ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શાહનામા
Jump to navigation
Jump to search
શાહનામા : (૧૦૧૦) પર્શિયાના સુલતાન મહમુદ ઈબ્ન સબુકતાગિનની પર્શિયન ઇતિહાસનું આલેખન કરવાની વિનંતી સ્વીકારીને ફિરદૌસે લખેલું મહાકાવ્ય. મનુષ્યની ઉત્પત્તિથી આરંભીને સમ્રાટ જમશેદના શાસનનો સુવર્ણકાળ, જુલમગાર રાજવી ટાઈરન્ટ ઝાહાકનું પાશવી શાસન, પર્શિયન રાષ્ટ્રવીર રુસ્તમની લોકપ્રિયતા, ઈરાન અને તુરાનનો સંઘર્ષ-સમય અને સિકન્દરની ચઢાઈઓ જેવી, પર્શિયાની ચડતી-પડતી દર્શાવતી ઘટનામૂલક સામગ્રીના આધારે છેક સાસાનિયન સામ્રાજ્ય (૨૨૬-૬૪૧) સુધીના પર્શિયાના ઇતિહાસનું આલેખન કરતું આ મહાકાવ્ય ૬૦,૦૦૦ યુગ્મશ્લોકો ધરાવે છે અને તેને પૂરું કરતાં ફિરદૌસને ૩૦/૩૫ વર્ષો લાગ્યાં હતાં. આ કાવ્યકૃતિ દ્વારા કવિનું લક્ષ્ય પર્શિયન-સામ્રાજ્યના ગૌરવ-અસ્મિતાનું ગાન કરવાનું છે. ર.ર.દ.