ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યક્તિવિવેક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વ્યક્તિવિવેક : રાજાનક મહિમભટ્ટનો આશરે અગિયારમી સદીના મધ્યભાગમાં રચાયેલો સંસ્કૃત અલંકારશાસ્ત્રનો ગ્રન્થ. આનન્દવર્ધનના ‘ધ્વન્યાલોક’માં કરેલી ધ્વનિની ચર્ચાનું ખંડન કરવાના ઉદ્દેશથી આ ગ્રન્થ લખાયો છે. સમગ્ર ગ્રન્થને ગ્રન્થકારે ત્રણ વિમર્શમાં વિભાજિત કર્યો છે. પહેલા વિમર્શમાં, ‘ધ્વન્યાલોક’માં અપાયેલાં ધ્વનિનાં લક્ષણની આલોચના કરી છે. ‘ઉપસર્જનીકૃતસ્વ’, ‘શબ્દ’, ‘ઉપસર્જનીકૃતસ્વાર્થ’ ઇત્યાદિ ૧૦ દોષ ધ્વનિની વ્યાખ્યામાં રહેલા છે એમ બતાવ્યું છે પછી શબ્દના વાચ્ય અને અનુમેય એવા બે અર્થ જ છે એવું પ્રતિપાદિત કર્યું છે. બીજા વિમર્શમાં મુખ્યત્વે અનૌચિત્યની વિસ્તારથી ચર્ચા છે. અંતરંગ અને બહિરંગ એમ અનૌચિત્યના મુખ્ય બે પ્રભેદ બતાવી વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવનું અનૌચિત્ય રસમાં કેવી રીતે બાધા ઉત્પન્ન કરે છે તેની વાત કરી છે. ત્યારબાદ વિધેયાવિમર્શ, પ્રક્રમભેદ, ક્રમભેદ, પૌનરુક્ત્ય અને વાચ્યાવચન એમ પાંચ બહિરંગ અનૌચિત્યની ચર્ચા કરી છે. ત્રીજા વિમર્શમાં ‘ધ્વન્યાલોક’નાં ૪૦ દૃષ્ટાંતોમાં બતાવવામાં આવેલો વ્યંગ્યાર્થ કેવી રીતે અનુમાનથી પણ ગમ્ય છે તે સ્પષ્ટ કર્યું છે. નૈયાયિકોની ભૂમિકાએથી ધ્વનિવાદનું ખંડન કરતો મહિમભટ્ટનો આ મહત્ત્વનો ગ્રન્થ છે. મહિમ શબ્દની માત્ર અભિધાશક્તિનો સ્વીકાર કરે છે; લક્ષણા અને વ્યંજનાનો અનુમેય અર્થમાં સમાવેશ કરવાનો એમણે આ ગ્રન્થમાં સમર્થ પ્રયાસ કર્યો છે. કાવ્યનો અર્થ અનુમાનથી પ્રાપ્ત થઈ શકે પરંતુ એ અનુમાન અન્ય અનુમાનથી ભિન્ન છે એ એમનું મહત્ત્વનું પ્રતિપાદન છે. આમ તો મહિમ કાવ્યમાં રસનું જ મહત્ત્વ કરે છે પરંતુ રસ વ્યંજનાથી નહીં પણ અનુમાનથી ગમ્ય બને છે એ એમની માન્યતા છે. પ્રબળ તાર્કિકતા અને પાંડિત્ય આ ગ્રન્થને પાનેપાને અનુભવાય છે પરંતુ ધ્વનિવાદને પછીના આલંકારિકોએ વિશેષ પુરસ્કાર્યો એટલે આ ગ્રન્થ સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં ઉપેક્ષિત રહ્યો. ‘વ્યક્તિવિવેક’ પર રુય્યકની ટીકા છે પણ તે બીજા વિમર્શ સુધી ઉપલબ્ધ છે. મહિમભટ્ટ કાશ્મીરમાં થઈ ગયા. તેમના પિતાનું નામ શ્રીધૈર્ય અને ગુરુનું નામ શ્યામલ હતું. ‘વ્યક્તિવિવેક’ સિવાય બીજા કોઈ ગ્રન્થની એમણે રચના કરી હોવાની માહિતી મળતી નથી. જ.ગા.