ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંદેશ
સંદેશ(Message) : રોમન યાકોબ્સને જણાવેલાં ભાષાનાં છ અંગો પૈકીનું એક અંગ, સંપ્રેષણ-વ્યવસ્થામાં વક્તા ‘સંદેશ’ મોકલે છે અને શ્રોતા તેનું ગ્રહણ કરે છે. કાવ્યભાષાને વિજ્ઞાનની ભાષાથી જુદું પાડતું અંગ ‘સંદેશ’ છે. વિજ્ઞાનની ભાષાસંહિતા સાપેક્ષ હોય છે, જ્યારે કાવ્યભાષા સંદેશસાપેક્ષ હોય છે. ‘સંદેશ’નો સંબંધ વક્તાના પોતાના અનુભવો સાથે સંકળાયેલી અને બાહ્ય જગત સાથે પોતાનો સંબંધ અવિચ્છિન્નપણે જાળવી રાખતી ભાષાની પ્રતીકવ્યવસ્થા સાથે છે અને એ જ કારણે ‘નવ્ય વિવેચન’ કાવ્યાર્થને કાવ્ય-સંરચનાના સંદર્ભે જ પામવા ઇચ્છે છે.
હ.ત્રિ.
સંદેશ : અમદાવાદ ગુજરાતનું પાટનગર અને વેપારઉદ્યોગનું મથક હોવા છતાં ૧૯૨૧ સુધી ત્યાં એકપણ દૈનિક અખબાર નહોતું. આ ખોટ પૂરવા નંદલાલ બોડીવાળાએ ૧૯૨૧માં ‘સ્વરાજ્ય’ નામનું દૈનિકપત્ર શરૂ કર્યું, પણ તે ચાલ્યું નહીં. ૧૯૨૩માં એમણે ‘સંદેશ’ નામનું સાંધ્ય દૈનિક કાઢ્યું. જેની કિંમત ત્યારે માત્ર એક પૈસો હતી. ૧૯૩૭ સુધી એનું કદ વધતું રહ્યું, પણ કિંમત એની એ જ રહી. દરમિયાન ૧૯૩૦માં ગાંધીજીની દાંડીકૂચને લીધે લોકોમાં સમાચારો જાણવાની-ઉત્સુકતા વધી અને અખબારોનો ફેલાવો પણ વધવા માંડ્યો. ‘સંદેશ’ આ અરસામાં સવારનું દૈનિક બન્યું, અને જર્મનીથી ગુજરાતનું પ્રથમ રોટરી મશીન આયાત કર્યું, તેમજ ખાસ તારસેવા પણ લીધી. ટેલિપ્રિન્ટર મશીન પણ વસાવ્યું. આમ, મોડી રાત સુધીના સમાચાર સમાવવાનું શક્ય બન્યું. તા. ૨૭-૩-૪૩ના રોજ એની માલિકી સંદેશ લિમિટેડના નેજા હેઠળ આવી. એ પછી એ ચીમનભાઈ સોમાભાઈ પટેલના તંત્રીપદ હેઠળ પ્રગટ થાય છે. આજે ‘સંદેશ’ની અમદાવાદ ઉપરાંત રાજકોટ, સૂરત અને વડોદરા આવૃત્તિઓ બહાર પડે છે, અને મુંબઈથી પણ જુદી આવૃત્તિ કાઢવાની યોજના છે. રવિવારની પૂર્તિ તથા બીજી સાપ્તાહિકી પૂર્તિઓની બાબતમાં આ દૈનિકે ઘણી પહેલ કરી છે. ઈશ્વર પેટલીકરની ‘લોકસાગરને તીરે’ કટાર એક જમાનામાં ખૂબ લોકપ્રિય હતી, અને ગુજરાતભરમાં વંચાતી. આવી અનેક કટારો દ્વારા એણે ગુજરાતનું સંસ્કારઘડતર કર્યું છે.
યા.દ.