ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંરચનાવાદી ભાષાવિજ્ઞાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સંરચનાવાદી ભાષાવિજ્ઞાન(Structural Liguistics) : પ્રસિદ્ધ સ્વીસ ભાષાવિદ ફર્ડિનાન્ડ દ. સોસ્યૂરના ભાષાસિદ્ધાન્તોએ નવો ક્રાંતિકારક અભિગમ ઊભો કર્યો અને ઓગણીસમી સદીના ઐતિહાસિક અને તુલનાત્મક સુવર્ણકાળનો અંત આણ્યો. આ સાથે વર્ણનાત્મક અભિગમનાં નવાં પગરણ મંડાયાં. સોસ્યૂરે ભાષાનું ઐતિહાસિક વિશ્લેષણ છોડી દીધું. સોસ્યૂરે પહેલીવાર સૂચવ્યું કે ભાષા સ્વરૂપ છે, સામગ્રી નથી. ભાષાના ઘટકોને પૃથક્ પૃથક્ વૈયક્તિક રીતે મૂલવવાના નથી. ભાષાકીય સંકેતો કે શબ્દો યાદૃચ્છિક છે અને યાદૃચ્છિક સંકેતો રૂઢિને કારણે એના નિર્દેશકો સાથે સંકળાયેલા છે. ભાષાના આ એકમોના આંતરસંબંધોને વર્ણવવાનું કાર્ય, ભાષાવિદનું મહત્ત્વનું કાર્ય છે. અર્થની વ્યાખ્યા અને ધ્વનિની વ્યાખ્યા ભિન્નતાને આધારે આપવાની છે અને એ ભિન્નતાને પાછી ખૂબ ધીરજપૂર્વક અને ઝીણવટપૂર્વક ભાષાના વર્ણનમાં પ્રસ્થાપિત કરવાની છે. સોસ્યૂરને બતાવવું છે કે ભાષા અસમાન ભાષાતત્ત્વોનો ખડકલો નથી પણ સ્વરૂપગત સ્થાનમાંથી પોતાનું મહત્ત્વ જન્માવતા, એકદમ દૃઢપણે સંકળાયેલા અને પરસ્પરાવલંબી એવા એકમોની સુગ્રથિત વ્યવસ્થા છે. ભાષાના આ વર્ણનાત્મક સિદ્ધાન્તને સમજાવવા સોસ્યૂર ચેસની રમતનું અને ટ્રેનનું ઉદાહરણ વારંવાર આપે છે. દરેક ઘટકને રમતની સમગ્ર વ્યવસ્થામાં કે રેલ્વેની સમગ્ર ગ્રથનજાળમાં એના સ્થાન પરથી ઓળખી અને જાણી શકાય છે. ચેસમાં જે મહત્ત્વનું છે તે પ્યાદાંના એકબીજા સાથેના સહોપસ્થિત આંતરસંબધો. પ્યાદાં કયાં ખાનાં વટાવીને આવ્યાં છે એ મહત્ત્વનું નથી. અને પ્યાદાં લાકડામાંથી બનાવેલાં છે કે પ્લાસ્ટિકમાંથી બનાવેલાં છે એ પણ મહત્ત્વનું નથી. ભાષામાં પણ એ જ રીતે જે મહત્ત્વનું છે તે એના ઘટકો વચ્ચેના આંતરસંબંધોનું સમતોલન. સોસ્યૂરે ભાષાના સ્વરૂપને સમજાવવા અને વર્ણનાત્મક અભિગમને વિકસાવવા ચાર દ્વૈત રજૂ કર્યાં છે. ઐતિહાસિક (diachronic) અને વર્ણનાત્મક(Synchronic)દ્વૈતમાં સોસ્યૂરે ભાષાના ઘટકોને સમયસાપેક્ષ ન જોવાને બદલે અને ઘટકોને એના પોતાના જ અન્ય સમયના ઘટકો સાથે સંબંધિત ન જોવાને બદલે, ઘટકોને સમકાલીન ઘટકો સાથે સંબંધિત જોવાની અને એ સંબંધમાં ઊપસતી સંરચનાને વર્ણવવાની નવી પદ્ધતિ ઊભી કરી. શબ્દ(Signifier) અને અર્થ(Signified)ના દ્વૈતમાં બંને સંજ્ઞા માનસિક છે અને સાહચર્યસંબંધે ચિત્તમાં સંકળાય છે. ક્રમવર્તી સંબંધ(Syntagmatic relationship) અને ગણવર્તી સંબંધ(Paradigmatic relationship)ના દ્વૈતમાં ક્રમવર્તી સંબંધ ઉચ્ચારોની શ્રેણીનો રૈખિક સંબંધ છે જ્યારે ગણવર્તી સંબંધ વિરોધતત્ત્વોની વ્યવસ્થામાં સાહચર્યશીલતાનો સંબંધ છે. છેલ્લું દ્વૈત ભાષાસામર્થ્ય(Langue) અને ભાષાપ્રયોગ(Parole)નું છે. ભાષા સમગ્રપણે જે ભાષકોના ચિત્તમાં ઘટકોના વ્યવસ્થાપૂર્ણ સ્વરૂપથી સમજાય છે તે ભાષાસામર્થ્ય છે અને સાક્ષાત્ વાક્યપ્રયોગોમાં અભિવ્યક્તિ થાય છે તે ભાષાપ્રયોગ છે. સોસ્યૂરે પોતાની રીતે ભાષાસામર્થ્ય અને ભાષાપ્રયોગ – એ બેને પૃથક્ કરી ભાષાની વસ્તુલક્ષી નહિ પણ સ્વરૂપલક્ષી પ્રતિષ્ઠા કરી. આ પછી સોસ્યૂરના સંરચનાવાદી ભાષાવિજ્ઞાનની પદ્ધતિ અને એના સિદ્ધાન્તોનો અન્ય શાસ્ત્રોમાં સીધો કે આડકતરો વિનિયોગ થયો. રશિયન સ્વરૂપવાદ દ્વારા સોસ્યૂરે વિકસાવેલા નવા ભાષાસિદ્ધાન્તો અને કાવ્યશાસ્ત્ર પરસ્પર સંકળાયાં અને ભાષાકીય સાહિત્યવિશ્લેષણની આખી વિકાસ પરંપરા ઊભી થઈ. ચં.ટો.