ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યનું અધ્યાપન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાહિત્યનું અધ્યાપન : સાહિત્યકૃતિ અને સાહિત્યતત્ત્વ અંગેની અભિજ્ઞતા કેળવવા ઉપરાંત અધ્યેતાની રસકીય રુચિના સંવર્ધન દ્વારા વ્યાપક માનવસંદર્ભની પિછાણ કરવા પ્રેરનારી એક સંસ્કાર-પ્રવૃત્તિ તરીકે સાહિત્યના અધ્યાપનનું વિશિષ્ટ સ્થાન છે. જીવનનાં વિવિધ રૂપો અને પરિમાણોમાં સંચાર પામતી માનવચેતનાને મૂર્ત કરી આપનારી સાહિત્યકળાનાં સ્વરૂપ અને રહસ્ય જીવંત સંપર્કના તંતુએ વિદ્યાર્થીના ચિત્તમાં અને હૃદયમાં સંક્રાન્ત કરતાં રહેવાનું કામ સાહિત્યના અધ્યાપનનું છે. એથી, આ બંને બાબતે, એ સામાજિક વિજ્ઞાનોના અને કેવળ/શુદ્ધ વિજ્ઞાનોના માહિતી-જ્ઞાન-સમજ સુધી જતા અધ્યાપન કરતાં આગળ વિસ્તરીને જુદું પડે છે. આખી પ્રજાના એક સમૃદ્ધ વારસા તરીકે સાહિત્યના મૂલ્યબોધનો પરિચય આપવો, સાહિત્યની પોતાની પરંપરાના ઇતિહાસનિષ્ઠ તેમજ સર્જનનિષ્ઠ અભ્યાસદ્વારા સર્જકતાના અને વિવિધ સાહિત્યસ્વરૂપોના વિકાસ-વળાંકો આલેખી આપવા, પ્રશિષ્ટ કૃતિનું ભાવન-મૂલ્ય ઉપસાવી આપવું, સમકાલીન સાહિત્ય-સંચલનોને તાટસ્થ્યથી પરખી ઓળખાવી આપવાં અને સાહિત્યકૃતિઓનાં સૌન્દર્યરહસ્યને ઉદ્ઘાટિત કરી આપવાં તથા આ બધા દ્વારા, એક વ્યાપક સાહિત્યમૂલ્ય કે ધોરણ અંગેની અભિજ્ઞતા જગાડવી અને દૃઢાવવી – એટલાં વાનાંમાં સાહિત્યનું અધ્યાપન અને સાહિત્યવિવેચન સમરેખ અને સહયાત્રી રહે છે, પરંતુ સાહિત્યનું અધ્યાપન વિવેચન કરતાં સવિશેષ ઉદ્દીપક બને છે. વિદ્યાર્થીનાં વિસ્મય-જિજ્ઞાસાને સંકોરી એને સાહિત્યઅભિમુખ કરવાથી સાહિત્યના અધ્યાપનનો આરંભ થાય છે. એ પછી, સાહિત્યકૃતિના ભાવલોકમાં પ્રવેશ કરાવી આપનારો આસ્વાદમૂલક પરિચય, પછી કૃતિનું રચનાલક્ષી અને રસલક્ષી વિવરણ – અર્થઘટન – પરીક્ષણ, સ્વરૂપોની વ્યાવર્તકતા સ્પષ્ટ કરી આપનારી તુલનાદર્શી ચર્ચા, સાહિત્યબોધ અને ઇતિહાસબોધના સંદર્ભમાં સાહિત્યના ઇતિહાસનું સમ્યક્ શિક્ષણ અને સાહિત્યવિચારનાં વિવિધ પાસાંને આવરી લેનારી તત્ત્વચર્ચા – એવા વિવર્તોની કેન્દ્રગામી અને ફરી કેન્દ્રોત્સારી આનુપૂર્વી રચીને સાહિત્યનું અધ્યાપન સાહિત્યના બૃહદ્ ફલકને યોજનાપૂર્વક આવરી લે છે. ચર્ચા અને સંવાદની પ્રત્યક્ષતા સાહિત્યના અધ્યાપનનું મહત્ત્વનું લક્ષણ તેમજ ઉપકરણ છે. એટલે સાહિત્યનો અધ્યાપક અધ્યેતાનો સૌથી મોટો સંપ્રેરક બની શકે છે. એ માટે, વાચન-અધ્યયનની અદ્યાવધિ સજ્જતાવાળો અને સાહિત્યની માર્મિક સૂઝવાળો હોય એ અપેક્ષિત ગણાયું છે. પોતાના તીવ્ર વૈયક્તિક પ્રતિભાવો અને અભિગ્રહો-પૂર્વગ્રહોમાંથી મુક્ત થઈને વ્યાપક સંદર્ભ રચીને એ વિવેચનાત્મક મતમતાંતરો તથા વિવિધ અને વિરોધી વિભાવનાઓને સમ્યક્ભાવે મૂકી આપે છે, એમાંથી વિદ્યાર્થીને પોતાનો મત રચવાની સગવડ આપે છે અને એમ સહૃદયતાના વિકાસની કેળવણી આપે છે. પોતાની સાહિત્ય-વિષયક જાણકારીને માહિતીના જથ્થા રૂપે વિદ્યાર્થી ઉપર ઠાલવી દેવાને બદલે તર્કને દોરે જ્ઞાનસંચારનો ઉપક્રમ રચે છે ને એના (વિદ્યાર્થીના) સાહિત્યરસને પોષતાંપોષતાં એની રસજ્ઞતાને ખીલવે છે. ઉત્તમ સાહિત્યકૃતિઓ તેમજ સાહિત્યવિચારના પરિશીલન અધ્યયનથી સમૃદ્ધ થયેલા અધ્યાપકનાં પરિપક્વ રુચિ-દૃષ્ટિનાં વિવિધ પરિણામો વિદ્યાર્થીમાં સતત સંક્રાન્ત થતાં રહે એ ઇષ્ટ સ્થિતિ છે, કારણ કે સાહિત્યના ઉત્તમ તદ્વિદો વિદ્યાલયોમાં જ તૈયાર થવાના. સર્જકો ભલે નહીં, વિવેચકો-સંશોધકો તો પ્રત્યક્ષ અધ્યાપનની નીપજ હોય છે. આવા અગ્રેસર ભાવકો પછી એક વિશાળ સંવેદનશીલ વાચક વર્ગને સાહિત્ય સાથે તંતુબદ્ધ કરી શકે અને એમ સહૃદય ભાવકો-સાહિત્યરસિકો અને સાહિત્યજ્ઞો ઊભા કરી શકે. સાહિત્યનો આવો પરંપરા-વિસ્તાર પણ સાહિત્યના અધ્યાપનનું એક મહત્ત્વનું પરિણામ છે. આ અર્થમાં પણ એ એક વ્યાપક સાંસ્કારિક પ્રવૃત્તિ છે. સાંસ્કૃતિક મૂલ્યહ્રાસના અને મૂલ્યવિપર્યયના સમયમાં પણ સાહિત્યનું અધ્યાપન માનવચેતનાના પરમ મૂલ્યરૂપે સાહિત્ય-કળાની કેળવણી દ્વારા એક અગત્યનું મૂલ્યરક્ષક બળ બની શકે. ર.સો.