ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યમાં બોલીપ્રયોગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાહિત્યમાં બોલીપ્રયોગ : સામાન્ય રીતે સાહિત્ય માન્ય / શિષ્ટ ભાષામાં જ સર્જાય છે. એવો વ્યાપક ખ્યાલ રહ્યો છે પણ પ્રાકૃત અને અપભ્રંશકાળમાં ય સાહિત્ય તો સર્જાયું હતું, ત્યારે એમાં બોલાતી ભાષાના પ્રયોગો પણ ભળેલા હશે એ સહેજે માની શકાય એમ છે. લોકસાહિત્ય તો લોકબોલીમાં જ જન્મે છે ને લોકબોલીમાં જ પોતાની વિકાસયાત્રા કે પ્રચાર-પ્રસાર સાધતું રહે છે. માન્ય ગ્રન્થો ને શાસ્ત્રો તથા કાયદાકાનૂનને લગતાં પુસ્તકો શિષ્ટ કે માન્ય ભાષા જેને કહીએ છીએ એમાં લખાય છે. એ એક સ્વીકૃત શિસ્ત છે. પણ સાહિત્ય માટે શિષ્ટ-માન્ય ભાષા કોઈ શરત કે કશી અનિવાર્યતા ન હોઈ શકે. આમ તો કોઈપણ ભાષાનું કામ વિચારવિનિમય અને એવા વાણી-વ્યવહારને સિદ્ધ કરવાનું છે. ભાષા માધ્યમ છે. એ સામી વ્યક્તિ સુધી આપણી વાત પહોંચાડે છે. આ સંદર્ભમાં આપણે બોલી એટલે અશિષ્ટ અને અમાન્ય ભાષા એવું નહીં કહી શકીએ. કોઈપણ ભાષા ચઢતી કે ઊતરતી નથી. ભાષાની ક્ષમતા તો અસીમિત છે. એનો પ્રયોજનાર એને કેવી રીતેભાતે પ્રયોજે છે તે જ અગત્યનું છે. આમ, પ્રયોજકની શક્તિ-અશક્તિ પ્રમાણે ભાષાની અર્થક્ષમતા બાબતે ભેદ દેખાય છે. શિષ્ટ-માન્ય ભાષા પ્રયોજનારો વધુ શક્તિશાળી છે કે એથી ઊલટું છે – એવુંતેવું માની શકાય નહીં. ભાષકમાં ભાષાને પ્રયોજવાની, વિશિષ્ટ રીતે પ્રયોજવાની ત્રેવડ કે સર્જનાત્મક શક્તિ હશે તો પરિણામો આક્રમક જ આવવાનાં, પછી એ શિષ્ટ – માન્ય ભાષા હશે કે બોલી હશે. જો કે શિષ્ટ-માન્ય ભાષાના પ્રયોગની પરંપરાઓના ઊંડા ચીલા પડી ગયા હોય છે, જો એ જ ચીલામાં ભાષક કે સર્જક ચાલે તો પરિણામો રસપૂર્ણ કે રોમાંચક ભાગ્યે જ આવે છે. એની સામે બોલી નદીના પ્રવાહ જેવી, બદલાતી-વળાંકો લેતી સાતત્યશીલ ભાષા છે. એટલે એની પ્રયોજનામાં તાજગી જ નહીં પરંતુ ઘણી વાર રસપૂર્ણતા, અર્થપૂર્ણતા અને રોમાંચનો અવનવો અનુભવ પણ થાય છે. એ જીવાતા જીવનનો ધબકાર ઝીલીને ચાલે છે – એટલે એમાં જીવંતતાનો વધારે અનુભવ થાય છે. આવા, બોલીના વિશેષ સંદર્ભોનો લાભ પોતાના સર્જનને મળે એમ સર્જક ઇચ્છે તો એમાં કશું ખોટું નથી. આપણે ત્યાં પણ આવી જ ભૂમિકાએ રહીને સાહિત્યકૃતિઓમાં બોલીપ્રયોગ થયો છે. ઉમાશંકર જોશીએ ૧૯૩૨ની આસપાસ – વિસાપુર જેલમાં હતા ત્યારે – ‘સાપના ભારા’નાં એકાંકીઓમાં સૌ પહેલીવાર વ્યાપકપણે ને પ્રત્યક્ષ રીતે બોલીપ્રયોગ કરીને સાહિત્યિક ગુણવત્તાવાળી કૃતિઓ સિદ્ધ કરેલી. એ પછી એ રીતે ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, પીતાંબર