ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યમાં પ્રકૃતિનિરૂપણ


સાહિત્યમાં પ્રકૃતિનિરૂપણ : સાહિત્યના સનાતન વિષયોમાં પ્રકૃતિ, પ્રણય અને પ્રભુ (ચિંતન)ને ગણાવવામાં આવ્યા છે. પ્રકૃતિનું કવિતામાં આલેખન કરવાની પ્રણાલિ કવિતાના ઉદ્ભવ જેટલી જૂની છે. પ્રકૃતિ માત્ર વિષય છે એવું નથી એ પ્રેરક અને પોષક વિભાવ પણ છે. સાહિત્યમાં પ્રકૃતિ ઉદ્દીપન અને આલંબન બેઉ પ્રકારનું કાર્ય કરે છે. માણસે ભાષા મળતાં, એ ભાષા અભિવ્યક્તિ સારુ કેળવાઈ જતાં પ્રકૃતિની ભવ્યતા, ઋજુતા અને અનેક પ્રકારની રહસ્યમયતાને સૌપ્રથમ આલેખી હશે. કહો કે એનો પ્રથમ સહજોદ્ગાર પ્રકૃતિની રમણા વિશે જ નીકળ્યો હશે. પ્રકૃતિની વચ્ચે જ સંસ્કૃતિનું બીજારોપણ, પ્રસ્ફુટન-અંકુરણ અને વિકસન થયું છે. આવી પ્રકૃતિનો માનવજીવન ઉપર આમૂલ પ્રભાવ હોય એ સ્વાભાવિક છે. માણસે પુરાણો, ધર્મ-શાસ્ત્રો, નીતિશાસ્ત્રો રચ્યાં. કાવ્યો-મહાકાવ્યો-નાટકો રચ્યાં એ બધાંની પશ્ચાદભૂમાં પ્રકૃતિ રહેલી છે, બે રીતે એક તો પરિસર રૂપે અને બીજું તે અંદરના તત્ત્વ સત્ત્વ રૂપે. પ્રકૃતિએ માનવ-પ્રકૃતિ અને જીવનપ્રકૃતિ રચી છે. શાસ્ત્રોમાં, કળાઓમાં પણ એ વાત નિહિત છે. સાહિત્યનો સર્જક પોતાની કૃતિમાં પ્રકૃતિનું કોઈ ને કોઈ રીતે આલેખન કરે છે. પ્રકૃતિ એટલે માનવજગત, વસ્તુ-જગત, પદાર્થજગત. આ રીતે જોઈએ તો પ્રકૃતિના આલેખન કે આધાર વિના કોઈપણ કળા શક્ય નથી. સાહિત્યમાં પ્રકૃતિનું આલેખન અનેક રીતે થાય છે. એક તો નકરી પ્રકૃતિને વર્ણવતું, સૃષ્ટિસૌન્દર્યનું નિર્ભેળ ચિત્ર રજૂ કરતું પ્રકૃતિનિરૂપણ અને બીજું તે પરિસર રૂપે, આધાર કે દૃષ્ટાંત રૂપે થતું આલેખન. પ્રકૃતિનું નર્યું આલેખન સૌન્દર્યાનુભવ કરાવવા સાથે સૃષ્ટિનાં સત્ત્વતત્ત્વ, ઋત, સત્ય અને નિયતિક્રમને તથા એનાં વણઉકલ્યાં રહસ્યો સુધી આપણને લઈ જાય છે. આલંબન કે ઉદ્દીપન રૂપે આવતું પ્રકૃતિવર્ણન કૃતિના ઉદ્દેશો સાથે માનવજીવનની ગતિવિધિઓનો આસ્વાદ કરાવવા તાકે છે. કાલિદાસના ‘મેઘદૂત’માં પ્રેમસંદેશ નિમિત્તે પ્રકૃતિની ભવ્ય-ઉદાત્તલીલાઓ, રમણાઓનું રસાળ આલેખન છે. ‘ઋતુસંહાર’માં પ્રેમ અને પ્રકૃતિનું રસાયન છે. ભવભૂતિ જેવા કવિઓમાં પણ પ્રકૃતિ કૃતિનું વાતાવરણ રચવા સાથે સંપ્રેરક અને સંતુલનપોષક બને છે. સંસ્કૃતિસાહિત્યમાંથી આવું પ્રકૃતિચિત્રણ બાદ કરી દઈએ તો ભાગ્યે જ કશું બચવા પામે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સાંપ્રદાયિક સંદર્ભો પ્રબળ હોવા છતાં એમાં પણ વસંત-વર્ષા સંદર્ભે પ્રકૃતિનું ઉત્તમ ચિત્રણ છે. ‘વસંતવિલાસ’ જેવા ફાગુમાં પ્રેમપ્રકૃતિનાં આલેખનને જુદાં પાડવાનું અસંભવ લાગે છે. અર્વાચીન યુગમાં કવિતામાં પ્રકૃતિના આલેખનનો રીતસર નવો કાળ બેસે છે. પ્રકૃતિચિત્રણનો નકરો આનંદ-આસ્વાદ કરાવતી કૃતિઓ ખાસ કરીને, કાવ્યકૃતિઓ આપણને મળે છે. એમાં વૈવિધ્યસભર અને ભિન્નભિન્ન સંદર્ભે પ્રકૃતિચિત્રણ મળે છે. આપણી નવલકથા – વાર્તા પણ પશ્વાદભૂ તરીકે પ્રકૃતિને પ્રયોજીને એકાદ વધુ પરિમાણ પ્રગટાવવા મથે છે. નિબંધોમાં પણ પ્રકૃતિનું રસમય આલેખન છે. આમ તો કોઈપણ સ્વરૂપનો કોઈપણ સર્જક પ્રકૃતિથી પર કોરોમોરો નહીં મળે. પણ કેટલાક મહત્ત્વના સર્જકો એના આલેખન દ્વારા માનવને અને આ સૃષ્ટિને કૈંક અંશે ઓળખવામાં અને પામવા-પમાડવામાં સફળ થાય છે. મ.હ.પ.