ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શોકગીત

From Ekatra Wiki
Jump to navigation Jump to search



શોકગીત(Dirge) : મૃતની સ્મૃતિમાં રચાયેલી એના મૃત્યુનું કે એની વીરગતિનું વર્ણન કરતી કૃતિ. એમાં મૃત વિશેનો શોક પ્રગટ કરવાનો ઉદ્દેશ મુખ્ય હોય છે. કરુણપ્રશસ્તિ કરતાં આ ઓછું વિસ્તૃત છે. પિન્ડરે ગ્રીકમાં અને પ્રોપરશીમસે લેટિનમાં આ પ્રકાર ખાસ અખત્યાર કર્યો છે. શેક્સપિયરના ‘ટેમ્પેસ્ટ’ નાટકમાં એરિયલે ફર્ડિનાન્દના મૃતપિતા વિશે શોકગીત ગાયું છે. આપણે ત્યાં પણ મરણ પ્રસંગે વ્યવહારશોક નિમિત્તના મરસિયાનો સંદર્ભ છે. મરસિયાનાં બે મહત્ત્વનાં પાસાંઓ છે : સમૂહકૂટણ અને બેઠા બોલ. સમૂહકૂટણના છાજિયા અને રાજિયા પણ જાણીતા છે. ઉપરાંત પરજ રાગ આધારિત ગવાતા પરજિયા પણ છે. રાવજી પટેલે મરસિયાનાં પાસાંઓનો વક્રતાથી વિનિયોગ કરી ‘સ્વ. હુંશીલાલની યાદમાં’ કાવ્યને વ્યાજસ્તુતિ રૂપે વિકસાવ્યું છે. ચં.ટો.