ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શૃંગારરસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



શૃંગારરસ : શૃંગાર શબ્દ શૃંગ અને આર એમ બે શબ્દોનો બનેલો છે. શૃંગ-કામેચ્છાના શિખરની પ્રાપ્તિ (આર) જેમાં થાય છે તે શૃંગાર. આ રસનો સ્થાયી ભાવ છે રતિ. આલંબનવિભાવ છે સ્ત્રી અથવા પુરુષ. ચન્દ્રમા, ચન્દન, ભ્રમર, રાત્રિ વગેરે ઉદ્દીપન-વિભાવ છે. કટાક્ષ વગેરે અનુભાવ. ઉગ્રતા, મરણ, આલસ્ય વગેરે સંચારીભાવ છે. શૃંગાર શ્યામવર્ણી છે અને દેવતા વિષ્ણુ છે. ભરતમુનિ પ્રમાણે સુખી, પ્રિય વસ્તુઓથી યુક્ત, ઋતુ અને માલ્ય વગેરેનું સેવન કરનાર સ્ત્રીપુરુષયુક્ત રસને શૃંગાર કહેવામાં આવે છે. ધનંજયના મત પ્રમાણે પરસ્પર અનુરક્ત યુવાન નાયક-નાયિકાના હૃદયમાં રમ્ય દેશ, કાળ, વેશ, ભોગ ઇત્યાદિના સેવનથી પોતે પ્રમોદ અનુભવે તે રતિ છે. અને રતિ, નાયક-નાયિકાની મધુર ચેષ્ટાઓથી પુષ્ટ થાય તો તે શૃંગારરસની ઉત્પત્તિ થાય છે. શૃંગારના સંયોગ (સંભોગ) અને વિયોગ (વિપ્રલંભ) એમ બે ભેદ પાડવામાં આવે છે. નામો દર્શાવે છે તેમ નાયક-નાયિકાના મિલન-વિયોગ પર આધારિત આ ભેદો છે. ધનંજય અયોગ, વિપ્રયોગ અને સંભોગ એમ ત્રણ ભેદ શૃંગારરસના પાડે છે. પરસ્પર ખેંચાણ અનુભવતાં નાયકનાયિકા દૈવયોગે ન મળી શકે તો અયોગ. મળે ને સુખ અનુભવે તો સંયોગ શૃંગાર અને નાયકનાયિકા ન મળી શકે અને વ્યથા અનુભવે તો વિયોગશૃંગાર. વિશ્વનાથ પૂર્વાનુરાગ (સૌપ્રથમ મિલન પૂર્વેની ઉત્કંઠાની વ્યાકુળતા) માન (રૂસણું) પ્રવાસ અને કરુણાત્મક એમ વિયોગ શૃંગારના ચાર ભેદ પાડે છે. પૂર્વાનુરાગના પણ વળી ચિત્રદર્શન, ગુણશ્રવણ, સ્વપ્નદર્શન અને પ્રત્યક્ષ દર્શન એમ ચાર ભેદ પાડે છે. પ્રણયમાન અને ઈર્ષ્યામાન એમ માનના બે ભેદો. પ્રેમના આધિક્યથી ઉત્પન્ન માન તે પ્રણયમાન અને નાયકને અન્ય સ્ત્રીમાં આસક્ત જાણીને નાયિકા ઈર્ષ્યાથી કુપિત થાય તે ઈર્ષ્યામાન, ઈર્ષ્યામાન ત્રણ કારણોથી ઉત્પન્ન થાય : નાયક સ્વપ્નમાં પરસ્ત્રી વિશે કશું કહે જે સાંભળીને નાયિકા રૂસણું લે. પરસ્ત્રી સાથેના સંભોગનાં ચિહ્નો નાયકના શરીર પર જોઈ, નાયિકા રીસ કરે. અથવા નાયકના મોઢે અન્ય સ્ત્રીનું નામ સાંભળે-ગોત્રસ્ખલન. આ કારણો ઉપરાંત ત્રણ ભેદ છે : લઘુમાન, મધ્યમાન અને ગુરુમાન. અન્ય સ્ત્રીના દર્શનદોષથી ઉત્પન્ન માન લઘુમાન અલ્પજીવી છે. નામ સાંભળીને થતો રોષ મધ્યમમાન અને સંભોગનાં ચિહ્નો જોઈ લાંબો સમય ચાલનારો રોષ ગુરુમાન. માનમોચનનાં સામ, ભેદ, દાન, નતિ, ઉપેક્ષા તથા રસાન્તર એમ છ સાધનો પણ દર્શાવવામાં આવ્યાં છે. સંયોગશૃંગાર નાયકારબ્ધ અને નાયિકારબ્ધ અને ચોક્કસ સંકેત પ્રાપ્ત ન થતો હોય તો ઉભયારબ્ધ. વિપ્રલંભશૃંગાર દેશાંતરગમન, ગુરુજનાજ્ઞા, અભિલાષ, ઈર્ષ્યા, શાપ, સમય, દેવ તથા ઉપદ્રવ આધારિત આઠ પ્રકારનો હોય છે. કામની અભિલાષ, અર્થચિંતા, અનુસ્મૃતિ, ગુણકીર્તન, ઉદ્વેગ, વિલાપ, ઉન્માદ, વ્યાધિ, જડતા અને મરણ એમ દસ અવસ્થાઓ ગણવવામાં આવી છે. ભરતમુનિ પ્રમાણે આલસ્ય, ઉગ્રતા અને જુગુપ્સા સિવાય બધા જ વ્યભિચારી ભાવોને સ્થાન છે. વિપ્રલંભમાં નિર્વેદ, ગ્લાનિ, શંકા, અસૂયા, શ્રમ, ચિંતા ઔત્સુક્ય, નિદ્રા, સ્વપ્ન, વિબોધ, વ્યાધિ, ઉન્માદ, અપસ્માર, જાડ્ય અને મરણને વ્યભિચારી ભાવોમાં ગણાવ્યા છે. નિર્વેદ જેવા દુઃખપ્રધાન વ્યભિચારી ભાવો અને પહેલાં ગણાવેલા નિષિદ્ધ ભાવો સિવાયના સર્વને વ્યભિચારી ભાવોમાં સ્થાન છે એમ અભિનવનું અર્થઘટન છે. શૃંગાર રસોમાં મુખ્ય છે. ભોજ તો શૃંગાર જ એક માત્ર રસ છે એમ માને છે. સૌથી વધુ વ્યાપક ક્ષેત્ર શૃંગારરસનું છે. અન્ય રસોનું ઉદ્દીપન માનુષી હોય છે પણ શૃંગારના ઉદ્દીપનમાં જડ, ચેતન, માનવેતર, પ્રકૃતિ સર્વનો સમાવેશ થાય છે. વિ.પં.