ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમસ્યાનાટક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સમસ્યાનાટક(Problem Play) : ઓગણીસમી સદીના ફ્રાન્સમાં આ નાટ્યપ્રકારનો ઉદ્ભવ થયો. કોઈ એક ચોક્કસ સામાજિક સમસ્યાનું નિરૂપણ કરી તે અંગે ઉકેલ દર્શાવતું આ પ્રકારનું નાટક પ્રતિપાદન-નાટ્ય(Thesis Play) તરીકે પણ ઓળખાય છે. પ્રચારનાટ્ય(Propaganda Play)ની વિભાવનાનો પણ આ પ્રકારના નાટકમાં સમાવેશ થાય છે. ઇબ્સનનું ‘ડૉલ્ઝ હાઉસ’ આ પ્રકારનું નાટક છે. ઇબ્સન ઉપરાંત ગોલ્સવર્ધી તથા શૉએ પણ આ પ્રકારનાં નાટકો લખ્યાં છે. સમસ્યા નાટ્ય (Problem Play)ના એક પ્રકાર તરીકે વિવાદ-નાટ્યો (Discussion plays) પણ અસ્તિત્વમાં આવ્યાં, જેમાં જુદાં જુદાં પાત્રો દ્વારા ભિન્ન દૃષ્ટિબિંદુઓની રજૂઆત કરવાનું વલણ હોય છે. શૉનું ‘એપલ કાર્ટ’ આ પ્રકારનું નાટક છે. ગુજરાતી સાહિત્યમાં ‘દર્શક’નાં મોટા ભાગનાં નાટકો ઐતિહાસિક નાટકો હોવાની સાથોસાથ સમસ્યા-નાટ્યો પણ બને છે. પ.ના.