ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિશ્વનાં સાહિત્યોનો ગુજરાતી સાહિત્ય પર પ્રભાવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિશ્વનાં સાહિત્યોનો ગુજરાતી સાહિત્ય પર પ્રભાવ : કોઈપણ વ્યક્તિ, સમાજ કે સાહિત્ય પ્રભાવથી પર ન રહી શકે. વિશ્વના પ્રત્યેક સાહિત્ય પર અન્ય સાહિત્યોનો વત્તોઓછો પ્રભાવ પડ્યો જ હોય છે. કેટલોક પ્રભાવ સ્થૂળ હોય છે જે તરત જ દૃષ્ટિગોચર થાય છે જ્યારે કેટલોક પ્રભાવ સૂક્ષ્મ હોય છે જે ઉપલક નજરે દેખાતો નથી. ગુજરાતી સાહિત્ય પર વિશ્વનાં સાહિત્યોની, ખાસ તો પાશ્ચાત્ય સાહિત્યની અસરની જ્યારે વાત થાય છે ત્યારે મુખ્યત્વે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો વિચાર કરવામાં આવે છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પર વિશ્વનાં સાહિત્યોના પ્રભાવની ચર્ચા કોઈએ કરી નથી એનું મુખ્ય કારણ એ છે કે એવો પ્રભાવ નહિવત્ છે અને જે થોડો છે તે પણ પ્રમાણમાં સૂક્ષ્મ છે. આપણે જાણીએ છીએ કે મધ્યકાળમાં ગુજરાતમાં ઘણાં વર્ષો મુસ્લિમ શાસન રહ્યું હતું. સુદીર્ઘ મુસ્લિમ અમલે ગુજરાતી સમાજ પર કેટલીક અસર કરી છે જ. જેમ કેવલાદ્વૈતના આચાર્ય શંકરાચાર્ય પર ઇસ્લામના એકેશ્વરવાદની અસર થઈ હોવાની કલ્પના કેટલાકે કરી છે તેમ મુસ્લિમ સંપર્કને લીધે ઇસ્લામી સૂફી ઓલિયાઓનો પ્રભાવ વૈષ્ણવ પ્રેમલક્ષણા ભક્તિ પર પડ્યો હોય એવું અનુમાન પણ થયું છે. અલબત્ત, આ બંને અનુમાન ચિંત્ય કોટિનાં છે. કબીર વગેરેની ઇસ્લામને ખપે એવી નિર્ગુણોપાસના અને ઘણા મધ્યકાલીન હિન્દુ તથા મુસ્લિમ સંતોની વાણીની એકરૂપતા હિન્દુ-મુસ્લિમ સંપર્કનું પરિણામ ગણી શકાય. મુસ્લિમ શાસનથી રાજદરબારની ભાષા ફારસીનો અને અરબી તથા પાછળથી ઉર્દૂનો અભ્યાસ મહત્ત્વાકાંક્ષી અને રસિક હિન્દુઓમાં વધતો ગયો. એને કારણે જ ગુજરાતી ભાષામાં અરબીફારસી શબ્દોની માતબર સંખ્યા જોવા મળે છે. મધ્યકાળની અનેક કૃતિઓમાં અરબીફારસી શબ્દો ઠીકઠીક પ્રમાણમાં મળી આવે છે ઠાકોરદાસ દરૂ, નંદલાલ મુનશી, ભગવાનદાસ, શ્રીદાસ ને રણછોડજી દીવાન જેવા અનેક ગુજરાતીઓએ ફારસીમાં સાહિત્યસર્જન કરેલું અને સુરત જેવાં શહેરોમાં નાગરો પણ ફારસી બેતબાજી કરતા. બીજી બાજુ ખોજા, મતિયા અને વોરા જેવા મુસ્લિમ સંપ્રદાયોએ પોતાની ધાર્મિક કવિતા ગુજરાતીમાં લખી છે. ખોજાપંથી પદસાહિત્યમાં ‘દશાવતાર’, ‘મોમણ ચેતાવણ’, ‘ઇમામ વાળાના પ્રછા’ વગેરે ભજનસાગરો છે. એની આંતર-સામગ્રીમાં કબીરનાનક જેવો અદ્વૈતવાદનો પાસ અનુભવાય છે. અર્વાચીન ગુજરાતી સાહિત્ય પર ફારસી-અરબી પ્રભાવ વ્યાપક બને છે અને તેથી તે સરળતાથી જોઈ શકાય છે. બાલાશંકર અને મણિલાલ અરબીફારસી ભાષાસાહિત્યનો અભ્યાસ કરે છે. તેનો પ્રભાવ તેમની કવિતા પર દૃષ્ટિગોચર