ‘ગદ્ય’ કે ‘પદ્ય’માં હોય; લોકવાણીમાં ત્રણેય પ્રકારનાં ઉચ્ચારણોનો વિચાર કરવો પડે : બોલીથી થતું ઉચ્ચારણ, ગાનથી થતું ઉચ્ચારણ અને કેવળ સઘોષ નાદસંજ્ઞા. (ના પાડવા ડચકારો, ને હા પાડવા હવા; વાંભ દો તો ડોબુંય હમજે, હમજની ના કોઈ દવા!) સાહિત્યનાં રૂપો બે પ્રકારનાં થશે : ગદ્ય ને પદ્ય; જ્યારે લોકવાણીનાં રૂપો ત્રણ પ્રકારનાં થશે : બોલાતી બોલીનાં રૂપો, ગવાતાં રૂપો અને કેવલોદ્ગારી સઘોષ(Voiced) રૂપો. ટૂંકમાં, લોકસાહિત્યનાં (કે જેને તાત્ત્વિક દૃષ્ટિએ તો ‘લોકવાઙ્મય’ જ કહેવું ઘટે તેનાં) સ્પષ્ટ લક્ષણો આટલાં : ૧, એ ‘લોક’રચના છે, વૈયક્તિક રચના નથી. ૨, એનો કોઈ કર્તા એક ન હોય કે એનું નામ ન હોય. ૩, એ જેતે લોકસમાજની સહિયારી સંપત્તિ હોવાથી, એમાં સમાજ ખપજોગ ફેરફાર કરી જ લેતો હોય છે તેથી, એ પાઠાન્તરક્ષમ જ હોય છે, લવચીક હોય છે. એનાં સંખ્યાતીત પાઠાન્તરો હોવાનાં જ. ૪, એ મૂળે બોલાવા–સાંભળવા માટેની રચના હોવાથી કંઠપરંપરામાં હોવાની. ૫, એ મૌલિકતા/અલૌકિકતા/રસિકતા ખાતર ન આવે. કલાકૃતિ બનવાના ખ્યાલથી ન આવે. જીવનની અનિવાર્યતામાંથી આવે. એનાં વિભિન્ન પ્રયોજનો હોય. ૬, એ ભાષામાં નહિ, બોલીમાં હોય. ૭, એને સ્મૃતિ રૂપે ટકવાનું હોવાથી એ સરળ હોય, લાઘવયુક્ત હોય, ચોટદાર પણ હોય, અનેક પ્રકારની લયલીલાઓવાળી હોય. ૮, એ સાંઘિક વૃત્તિવલણો-વિચારો-ઊર્મિઓ રજૂ કરે (વૈયક્તિક અલૌકિક નહિ). ૯, એનું મૂળ-કુળ લોકવિદ્યાનું (કલાનું નહિ જ). ૧૦. એ પ્રસંગનિર્ભર પ્રયોગ માટેની વસ્તુ હોવાથી એમાં ત્રિવિધ સહોપસ્થિતિ અનિવાર્ય : વક્તા જોઈએ, શ્રોતા જોઈએ અને પ્રસંગ જોઈએ. એટલે લોક કહે છે : ‘ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે.’ ‘પુસ્તકસ્થાતુ...’ નહિ . એ વાપર્યે જ પ્રગટે ને તે વખતે પ્રસંગાનુરૂપ બની જાય. એટલે એની textનો આધાર જ બને પ્રયોગ અને પ્રસંગ. No context, no text! પાઠ એકલો ન ચાલે, પ્રસંગ સાથે જ પાઠ આવે તો જ કૃતિ પૂર્ણતયા પમાય. સાહિત્યની કૃતિ માટે જેટલો કર્તા અનિવાર્ય, એટલો જ અહીં પ્રસંગ. એટલે હવે, માનવના સમગ્ર વાઙ્મય-આકલનોને આપણે ત્રણ અલગ વિભાગે વિચારવા પડે : ૧, અભિજાત સાહિત્યનો વિભાગ(Literature); ૨, લૌકિક સાહિત્યનો વિભાગ (Popular Literature) અને ૩, લોકવાઙ્મય કે લોકસાહિત્યનો વિભાગ(folk literature). ૧, અને ૨, અભિજાત અને લૌકિક સાહિત્યમાં ભેદ માત્ર એટલો જ કે લૌકિક સાહિત્યનો કર્તા કૃતિ તો પોતાને નામે જ કરે, અફર પાઠવાળી રચના હોય, પણ હોય કોઈક બોલીમાં ને લોકલઢણમાં, અમુક ચોક્કસ-સમાજ માટે હોય. જેમકે ચારણી સાહિત્ય કે પારસી સાહિત્ય એ જેતે સમાજમાંના એના વ્યાપક પ્રસાર-પ્રચારને કારણે, બોલીના પ્રયોગને કારણે, લોકોર્મિની અભિવ્યક્તિને કારણે, લોકલઢણોના અનુસરણને કારણે, લોકભાવો રમાડાતા હોવાને કારણે લોકવિદ્યાની કૃતિ હોવાનો એવો ભ્રમ ઊભો કરે કે ‘લોક’ તો ઠીક પણ વિચારકો પણ એને ‘લોકસાહિત્ય’માં મૂકી દે છે પણ તાત્ત્વિક રીતે એ અલગ વિભાગ છે. એ જ રીતે ‘લોકસાહિત્ય’ એ પણ સાહિત્યેતર લોકવિદ્યા પ્રકાર છે એ વિશદતા ખાતર પણ અને માટે ‘લોકવાઙ્મય’ સંજ્ઞા વધારે ઉચિત છે. લોકવાઙ્મયના દેશ, ભાષા, જાતિ, જૂથ, જ્ઞાતિ, ઋતુ, લેનાર સ્ત્રી કે પુરુષ કે બાળક, વસ્તુ કે કર્મવિધિ કે પ્રસંગ (જેમકે, લગ્નગીતો), એમ જે વર્ગીકરણો થાય છે તે અનુકૂળતા ખાતર ઠીક છે; સ્વરૂપને ધોરણે એનું વિભાગીકરણ પ્રચલિત છે. લોકવાઙ્મયના બોલાતાં, ગવાતાં અને કેવળ સઘોષ ઉચ્ચરણ જ રહેતાં એવાં સ્વરૂપોમાંથી, હર્ષશોકાદિ ધ્વનિઓ, વાંભ, હા-ના સૂચક ડચકારા વગેરે, શ્રમના કે હાલરડાના કે મરણપોક કે જન્મમંગલના વગેરે ધ્વનિઓનો અભ્યાસ થવો હજી બાકી છે. અહીં બોલાતાં સ્વરૂપો અને ગેય સ્વરૂપો જોઈએ. બોલાતાં, કથ્ય સ્વરૂપોમાં મુખ્ય આટલાં છે : રૂઢિપ્રયોગોકહેવતો; ટુચકા-ઓઠાં; લોકકથા (folktale), લોકનાટ્ય (Folkdrama); લોકાવ્યુત્પત્તિ વગેરે, ગેયરૂપોમાં મુખ્ય આટલાં છે : મંત્રો વગેરે (Charms etc); ઉખાણાં (Riddles); લોકગીત (folklyric); ગીતકથા કે રાસડો (Folk Ballad), કથાગીત (ગીતાત્મક દીર્ઘકથા); લોકાખ્યાન (Folk epic). આમાંથી રૂઢિપ્રયોગો-કહેવતો, મંત્રો અને ઉખાણાં નિયતશાબ્દી છે, તો બાકીનાં બધાં અનિયતશાબ્દી છે. ક.જા.