ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સગુણભક્તિ
સગુણભક્તિ : ઈશ્વરોપાસનાનો એક સુલભ-સરળમાર્ગ. પરમેશ્વરનાં વ્યક્ત અને અવ્યક્ત રૂપોમાંથી વ્યક્ત રૂપ સગુણ અને કેવળ કલ્પનામાં, મનમાં વર્ણન કરવામાં આવે તે નિર્ગુણ. નિર્ગુણ પરિપક્વ માનસિક અવસ્થાનું પ્રતીક હોઈ માનવીની પ્રાથમિક અવસ્થામાં એ અશક્ય હોવાથી સગુણ પછી જ નિર્ગુણની કલ્પના આવી હશે. માનવીની પ્રાથમિક અવસ્થાનો ધર્મ નિસર્ગાધારિત અને જાદુટોણાંનો, એથી પ્રારંભનાં અણઘડ પ્રતીકો જ સગુણોપાસનાના મૂળમાં હશે, માનવની બુદ્ધિ વિકસિત થતાં તે અણઘડ સ્વરૂપમાં ચૈતન્ય અને સૌન્દર્ય આરોપિત થયાં અને તે દૈવી ગુણોનું પ્રતીક ઠરતાં તેની પૂજા શરૂ થઈ. મોહેં જો દડો, હડપ્પાનાં ઉત્ખનનોમાંની હજારો મૂર્તિઓ વેદપૂર્વકાળમાં સગુણોપાસનાના પુરાવા છે. વૈદિક આર્યોના યજ્ઞપ્રધાન ધર્મમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ વગેરે દેવતાઓને યજ્ઞના માધ્યમથી પ્રસન્ન કરવામાં આવતા પણ સામાન્ય માણસને ચિત્તની સ્થિરતા અને સમાધાન માટે કોઈ ને કોઈ રૂપમાં દેવ સામે જોઈતો હતો જેની આગળ આત્મીયતાથી પોતાનાં સુખદુઃખ કહી શકે, પ્રેમથી ઝઘડો પણ કરી શકે. નિર્ગુણોપાસના દુર્ગમ હોવાથી પ્રારંભમાં સગુણોપાસના જરૂરી છે. બન્નેની તુલનામાં સગુણોપાસનાનો પ્રસાર અધિક થયો. નવવિધા ભક્તિમાં પાદસેવન, અર્ચન અને વંદન, વિશેષતઃ સગુણોપાસના સાથે સંબંધિત છે. જગતમાં નિર્માણ થયેલ વિવિધ દેવતાઓનાં મંદિરો સગુણોપાસનાનાં બોલતાં ઉદાહરણો છે. દે.જો.