ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિવાહલો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિવાહલો (વિવાહ, વિહાવલો, વિવાહલુ) : વિવાહવર્ણનનો રૂપક-કાવ્યપ્રકાર. એમાં વિવાહ એટલે જૈન દીક્ષાર્થી શ્રાવકનો સંયમસુંદરી કે વૈરાગ્યસુંદરી સાથેનો વિવાહ. જૈન સાધુના ચરિત્રને – દીક્ષાપ્રસંગ જેવી ઐતિહાસિક ઘટનાને આલેખતા આવા ચરિત્રાત્મક સાંપ્રદાયિક ગેય વર્ણનાત્મક વિવાહલો કાવ્યો જૈન સાધુને હાથે પંદર શતક પૂર્વે રચાયાં છે. આમાં સોમમૂર્તિકૃત ‘શ્રી જિનેશ્વરસૂરિ વિવાહલો’ (૧૩૩૧) પ્રાચીનતમ વિવાહલો કાવ્ય છે. મેરુસુંદરકૃત ‘શ્રી જિનોદયસૂરિ વિવાહલો’, અજ્ઞાતકૃત ‘હેમવિમલસૂરિ વિવાહલો’ લાવણ્યસમયકૃત ‘સુમતિસાધુસૂરિ વિવાહલો’ ઉલ્લેખનીય છે. તીર્થંકર વિષયક વિવાહલોમાં ‘ઋષભકૃત આદિનાથ વિવાહલો’ મેરુનંદનકૃત ‘અજિતનાથ વિવાહલો’ અજ્ઞાતકૃત ‘પાર્શ્વનાથ વિવાહલો’ જયસાગરકૃત ‘નેમિનાથ વિવાહલો’ અને કીર્તિરાજકૃત ‘મહાવીર વિવાહલો’ ઉલ્લેખનીય છે. મહાપુરુષ વિષયક વિવાહલોમાં સેવકકૃત ‘આદ્રકુમાર વિવાહલો’, લક્ષ્મણકૃત ‘શાલિભદ્ર વિવાહલો’ અને હીરાણંદસૂરિ કૃત ‘જંબૂસ્વામિ વિવાહલો’ નોંધનીય છે. જૈનેતરમાં કવિ નાકરકૃત ‘શિવવિવાહ’ મુરારિકૃત ‘ઈશ્વરવિવાહ’ ગિરધરકૃત ‘તુલશીવિવાહ’ અને દયારામકૃત ‘રુક્મણીવિવાહ’ જેવાં કાવ્યો વસ્તુત : પૌરાણિક આખ્યાન છે. ક.શે.