ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યતિરેક-વ્યાક્ષેપ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વ્યતિરેક-વ્યાક્ષેપ(DiffereAnce) : દેરિદા આ સંજ્ઞાને તત્ત્વવિચારકેન્દ્રિતા સામે પ્રયોજે છે. ફ્રેન્ચ શબ્દ differer પરથી ઘડી કાઢેલી આ સંજ્ઞાના બે અર્થ થાય છે : ૧, to differ, be different from વ્યતિરેક કરવો, અન્યથી ભેદ કરવો અને ૨, to differ, postpone, delay વ્યાક્ષેપ કરવો, મુલતવી રાખવું, વિલંબ કરવો. differAnceના બંને અર્થ જરૂરી છે કારણકે કોઈપણ ભાષાઘટકનું કાર્ય કે એનો અર્થ ક્યારેય સંપૂર્ણ હોતાં નથી. અને આગળ-પાછળના નિર્દેશ માટે અન્ય ભાષાઘટકોમાં સાહચર્ય પર નિર્ભર રહેવું પડે, તેથી વ્યાક્ષેપ કે વિલંબને અવકાશ છે. સાથે સાથે એક ભાષાઘટક તરીકે એનું અસ્તિત્વ અન્ય ઘટકોથી થતા એના વ્યતિરેક પર આધારિત છે. એક ઉદાહરણ લઈએ. કાવ્યમાં ‘નદી’ આવે તો નદી એટલે ‘વૃક્ષ’ નહિ, ‘રેતી’ નહિ, ‘ખુરશી’ નહિ, ‘ઘોડો’ નહિ, ‘નદી’ એટલે નદી સિવાય કાંઈ જ નહિ. અન્ય સર્વ સંકેતોથી એનો વ્યતિરેક. પરંતુ આ ‘નદી’ કાવ્યમાં આગળ વધે એટલે આપણને ધીરે ધીરે ખબર પડે કે વાસ્તવમાં જે ‘નદી’ જોઈએ છીએ તે આ ‘નદી’ નથી. એને કાવ્યમાં બીજું કશુંક બનવું પડે છે. આથી સંકેતમાં અડધો સંકેત જે એ નથી તેનો છે અને બાકીનો અડધો સંકેત જે એમાં નથી તેનો છે. આમ પ્રત્યેક સંકેતમાં વ્યતિરેક અને વ્યાક્ષેપનાં બે બળ હાજર હોય છે. ચં.ટો.