થાય છે. ખાસ કરીને બંનેની ગઝલો પર આ પ્રભાવ સવિશેષ પડ્યો છે. ગુજરાતી સાહિત્યમાં ગઝલનું સ્વરૂપ જ અરબીફારસીમાંથી આવે છે. કલાપીથી માંડી આદિલ મન્સૂરી સુધીના અનેક ગઝલકારો પર અરબીફારસી ગઝલનો પ્રભાવ જોઈ શકાય છે. સૂફીવાદી ફિલસૂફી આપણને આ ગઝલો દ્વારા પ્રાપ્ત થઈ છે. શબ્દો, છંદો અને વિચારો–ત્રણે પરત્વે આ પ્રભાવ વિસ્તર્યો છે. ગુજરાતી સાહિત્યકારોએ શેક્સ્પીયરથી માંડીને ટી. એસ. એલિયટ સુધીની અનેક અંગ્રેજ પ્રતિભાઓનો પ્રભાવ ઝીલ્યો છે. પરંતુ ગુજરાતી સાહિત્ય આ પ્રત્યક્ષ પ્રભાવની સાથે સાથે અંગ્રેજ પ્રતિભાઓને પણ પોષતા ગ્રીક, રોમન, જર્મન કે ફ્રેન્ચ પ્રભાવોના પરોક્ષ સંપર્કમાં પણ મુકાયું છે. આ પરથી પાશ્ચાત્ય સાહિત્યનો ગુજરાતી સાહિત્ય પરનો પ્રભાવ કેટલો વ્યાપક અને ગહન છે એનો અણસાર આવી શકશે. આ પ્રભાવ અમુક સમયગાળા પૂરતો સીમિત રહ્યો નથી. પ્રારંભથી આજપર્યંત તે પ્રસ્તર્યો છે. સ્વાતંત્ર્યોત્તર કાલખંડમાં અંગ્રેજી ઉપરાંત ફ્રેન્ચ, જર્મન વગેરે સાહિત્યની, અમુક અંશે રશિયન, જાપાની સાહિત્યની પણ અસર ગુજરાતી સાહિત્ય પર ઝિલાઈ છે. તેથી પ્રભાવનો પ્રશ્ન પ્રમાણમાં સંકુલ બની ગયો છે. ૧૮૧૮માં અંગ્રેજ સત્તા ગુજરાત પર લગભગ પૂરેપૂરી સ્થપાઈ જાય છે. અંગ્રેજ પ્રજાના સંપર્કથી ગુજરાતના પ્રજાજીવન પર અંગ્રેજી સાંસ્કૃતિક ચેતનાનો વ્યાપક પ્રભાવ પડે છે. નવી ઢબની શાળાઓ, મુદ્રણયંત્ર, વર્તમાનપત્રો, સામયિકો, રેલવે, ટેલિગ્રાફ, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, મુંબઈ યુનિવર્સિટી, વ્યાકરણ, પાઠ્યપુસ્તકો એમ અનેક ક્ષેત્રોમાં અંગ્રેજોનો પ્રભાવ ઝિલાય છે. મધ્યકાલીન સાહિત્યના સીમિત વર્તુળમાંથી ગુજરાતી સાહિત્યને મુક્ત કરવાનું કામ અંગ્રેજી ભાષાસાહિત્ય કરે છે. દલપત-નર્મદ જેવા અર્વાચીન ગુજરાતી સાહિત્યના અગ્રયાયીઓને અંગ્રેજોનો સંપર્ક વરદાનરૂપ લાગ્યો હતો. સાહિત્યના વળાંક માટે નર્મદને અંગ્રેજી સાહિત્યનો સ્પર્શ ઉપકારક નીવડે છે. તે અંગ્રેજી સાહિત્યથી પ્રભાવિત થઈ હેઝલિટ આદિ નિર્દેશ્યા માર્ગે કાવ્યસર્જન કરે છે. પ્રણયની કવિતાનો આત્મલક્ષી ઉદ્ગાર, સ્વતંત્ર વિષય તરીકે પ્રકૃતિ વિષયક કવિતા અને સંસારસુધારાની જેહાદ નવી દિશાનાં દ્વાર બને છે. ગદ્યનું ખેડાણ નર્મદનું મુખ્ય પ્રદાન બને છે. બૅકનનું સંક્ષિપ્ત રેખાચિત્ર આલેખનાર નર્મદ તેના પ્રભાવ હેઠળ નિબંધોમાં ઉદ્બોધનશૈલી ખીલવે છે. માર્ટિન લ્યૂથરના ક્રાન્તિકારી અવાજને અનુસરતો હોય એમ નર્મદ ભાષાના આવેશયુક્ત ઉદ્ગારો કરે છે. નિબંધની સાથે ચરિત્રસાહિત્યની શરૂઆત પણ નર્મદ જ કરે છે. ‘મારી હકીકત’ લખીને તે આત્મચરિત્રના સાહિત્યસ્વરૂપનો પ્રારંભ કરે છે. ભારતીય મહાકાવ્ય નહિ પણ યુરોપિયન એપિકની અસર નીચે નર્મદ અને પછી પંડિતયુગમાં