ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિચારધારા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિચારધારા(Ideology) : વિચારધારા, વિચારો અને અભિગમોની એક એવી પદ્ધતિ છે, જેના દ્વારા લોકો વાસ્તવિકતા તથા પોતાના પારસ્પરિક સંબંધોને ઓળખે છે અને સામાજિક સમસ્યાઓ અને સંદર્ભોનું મૂલ્યાંકન કરે છે. એના માધ્યમથી સામાજિક તંત્રને સુવ્યવસ્થિત કરવા અને એમાં પરિવર્તન લાવવા માટે સામાજિક કાર્યક્રમ તૈયાર કરવામાં આવે છે. આ સંજ્ઞા પારિભાષિક અર્થમાં સૌપ્રથમ ફ્રેન્ચ અર્થશાસ્ત્રી દે ત્રાસી (૧૭૯૭)એ અર્થશાસ્ત્ર અને રાજકારણના સંદર્ભમાં પ્રયોજી હતી. આધુનિક સાહિત્યવિચારમાં સાહિત્ય અને વિચારધારા વચ્ચેનો સંબંધ ઘણો મોટો છે. અને માર્ક્સવાદી સાહિત્યવિચારમાં એનું મોટું મૂલ્ય છે. આજનું મોટા ભાગનું સાહિત્ય કોઈ ને કોઈ વિચારધારાથી પ્રભાવિત રહ્યું છે. હ.ત્રિ.