ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંસર્જનાત્મક વ્યાકરણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સંસર્જનાત્મક વ્યાકરણ(Generative Grammar) : સંસર્જનાત્મક વ્યાકરણ એ આધુનિક ભાષાવિજ્ઞાનની ક્રાન્તિકારી ઘટના છે. ૧૯૫૭ના અરસામાં નોમ ચોમ્સ્કી દ્વારા ભાષા- વિજ્ઞાનનો આ ક્રાન્તિકારીયુગ શરૂ થયો. ભાષાનાં ‘શક્ય’ એવાં બધાં જ વાક્યો અને માત્ર વાકયો (અ-વાક્યો નહીં) નિષ્પન્ન કરવાની આ વ્યાકરણ નેમ ધરાવે છે. આ વ્યાકરણ અસંખ્ય નવાં કે અશ્રુતપૂર્વ વાક્યોનું સંસર્જન કરવાની અને તેમને સમજવાની ભાષકની શક્તિ વર્ણવવાનું લક્ષ્ય ધરાવે છે. ભાષકને પોતાની ભાષાનું જે આંતરિક જ્ઞાન હોય છે એટલેકે તેની ભાષાના દરેક વાક્યમાં ધ્વનિ અને અર્થ વચ્ચેનો સંબંધ નક્કી કરતી નિયમાવલીની તેને જે આંતરિક સૂઝ હોય છે તેનો ખરો અહેવાલ આપવાનું આ વ્યાકરણનું મુખ્ય ધ્યેય છે. આ વ્યાકરણનાં મુખ્ય ત્રણ અંગો છે : ૧, વાક્યતંત્રીય અંગ ૨, અર્થતંત્રીય અંગ ૩, ધ્વનિતંત્રીય અંગ. સંસર્જનાત્મક વ્યાકરણ સાહિત્યના અધ્યયનમાં કેટલું ઉપયોગી નીવડી શકે તે અંગે સંશોધનો થઈ રહ્યાં છે. રિચાર્ડ ઓમાન, થોર્ન, રોજર ફાઉલર, વેન ડિક વગેરે સંસર્જનાત્મક કાવ્યવિજ્ઞાનના પુરસ્કર્તાઓ છે. હ.ત્રિ.