ન્હાનાલાલ મહાકાવ્ય લખવાના પ્રયાસ કરે છે. સંસ્કૃત-પ્રાકૃતાદિ ભારતીય ભાષાઓમાં નાટકની સમૃદ્ધ પરંપરા હોવા છતાં અર્વાચીન ગુજરાતી નાટક પર પાશ્ચાત્ય પ્રભાવ સ્પષ્ટ જણાય છે. દલપતરામના પ્રથમ નાટક ‘લક્ષ્મી’ પાછળ ફૉર્બ્સની પ્રેરણા હતી. એરિસ્ટોફેનીઝના ‘પ્લૂટસ’ના આધારે અનુવાદિત અને રૂપાંતરિત એવી ગુજરાતી ભાષામાં તૈયાર થયેલી આ ‘કૉમેડી’ છે એવો ઉલ્લેખ પુસ્તકમાં મળે છે. નવલરામરચિત ‘ભટનું ભોપાળું’ ફ્રેન્ચ નાટ્યકાર મોલિયેરના નાટકના ફિલ્ડીંગે અંગ્રેજીમાં ‘મૉક ડૉક્ટર’ નામથી કરેલા અનુવાદનું રૂપાન્તર છે. આથી આગળ બટુભાઈ ઉમરવાડિયા કે ક. મા. મુનશીના કર્તૃત્વમાં બર્નાર્ડ શૉ-ઇબ્સનનો પ્રભાવ નજરે પડે છે. ૧૮૪૫માં રચાયેલું દલપતરામનું કાવ્ય ‘બાપાની પીંપર’ અર્વાચીન ગુજરાતી કવિતાનું પહેલું આવિષ્કરણ ગણાય છે. આ સુદીર્ઘ કાવ્ય વાસ્તવમાં તો ગ્રીષ્મનું વર્ણન છે. અંગ્રેજીમાં રચાયેલાં પ્રકૃતિવર્ણનનાં કાવ્યો તેનાં પ્રેરક ગણી શકાય. તે પછી ૧૮૫૬માં તેઓ ‘ફાર્બસવિરહ’ રચે છે જે દ્વારા આપણે ત્યાં અંગ્રેજી શૈલીના કરુણપ્રશસ્તિ કાવ્યપ્રકારનો પ્રારંભ થાય છે. ૧૮૮૭માં નરસિંહરાવનો કાવ્યસંગ્રહ ‘કુસુમમાળા’ પ્રગટ થાય છે ત્યારે ‘ગોલ્ડનટ્રેઝરી’(ભાગ-૪)ની, ખાસ તો કૌતુકરાગી કવિતાના અવતરણની ભૂમિકા મહદંશે રચાઈ ગઈ હતી. શેલી, બાયરન, કીટ્સ વગેરે કવિઓ નરસિંહરાવના પૂર્વસૂરિઓ હતા. કૌતુકરાગી કવિ કલાપી પણ આ કવિઓ અને તેમની કવિતાથી પ્રભાવિત થાય છે. આ કવિઓની પ્રકૃતિપ્રેમની અને આત્મલક્ષી ઊર્મિકવિતા ઉપર્યુક્ત અંગ્રેજ કવિઓથી પ્રભાવિત છે. બ. ક. ઠાકોરના ‘આરોહણ’ જેવા ચિંતનાત્મક દીર્ઘકાવ્ય ઉપર વર્ડ્ઝવર્થના ‘ટિન્ટર્ન એબી’નો પ્રભાવ સુવિદિત છે. ન્હાનાલાલની ભાવનાત્મકતા પર ટેનિસનની ભાવનાત્મકતાનો પ્રભાવ પણ દૃશ્યમાન થાય છે. જમશેદજી પીતીતના ત્રીસમે વર્ષે થયેલા અકાળ અવસાન પછી ચાર વર્ષે ૧૮૯૨માં પ્રગટ થયેલા તેમના કાવ્યસંગ્રહ ‘માહરી મજેહ તથા બીજી કવિતાઓ’માં અંગ્રેજી કાવ્યરીતિનો પ્રભાવ વરતાય છે. પાશ્ચાત્ય ઢબની કવિતાનાં જે નૂતન તત્ત્વો ‘કુસુમમાળા’માં દૃષ્ટિગોચર થાય છે તેમાંનાં ઘણાંખરાં તત્ત્વોને ગુજરાતીમાં ઉતારવાનો પ્રયાસ પીતીતે નરસિંહરાવ પૂર્વે કર્યો હતો. ગુજરાતીમાં સૉનેટસ્વરૂપની પ્રથમ રચના (ભલે નબળી) પીતીત આપે છે. પછી બ. ક. ઠાકોર એ સ્વરૂપને ગુજરાતીમાં દૃઢમૂળ કરે છે. કાન્ત પણ એ સ્વરૂપમાં પ્રદાન કરે છે. મૂળ ઇટાલીમાંથી ઇંગ્લેન્ડમાં થઈ આ સ્વરૂપ ગુજરાતમાં આવે છે. પશ્ચિમમાં ઉદ્ભવેલા નવલકથાના ગુજરાતી આવિર્ભાવમાં પણ પ્રારંભે પારસી લેખકને સ્મરવા પડે. ફારસીમાંથી ‘તાજુલમુલ્ક’, ‘ગુલબંકાવલિ’ વગેરે વાર્તાઓના ગુજરાતીમાં અનુવાદ આપનાર બહેરામજી મર્ઝબાને ૧૮૪૩માં ‘ગુલસનોવર’, ૧૮૪૬માં ‘દાનેશ નામે એ જહાંન’ નામક વાર્તાઓ પ્રગટ કરી હતી. તેઓ પ્રથમ પારસી વાર્તાકાર છે પણ ગુજરાતી નવલકથાનું અર્વાચીન સ્વરૂપ તેમની રચનાઓમાં સાંપડતું નથી. ૧૮૬૬માં ‘કરણઘેલો’ પ્રગટ થાય છે. તેના ચાર વર્ષ પૂર્વે સોરાબશા નામક પારસી લેખક પાસેથી ‘હિંદુસ્થાન મધ્યેનું એક ઝૂંપડું’ નામની લઘુકદની નવલ પ્રસિદ્ધ થાય છે. તે મૂળ ફ્રેન્ચ કથાના અંગ્રેજી અનુવાદની ગુજરાતી છાયા માત્ર છે, પણ તેમાં અસ્પૃશ્યતાનો પ્રશ્ન ચર્ચાયો હતો એ નોંધપાત્ર છે. પારસીઓએ રૂપાન્તરેલી કે અનુવાદેલી નવલકથાનો એક આગવો પ્રવાહ પ્રાપ્ત થાય છે. નંદશંકર ૧૮૬૬માં અંગ્રેજ એજ્યુકેશન અમલદાર મિ. રસેલની સૂચનાથી વિખ્યાત અંગ્રેજ ઐતિહાસિક નવલકથાકાર વૉલ્ટર સ્કૉટની કૃતિઓમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી ‘કરણઘેલો’ની રચના કરે છે. બંગાળી સિવાય ભારતભરમાં જ્યારે ઐતિહાસિક નવલકથાનો પ્રારંભ થયો ન હતો તે સમયે નંદશંકર નવલકથાની પાશ્ચાત્ય પરંપરાના પ્રભાવ તળે ગુજરાતીમાં ઉલ્લેખનીય પ્રદાન કરે છે. ભાષા અને શૈલી પર લેખકના અંગ્રેજી વાચનની મુદ્રા પડી છે, મૅકૉલેની શૈલીની સવિશેષ. નંદશંકર ‘કરણઘેલો’ની પ્રસ્તાવનામાં ઇતિહાસ અને કલ્પનાનો ઉલ્લેખ કરે છે. પશ્ચિમમાં પણ નવલકથાના ઉદ્ભવસમયથી માંડી પાયામાં રહેલા તે બે પ્રમુખ ઘટકો છે. પશ્ચિમમાં નવલકથાના ઉદ્ભવ પહેલાનું વાર્તાસાહિત્ય રંજનકથાઓ(રોમાન્સિઝ)માં પ્રાપ્ત થાય છે. પાશ્ચાત્ય નવલકથાની પ્રારંભિક પ્રશિષ્ટ કૃતિ, સ્પેનિશ સર્જક સર્વેન્ટિસની ‘દોન કિહોતે’ ૧૬૦૫માં કલ્પિત સાહસોની વાર્તાઓના સત્ય સામે નવોદય પામતા ઇતિહાસના સાહિત્યનું દ્વન્દ્વ છે. કલ્પના અને વાસ્તવ વચ્ચે માર્ગ કરતું નવલકથાનું સાહિત્યસ્વરૂપ જ્યારે અઢારમી સદીમાં આખરે ચોક્કસ રીતે નીખરી રહે છે ત્યારે તેની આગવાપણાની મહોર સામાજિક સંપ્રજ્ઞતામાં સાંપડે છે. ‘કરણઘેલા’માં આપણને પૂર્વ-નવલથી નવલકથા તરફની ગતિ જોવા મળે છે. નવલકથાનો સંતર્પક નમૂનો તો ‘સરસ્વતીચંદ્ર’માં પ્રાપ્ત થાય છે. ગોવર્ધનરામ ‘રોમાન્સ’નો લોભ જતો કરી વાસ્તવની ભૂમિકાએ વાત કરવાની શક્યતા શોધે છે. તેઓ વાસ્તવની વિભાવના પશ્ચિમના સંપર્કથી મેળવે છે. સ્વાતંત્ર્યોત્તર સમયની નવલકથામાં પશ્ચિમનો પ્રભાવ સહેજ જુદી રીતે વર્તાતો થયો છે. આ પ્રભાવ વસ્તુ કરતાં નિરૂપણ પદ્ધતિ પર વિશેષ કેન્દ્રિત થયો છે. આ પ્રભાવ અંગ્રેજી કરતાં ફ્રેન્ચ તેમજ અન્ય પાશ્ચાત્ય સાહિત્યોનો વધારે છે. સુરેશ જોષીની કૃતિઓ ‘છિન્નપત્ર’ કે ‘મરણોત્તર’, મુકુન્દ પરીખરચિત ‘મહાભિનિષ્ક્રિમણ’માં તેનાં દૃષ્ટાંત જોવા મળશે. આ કૃતિઓમાં લેખકોએ આંતરચેતનાપ્રવાહ જેવી પાશ્ચાત્ય ત્રૂટક પદ્ધતિનો વિનિયોગ કર્યો છે. એમ કરવા જતાં વિચારોનો ક્રમ તૂટ્યો છે પણ વિચાર પોતે તૂટ્યો