ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સહકારનો સિદ્ધાન્ત
સહકારનો સિદ્ધાન્ત(co-operative principle) : જે. એલ. ઑસ્ટિન અને જે. સર્લના વાક્કર્મ-સિદ્ધાન્તને વિસ્તૃત કરી માહિતીનું વધુમાં વધુ અસરકારક રીતે પ્રત્યાયન કેવી રીતે થઈ શકે એ સંદર્ભમાં એચ. પી. ગ્રાઈસે સહકારનો સિદ્ધાન્ત આપ્યો છે. આ સિદ્ધાન્ત સાથે ઇયત્તા, ગુણવત્તા, સંબંધ અને રીતિના ચાર નિયમો પણ આપ્યા છે : આવશ્યક હોય એટલી વાગ્વ્યવહારમાં માહિતી મૂકો (ઇયત્તા); જે કાંઈ વાગ્વ્યવહાર કરો એમાં સચ્ચાઈનો અંશ મૂકો (ગુણવત્તા), જે કાંઈ વાગ્વ્યવહારમાં મૂકો તે સંગત અને સંબંધિત મૂકો (સંબંધ) અને જે કાંઈ વાગ્વ્યવહારમાં મૂકો તે અસંદિગ્ધ મૂકો, ટૂંકું, અસરકારક અને વ્યવસ્થિત મૂકો (રીતિ). મેરી લૂઈઝ પ્રેટે ગ્રાઈસના આ વાક્કર્મ સિદ્ધાન્તને સાહિત્યિક વાક્કર્મ સંબંધે વધુ વિસ્તૃત કરતાં બતાવ્યું કે આ ચાર નિયમમાં વાક્કર્મ નિમિત્તે લેખક જે કાંઈ અનાદર કે અવજ્ઞા કરે છે એને વાચક દ્વારા સહેતુક લેખવામાં આવે છે, અને પ્રેટ કહે છે તેમ એ રીતે સાહિત્યિક લખાણો વાક્કર્મ પરિસ્થિતિઓમાં અતિસુરક્ષિત(hyperprotected) હોય છે.
ચં.ટો.