પટેલ, ચુનીલાલ મડિયા અને રઘુવીર ચૌધરી, જોસેફ મેકવાન જેવા સર્જકોએ પણ બોલીપ્રયોગ કરીને સાહિત્યકૃતિઓ સિદ્ધ કરી છે. નવી પેઢીના કવિવાર્તાકારો પણ આજે બોલીપ્રયોગ કરી રહ્યા છે. રોજ-બ-રોજના જીવનમાં બોલાતી ભાષા એટલે બોલી. ‘બાર ગાઉએ બોલી બદલાય’ એ કહેવતને ભૂલી જઈએ તોય પ્રદેશે પ્રદેશે બોલીભેદ જોવા મળે છે. દરેક પ્રદેશની બોલીને પોતાની કેટલીક લાક્ષણિકતાઓ હોય છે. ભાષાવિજ્ઞાન એનો અભ્યાસ કરે છે. સાહિત્યકાર તો એ લાક્ષણિક બોલીનો પોતાની કૃતિને વધારે સબળ, સહજ, અર્થપૂર્ણ અને ખાતરીપૂર્વકની કે પ્રતીતિજનક કૃતિ બનાવવા માટે બોલીપ્રયોગ કરતો હોય છે. પણ આ બોલીપ્રયોગ એ કાંઈ ફેશન નથી. જો સંવેદન, કથાવસ્તુ ગ્રામપ્રદેશનું હોય ને એને એ પરિવેશમાં રજૂ કરવાથી એ વધારે અસરકારક બનવા સાથે સાહિત્યિક ગુણવત્તામાં પણ એનાથી ફાયદો થતો હોય ત્યારે લેખક બોલીપ્રયોગ કરે છે. જેવો દેશ તેવો વેશ. ને દેશ-વેશ પ્રમાણે જ બોલી વાપરવી પડે. ‘મળેલા જીવ’ના કાનજીને ચગડોળમાં કે બહુ બહુ તો છેલ્લે બસમાં બેસાડાય, એને વિમાનમાં ઊડતો ન બતાવાય. એમ એની ભાષામાં ‘શું, શી, ક્યાં, કેમ’ પણ ન આવે....એ તો એ જેવું બોલે તેવું જ લખવું પડે. પાત્રની માલીયત એ બોલીમાં જ પ્રગટે. એ માટે જે તે લેખકે પ્રદેશની તળ બોલીમાં લખવું પડે. બોલીમાં રૂઢિપ્રયોગો, કહેવતો વિશિષ્ટ લયલઢણો ને લહેકાઓ હોવાથી પાત્રમાનસસંઘર્ષનિરૂપણ, પરિસરવર્ણન, અર્થગર્ભ આલેખન અને સંકેતમાં કહેવાનું વધારે શક્ય બને છે, એમાં તાજપ અને નવતા પણ આવે છે. આમ તળકથા, તળના ભાવોને એ જ તળની તળપદી ભાષા (બોલી)નું સામંજસ્ય સધાતાં કૃતિમાં જુદો જ સ્વાદ આવે છે ને વિશેષ સંવાદિતા સધાય છે. જો કૃતિઓમાં આ રીતે બોલીપ્રયોગ થાય તો તે સહજ અનિવાર્ય ને આવકાર્ય ગણાય. બોલી માન્યભાષાને સમૃદ્ધ કરે છે એ પણ નોંધવું જોઈએ, પણ ‘લોહીની સગાઈ’ને અંતે ‘ને અમરતકાકી મંગુની ન્યાતમાં વટલાઈ ગયાં હતાં’ – આ વાક્ય ‘મળેલા જીવ’ને અંતે ‘વાહ રે, માનવી તારું હૈયું! એક પા લોહીના કોગળા તો બીજી પા પ્રીતના ઘૂંટડા!’ આવતા આ વાક્યને બોલીએ જે રીતે અર્થપૂર્ણ ને પ્રભાવક તથા સાંકેતિક બનાવ્યું છે તે જ બતાવે છે કે સાહિત્યમાં બોલીપ્રયોગ ફેશનપરસ્તી નથી પણ જે તે કથાસંવેદનની અનિવાર્યતા છે. આપણે ત્યાં તો ગામડાં વધુ છે. ગામડાંની પ્રજાની સંવેદનાઓ અને એની સમસ્યાઓને વાચા આપતું સાહિત્ય તો એની બોલીમાં જ વધારે પ્રભાવક બની શકશે. ગુજરાતી ઉપરાંત મરાઠી, હિન્દી, પંજાબી, ઉડિયા, કન્નડ, તમિલ આદિ ભાષાઓમાં પણ બોલીપ્રયોગ કરીને ઉત્તમ કૃતિઓ સર્જાયાનાં થોકબંધ ઉદાહરણો મળે છે. મ.હ.પ.