નથી. નવલકથાની જેમ નવલિકાનું સ્વરૂપ પણ પાશ્ચાત્ય પ્રભાવનું પરિણામ છે. અંગ્રેજી વાર્તાઓનું સંયોજન કરવાનો પ્રથમ પ્રયત્ન ફરામજી નામના એક પારસી ગૃહસ્થે ‘ગુજરાત અને કાઠિયાવાડ દેશની વારતા’(૧૮૭૨) નામક ફાર્બસના સહયોગથી દલપતરામે પ્રગટ કરેલ વાર્તાસંગ્રહમાં જોવા મળે છે. ત્યારથી અર્વાચીન નવલિકાનાં બીજ નખાયાં એમ કહી શકાય. ‘સાહિત્ય’, ‘સુંદરીસુબોધ’, ‘ચંદ્ર’, ‘વાર્તાવારિધિ’ વગેરે માસિકોનો નવલિકાના વિકાસમાં નોંધપાત્ર ફાળો છે. રણજિતરામ, ‘મલયાનિલ’, નારાયણ હેમચંદ્ર, ધનસુખલાલ મહેતા વગેરે લેખકો આ સામયિકોમાં વાર્તાઓ લખતા હતા. ‘મલયાનિલ’ અને રણજિતરામ સિવાયના મુખ્યત્વે ભાષાંતરકારો હતા. પ્રથમ કલાત્મક ટૂંકી વાર્તા ‘ગોવાલણી’ મલયાનિલ પાસેથી પ્રાપ્ત થાય છે. આ અરસામાં પ્રગટ થયેલી ધનસુખલાલની ‘બા’ વાર્તામાં પણ પાશ્ચાત્ય ટૂંકી વાર્તાનો કલાકસબ અપનાવવાનો પ્રયત્ન થયો છે. આ સર્જકો પછી મુનશી, ધૂમકેતુ, દ્વિરેફ વગેરે વાર્તાકારો ટૂંકી વાર્તાના સ્વરૂપને સ્થિરતા પ્રદાન કરે છે. લોકપ્રિય નવલકથાકાર મુનશી ડ્યૂમાનો પ્રભાવ ઝીલે છે. ‘સુંદરમ્’, ઉમાશંકર, ‘સ્નેહરશ્મિ’ જેવા કવિઓ ગાંધીવાદની સાથે માનવવાદને સાંકળવાનું કાર્ય કરે છે. સોવિયેટ પ્રભાવનું સ્ફુરણ ક્વચિત્ પ્રચારને બદલે ભાવસંચાર બની રહે છે. કરુણને ઉપસાવી આપવામાં સોવિયેટ અસરનો સાર્થક હિસ્સો છે. સામ્યવાદ-સમાજવાદ પ્રભાવિત માનવસહાનુભૂતિનો ઉદાત્ત સંચાર ‘સુંદરમ્’રચિત ‘૧૩-૭ની લોકલ’ જેવા કાવ્યમાં અનુભવાય છે. ભારતીય ભાષાઓની જેમ ગુજરાતીમાં પણ ગદ્યનો વિકાસ પાશ્ચાત્ય પ્રભાવ પર અવલંબિત છે તેથી નવલકથા, નાટક, નવલિકા વગેરેની જેમ નિબંધ, રેખાચિત્ર, જીવનચરિત્ર, રિપોર્તાજ વગેરે પશ્ચિમી આદર્શ અનુસાર આપણે ત્યાં આવે છે. વિવેચનક્ષેત્રે આપણે સંસ્કૃત કાવ્યશાસ્ત્રની પરંપરા જાળવી છતાં પ્રત્યક્ષ વિવેચનમાં પશ્ચિમનો માનદંડ આપણે પ્રયુક્ત કરીએ છીએ કેમકે આપણી સાહિત્યરુચિ જ પશ્ચિમી સાહિત્યના પરિશીલનથી વિશેષ ઘડાતી રહી છે. વિવેચનના મનોવિશ્લેષણમૂલક, તુલનાત્મક વગેરે અનેક અભિગમો પણ આપણે પશ્ચિમના પ્રભાવ નીચે વિકસાવ્યા છે. પશ્ચિમના સાહિત્યનો સંપર્ક અંગ્રેજી ભાષા દ્વારા છેલ્લા દોઢ સૈકા કરતાં વધારે સમયથી સતત ચાલુ રહ્યો છે. યુરોપ, અમેરિકાનાં નાનામોટાં સાહિત્યિક આંદોલનો કે જાગતી નવી વિચારધારાઓ અને વિભાવનાઓની ધ્રુજારી ગુજરાતી સર્જકચેતના પર અંકિત થતી રહી છે. ઉત્તરોત્તર ગાઢ થતી જતી સંપર્કોની પારસ્પરિકતાને કારણે હવે તો આપણે સાહિત્યમાત્રને એક જાગતિક ફલક પર જોઈ શકીએ તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્ય પર પડેલા પરદેશી પ્રભાવનો વિચાર કરતાં એમ કહેવું પડશે કે અગાઉ આપણે ત્યાં અંગ્રેજી અર્થાત્ બ્રિટિશ સાહિત્યનો અને કોઈક રડ્યાખડ્યા યુરોપિયન સાહિત્યનો પ્રભાવ અહીં પડતો એને બદલે હવે દૂર સુદૂરના સર્જકોનો પ્રભાવ આપણે ઝીલતા થયા છીએ. આઈસલૅન્ડ હોય કે લેટિન અમેરિકા, જાપાન કે ન્યુઝીલૅન્ડ જેવો દ્વીપ હોય – અનુવાદોની વિપુલતાએ અપરિચયના અવરોધો દૂર કરી દઈ પ્રભાવનું વર્તુળ, વિસ્તાર્યું છે. આજનો ગુજરાતી સર્જક સર્જાતા વિશ્વસાહિત્યની સમાંતર ચાલવાનો પ્રયાસ કરે છે. ૧૯૪૦માં ‘બારીબહાર’ના પ્રાગટ્ય સાથે અનુગાંધીયુગની કવિતાની ભૂમિકા રચાય છે. આ કવિતાપ્રવાહ હરિશ્ચંદ્ર, રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગતથી પુષ્ટ થાય છે. આ યુગની કવિતા પર બંગાળી અને પાશ્ચાત્ય કવિતાનો પ્રભાવ પડે છે. હરિશ્ચંદ્ર, નિરંજન, નલિન, હસમુખ વગેરે કવિઓ પાશ્ચાત્ય કવિતાના ઊંડા અભ્યાસીઓ છે. હરિશ્ચંદ્ર તો પોલિશ ભાષાના પણ જાણકાર છે અને એ ભાષાના કવિ વાઈરોહ બાંકના એક દીર્ઘકાવ્યનો અનુવાદ કરે છે. યુરોપના શિષ્ટ સાહિત્યનો તેઓ ઊંડાણથી અભ્યાસ કરે છે. તેમનાં કાવ્યોની હસ્તપ્રતોમાં કાવ્યોની સાથે અંગ્રેજી, પોલિશ, ચેક, ગ્રીક વગેરે ભાષાઓમાંથી તેમની મન :સ્થિતિને બંધબેસતાં અવતરણો જોવા મળે છે. ઘણીવાર એવું લાગે છે કે હરિશ્ચંદ્ર ગુજરાતી કરતાં યુરોપીય કવિઓના સગોત્ર વધારે છે. એમના પૂર્વસૂરિઓ જાણે કે બૉદલેર, યેટ્સ, દાન્તે, સ્લોવાટ્સ્કી કે રિલ્કે ન હોય! હરિશ્ચંદ્ર યુરોપની ધરતીનો જીવ લાગે એટલી હદ સુધી તેમની કવિતાના વિષયો, તેમાં યોજાતાં પુરાકલ્પનો અને પ્રતીકો યુરોપીય છે. નિરંજન ભગત પર વિદેશી કવિઓ પૈકી રિલ્કે, બોદલેર, એઝરા પાઉન્ડ, એલિયટ, બ્લેઇક, ડન, યેટ્સ અને ઓડેનનો પ્રભાવ સવિશેષ છે. ‘પ્રવાલદ્વીપ’ની કવિતા એ નગરકવિતા છે. નગરકવિતા ગ્રીસ જેટલી જૂની છે. ફ્રેન્ચકવિ બૉદલેરની કૃતિ ‘પેરિસ ચિત્રાવલિ’, જર્મનકવિ રિલ્કેનાં ચિત્રપોથીમાંનાં કેટલાંક કાવ્યો, સ્પેનિશ કવિ લોર્કાનું ‘ન્યૂયોર્કમાં કવિ’, અંગ્રેજ કવિ એલિયટનું ‘મરુભૂમિ’ તરત સ્મરણે ચડે. વિશ્વકવિતાના ઊંડા અભ્યાસી નિરંજને આ વિશ્વનગરકવિતાના સંસ્કાર ઝીલ્યા છે અને તેને આત્મસાત્ પણ કર્યા છે. ‘પાત્રો’-કાવ્યની સંરચના રિલ્કેની એક કવિતા ‘શીર્ષક પૃષ્ઠ સાથે નવપૃષ્ઠ’થી પ્રભાવિત છે. પ્રિયકાન્ત મણિયાર પોતાના પ્રથમ કાવ્યસંગ્રહનું નામ ‘પ્રતીક’ રાખે છે તે પ્રતીકકલ્પન આંદોલનના સંદર્ભમાં સૂચક ગણી શકાય. હસમુખ પાઠક અને નલિન રાવળ પાશ્ચાત્ય કવિતાનું પરિશીલન કરી તેના પ્રભાવ તળે કલ્પન-પ્રતીકધર્મી કવિતાના પુરસ્કર્તા બને છે. આધુનિક ભાવબોધના વાહક બની તેઓ આધુનિક સંવેદનાની વિલક્ષણ અભિવ્યક્તિ સાધે છે. સુરેશ જોષી, ગુલામ મોહમ્મદ શેખ, લાભશંકર ઠાકર વગેરેની કવિતા પાશ્ચાત્ય કવિતાના વધારે સંસ્કારો ધરાવે છે. ‘પ્રત્યંચા’માં નેતિવાચક મૂલ્યબોધના સૂચક નિર્વેદ, વિષાદ, વ્યથા વગેરે ભાવોને વ્યક્ત કરવા સુરેશ જોષી મુખ્યત્વે વ્યંગ્યનો આશ્રય લે છે. ટી. એસ. એલિયટની આ રીતિ સુવિદિત છે. રાધેશ્યામ શર્માના કાવ્યસંગ્રહ ‘આંસુ અને ચાંદરણું’ પર બૉદલેરનો પ્રભાવ સ્પષ્ટપણે જોઈ શકાય છે. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં એક બાજુ કલ્પનવાદના પ્રભાવ હેઠળ ‘કલ્પન દ્વારા જ વિચાર’ એ સૂત્ર કવિઓનો આદર્શ બને છે તો બીજી બાજુ બૉદલેરના ‘કૉરિસ્પૉન્ડન્સિઝ’ના પ્રભાવે ઇન્દ્રિયવ્યત્યય કાવ્યરીતિ બને છે. પ્રહ્લાદનાં ‘આજ’ વગેરે કાવ્યો દ્વારા તેનો પ્રારંભ થાય છે. કલ્પનપ્રતીકવાદી કવિતાના આંદોલન પછી વાતાવરણમાં જ્યારે અસ્તિત્વવાદના સ્વરો ગુંજી રહ્યા હતા ત્યારે સિતાંશુ યશશ્ચંદ્ર ‘પરાવાસ્તવવાદી’ કવિતા સભાનપણે લઈ આવે છે. યુરોપમાં જ્યારે પરાવાસ્તવવાદી કવિતાનાં વળતાં પાણી થઈ જાય છે ત્યારે તે આપણે ત્યાં આવવાની મથામણ કરે છે.કેટલાક ગુજરાતી કવિઓએ ‘ક્યુબિસ્ટ કવિતા’ અને ‘કોંક્રિટ કવિતા’ લખવાના પ્રયાસો પણ કર્યા છે. ‘પોએટ્રી’ સામયિકમાં પ્રગટ થતી કેટલીક શબ્દચિત્ર કે વર્ણચિત્ર રચનાઓના અનુકરણ રૂપે વર્ણલીલા દાખવતી કૃતિઓ પણ કોઈ કોઈ કવિએ લખી છે. આ પ્રકારના પ્રયોગો વૈયક્તિક સ્તરે જ થયા છે. ગદ્ય-પદ્યનાં અધિકાંશ સ્વરૂપો આપણે પશ્ચિમમાંથી આયાત કર્યાં છે, પણ હાઈકુ’ નામક લઘુકાવ્યસ્વરૂપ આપણે ત્યાં જાપાનથી આવે છે. આરંભિક તબક્કામાં ‘સ્નેહરશ્મિ’ ખૂબ ઉત્સાહપૂર્વક આ સ્વરૂપને પ્રતિષ્ઠિત કરવા મથામણ કરે છે. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં જે રાજમાર્ગ બની જાય છે તે અછાંદસ કવિતાને પશ્ચિમની કવિતાની ‘ફ્રી વર્સ’ પ્રવૃત્તિ સાથે સાંકળી શકાય. કથાસાહિત્યના પ્રયોગશીલ આધુનિક સર્જકો પશ્ચિમના સાર્ત્ર, કામૂ, કાફકા, જેમ્સ જૉયસ તથા દોસ્તોયેવ્સ્કીથી પ્રભાવિત છે. આંતરયોજના પ્રવાહની જેમ મુક્ત સાહચર્યો કે પીઠઝબકાર રીતિનો વિનિયોગ ગુજરાતી કથાસર્જકોએ કર્યો છે. ‘બે સૂરજમુખી’ જેવી કૃતિમાં સુરેશ જોષી ‘ઇન્ટિરિયર મોનોલોગ’નો પ્રયોગ કરે છે. ‘અસ્તિત્વવાદ’, ‘ફિનેમિનોલોજી’ (પાર્લોપોંતી) જેવી વીસમી સદીની વિચારધારાઓનો પ્રભાવ પણ આપણા સર્જકોએ ઝીલ્યો છે. સુરેશ જોષી, ચન્દ્રકાન્ત બક્ષી, મધુ રાય, કિશોર જાદવ, રાધેશ્યામ શર્મા જેવા કથાસાહિત્યના સર્જકો પર આવો પ્રભાવ વરતાય છે. અલબત્ત, અનેક અધકચરી કૃતિઓમાં, આ વિચારધારાઓ ઓગળી જવાને બદલે ગઠ્ઠા રૂપે જણાઈ આવે છે. ‘અસ્તિત્વવાદ’ આપણા સર્જકની અનુભૂતિના સ્તર સુધી પહોંચી શકતો નથી. ‘એબ્સર્ડ’, ‘એલિયેનેશન’ જેવી વિભાવનાઓની પણ એ જ સ્થિતિ થઈ છે. ગુજરાતી કથાસાહિત્યમાં ‘એન્ટી નોવેલ’, ‘મેટા નોવેલ’ જેવા પ્રયોગો પણ થયા છે. કશુંક નવું લાવવાના મનોરથમાંથી આવા