ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વક્રોક્તિજીવિત

From Ekatra Wiki
Jump to navigation Jump to search



વક્રોક્તિજીવિત : કુન્તક(બીજું નામ, કુંતલ)નો અગિયારમી સદીના પ્રથમ ચરણનો સંસ્કૃત અલંકારશાસ્ત્રનો ગ્રન્થ. વક્રોક્તિ સંપ્રદાયના આ ગ્રન્થમાં ત્રણ વિભાગ છે : કારિકા, વૃત્તિ અને ઉદાહરણ. કારિકા અને વૃત્તિની રચના કુન્તકની છે પણ ઉદાહરણ ભિન્ન ભિન્ન ગ્રન્થોમાંથી લેવામાં આવ્યાં છે. આ ગ્રન્થ ચાર ઉન્મેષોમાં વિભક્ત છે. પહેલા ઉન્મેષમાં કાવ્યનું પ્રયોજન લક્ષણ અને છ પ્રકારની વક્રતાનું વર્ણન છે. બીજા ઉન્મેષમાં વક્રોક્તિના છ ભેદમાંથી ત્રણ ભેદ – વર્ણવિન્યાસવક્રતા, પદપૂર્વાર્ધવક્રતા અને પ્રત્યયવક્રતા–ની મીમાંસા છે. ત્રીજા ઉન્મેષમાં વાક્યવક્રતાનું નિરૂપણ તથા અલંકારોનું વિવેચન અને ચોથા ઉન્મેષમાં પ્રકરણવક્રતા અને પ્રબંધવક્રતાનું વિસ્તૃત વિવરણ છે. કુન્તક ધ્વનિવિરોધી આચાર્યોમાંના એક છે અને આ ગ્રન્થની રચના ધ્વનિસિદ્ધાન્તના પ્રત્યુત્તરમાં થઈ છે. એમણે વક્રોક્તિનો અલંકારના રૂપમાં જ સ્વીકાર ન કરીને એને કાવ્યસિદ્ધાન્તનું રૂપ આપ્યું છે. ધ્વનિ કે વ્યંગ્યના સ્વતંત્ર અસ્તિત્વનો નિષેધ કરી આનંદવર્ધન દ્વારા અપાયેલાં ધ્વનિનાં બધાં ઉદાહરણોનો એમણે વક્રોક્તિ અંતર્ગત સમાવેશ કર્યો છે અને એમ ધ્વનિસિદ્ધાન્તનું ખંડન કર્યું છે. કુન્તક વૈદગ્ધભંગીભણિતિ એવી વક્રોક્તિને કાવ્યનું સ્વરૂપ માને છે. ધ્વનિ, રસ તથા ઔચિત્યને એનાં અંગો તરીકે સ્વીકારે છે અને વક્રોક્તિતત્ત્વને વિચિત્રાભિધાવૃત્તિથી સ્થાપિત કરે છે. એક રીતે જોઈએ તો કુન્તક વ્યાપારવાદી છે અને તેથી કાવ્યના સંભવનું કારણ વક્તૃવ્યાપારને ગણે છે. ‘વક્રોક્તિજીવિત’ પર કોઈ પ્રાચીન ટીકા પ્રાપ્ત થઈ નથી. રાજાનક કુન્તક કાશ્મીરી હતા એ સિવાય એમના વ્યક્તિગત જીવનની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. ચં.ટો.