ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વાગ્ભટાલંકાર


વાગ્ભટાલંકાર : વાગ્ભટનો બારમી સદીના પૂર્વભાગનો સંસ્કૃત અલંકારશાસ્ત્રનો ગ્રન્થ. કાવ્યશાસ્ત્રના સિદ્ધાન્તોનું સંક્ષિપ્ત વિવેચન કરતો આ ગ્રન્થ કદમાં નાનો હોવા છતાં અલંકારશાસ્ત્રનો મહત્ત્વનો ગ્રન્થ છે. એ પાંચ પરિચ્છેદોમાં વિભક્ત છે અને એમાં કુલ ૨૬૦ શ્લોકો છે. મોટાભાગના શ્લોકો અનુષ્ટુપમાં છે, માત્ર પરિચ્છેદને અંતે અન્ય છંદ જોવા મળે છે. ત્રીજા પરિચ્છેદમાં ઓજો ગુણના વિવરણ માટે એક ગદ્યખંડ આવે છે એ નોંધપાત્ર છે. વળી, વાગ્ભટે સંસ્કૃત અને પ્રાકૃત બંનેમાંથી ઉદાહરણ લીધેલાં છે. પહેલો પરિચ્છેદ કાવ્યસ્વરૂપ અને કાવ્યહેતુ ચર્ચે છે. બીજો પરિચ્છેદ કાવ્યભેદ તથા વાક્યદોષને લગતો અને ત્રીજો પરિચ્છેદ દશગુણવિવેચનને લગતો છે. ચોથા પરિચ્છેદમાં ચાર શબ્દાલંકાર તથા ૩૫ અર્થાલંકાર અને પ્રકારની રીતિ – ગૌડીયા અને વૈદર્ભીનું વિવરણ થયું છે. પાંચમો પરિચ્છેદ નવરસનિરૂપણ અને નાયકનાયિકાભેદનો છે. વાગ્ભટ જૈન આચાર્ય છે અને એમનું પ્રાકૃત નામ બાહડ છે. પિતાનું નામ સોમ છે તેમજ એમનો સંબંધ અણહિલવાડના ચાલુક્યવંશીય નરેશ જયસિંહ સાથે મળે છે. ચં.ટો.