પ્રયોગો થતા રહે છે. પરંતુ પાશ્ચાત્ય પ્રભાવના પરિણામસ્વરૂપ પ્રયોગોને લીધે આપણે શૈલી અને વિષયનિરૂપણ પરત્વે એટલા ખુલ્લા બન્યા છીએ કે ‘અશ્લીલતા’થી અભડાઈ જતા નથી. લોરેન્સ કે મોરાવિયા જેવા સાહિત્યકારોનો પ્રભાવ આ દિશામાં વિસ્તરી રહ્યો છે. અર્વાચીન ગુજરાતી નાટકના ઉદ્ભવ પાછળ પાશ્ચાત્ય પ્રભાવ રહેલો છે એ આપણે જોયું. સ્વાતંત્ર્યોત્તર ગાળામાં ‘એબ્સર્ડ’ના આગમન સાથે ગુજરાતી નાટક જે વળાંક લે છે તેની પાછળ પણ સેમ્યુઅલ બેક્ટિ, યુજીન આયોનેસ્કો, એડવર્ડ ઍલ્બી વગેરે નાટકકારોની રચનાઓનો પ્રભાવ પડઘાય છે. બેક્ટિની સીમાસ્તંભરૂપ રચના ‘વેઇટિંગ ફૉર ગોદો’(૧૯૫૨)ના પ્રભાવ તળે લાભશંકર ઠાકર અને સુભાષ શાહ’ એક ઊંદર અને જદુનાથ’ (૧૯૬૬) નામક ત્રિઅંકી નાટક લખે છે. મધુ રાયકૃત ‘ઝેરવું’ (૧૯૬૬) એકાંકી પછી એબ્સર્ડની ટેકનિકનો સભાન પ્રયોગ ‘રે’ મઠ દ્વારા લાભશંકર, આદિલ, મુકુન્દ પરીખ, ચિનુ મોદી તથા સુભાષ શાહ એ પાંચ નાટ્યલેખકોનાં પાંચ એકાંકીઓના સંગ્રહ ‘મેઈક બિલીવ’(૧૯૬૧)માં જોવા મળે છે. તે પૈકી આદિલનું ‘પેનસિલની કબર અને મીણબત્તી’ તથા મુકુન્દનું ‘ચોરસ ઈંડાં ગોળ કબરો’ રંગમંચ પર અનેક પ્રયોગો પામે છે. ચિનુ મોદીના પ્રથમ એકાંકી સંગ્રહ ‘ડાયલનાં પંખી’(૧૯૬૭)માં સમય અને મૃત્યુની સંપ્રજ્ઞતા ને પદ્યનો પ્રયોગ ધ્યાનાકર્ષક બને છે. રમેશ શાહ ‘રૂમનો ટી.બી. પેશન્ટ’(૧૯૭૧), ‘ચોપગું’(૧૯૭૨), ‘શાલિટાકા’(૧૯૭૪)નાં એકાંકીઓમાં બેકેટ ને આયોનેસ્કોના સીધા પ્રભાવ નીચે લગભગ અનુકરણરૂપ નાટ્યલેખન કરે છે. મધુ રાય બર્નાર્ડ શૉ-રચિત ‘પિગ્મેલિયન’ પરથી ‘સંતુ રંગીલી’ લખે છે. સિતાંશુ થોમસ હાર્ડીની વાર્તા પરથી ‘વૈશાખી કોયલ’ નામક રૂપાન્તર અને પીટર શેફરના ‘એકવસ’નું ભાષાંતર ‘તોખાર’ રૂપે આપે છે. ઉમાશંકર અને અન્ય સર્જકો પદ્યનાટકની દિશામાં જવાના પ્રયોગો એલિયટના પ્રભાવ તળે કરે છે. વિવેચનક્ષેત્રે સ્વાતંત્ર્યોત્તર સમયમાં એલિયટ, માલાર્મે, વાલેરી વિશેષ પ્રભાવક રહે છે. અમેરિકાના નવ્યવિવેચકો અને આકારવાદી વિવેચકોનો પ્રભાવ પણ વિસ્તરી રહ્યો છે. સુરેશ જોષી, સુમન શાહ, ચન્દ્રકાન્ત ટોપીવાળા, કિશોર જાદવ વગેરેના વિવેચન પર પાશ્ચાત્ય વિવેચકોનો પ્રભાવ વરતાય છે. વિશ્વનાં સાહિત્યોનો, ખાસ તો પશ્ચિમના પ્રતિભાશાળી સર્જકો-વિવેચકોનો પ્રભાવ માત્ર ગુજરાતી સાહિત્ય પર નહીં, ભારતની મોટાભાગની ભાષાઓનાં સાહિત્યો પર પડ્યો છે. બોદલેર, વાલેરી, રિલ્કે કે એલિયટ જેવા કવિઓ; દોસ્તોએવસ્કી, લોરેન્સ, કામૂ, કાફકા, સાર્ત્ર, જેમ્સ જૉય્સ જેવા કથાસર્જકો; બેક્ટિ, આયોનેસ્કો કે ઍલ્બી જેવા નાટ્યલેખકોનો પ્રભાવ જ્યારે જાગતિક સર્જકચેતના પર છવાઈ ગયો હોય ત્યારે સંવેદનપટુ ગુજરાતી સર્જક તેનાથી મુક્ત ન રહી શકે એ સમજી શકાય એમ છે. પ્ર.બ્ર.