ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને પત્રકારત્વ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાહિત્ય અને પત્રકારત્વ : પત્રકારત્વ મુદ્રણમાધ્યમના વિકાસની એક આડપેદાશ છે એટલે એનું આયુષ્ય માંડ સાડા ત્રણસો વર્ષ જેટલું છે પણ એનો સાહિત્ય સાથેનો સંબધ પ્રથમથી જ ગાઢ રહ્યો છે. પત્રકારત્વના પ્રારંભકાળમાં દૈનિકો નહોતાં પણ સામયિકો હતાં અને મોટાભાગનાં સામયિકો પ્રસિદ્ધ સાહિત્કારો દ્વારા જ ચલાવાતાં. ડેનિયલ ડેફો, સ્ટર્ન, એડિસન વગેરે અંગ્રેજ લેખકોએ ઇંગ્લૅંડમાં ઓગણીસમી સદીમાં ઉત્તમ સામયિકો ચલાવેલાં જે સાહિત્યિક પત્રકારત્વનો પણ એક આદર્શ બની ગયો. એ યુગમાં તો પત્રકારત્વને સાહિત્યનું જ વિસ્તરણ ગણવાનું વલણ હતું. બંને વચ્ચેનો સંબંધ ત્યારે ગાઢ હતો. દૈનિક પત્રકારત્વ વિકસ્યું, તેમ પત્રકારત્વ સંપૂર્ણપણે સ્વતંત્ર અને સ્વાયત્ત વ્યવસાય તરીકે સ્થાપિત થયું અને સાહિત્ય સાથેના અગાઉના ગાઢ સંબંધની ભૂમિકા અને સંદર્ભ બદલાયાં. છતાં બંને શબ્દ પાસેથી જ કામ લે છે અને બંને અભિવ્યક્તિનાં માધ્યમો છે. પત્રકારત્વ વર્તમાનની ગતિવિધિનો અહેવાલ આપે છે, ત્યારે સાહિત્ય એ ઘટનાના ઊંડાણમાં જઈને એમાંથી શાશ્વત મૂલ્યો ખોળી કાઢીને એક ચિરંજીવ કૃતિ આપે છે. પત્રકારત્વ તથ્યકેન્દ્રી હોય છે, ત્યારે સર્જક ઘટનામાં કલ્પનાશીલતા અને રંગદર્શિતાના રંગો ભરે છે. છતાં એ હકીકત છે કે પત્રકારત્વનો સાહિત્ય સાથેનો સંબંધ છેલ્લા થોડા દાયકાઓમાં પરોક્ષ બનતો ચાલ્યો છે. ગુજરાતીમાં એક જમાનામાં ઇચ્છારામ દેસાઈ, ઝવેરચંદ મેઘાણી, કનૈયાલાલ મુનશી, આનંદશંકર ધ્રુવ, રામનારાયણ પાઠક, જયંતિ દલાલ, ચુનીલાલ મડિયા, જેવા સમર્થ સર્જકોને હાથે પત્રકારત્વનું પણ સિંચન થયું હતું. અમૃતલાલ શેઠ, ગોકુલદાસ રાયચુરા કે અલારખા હાજી મહંમદ પણ વત્તેઓછે અંશે સાહિત્યકારો ખરા જ. પણ આજનાં દૈનિકોમાં ધારાવાહી નવલકથા અનિવાર્ય ગણાય છે અને અમુક કટારોમાં પણ એવો વાર્તારસ હોય છે જે એને શુદ્ધ પત્રકારત્વમાંથી સાહિત્યના સંસ્પર્શ ભણી લઈ જાય છે. પત્રકારત્વને ‘ઉતાવળે સર્જાયેલું સાહિત્ય’ કહેવાયું છે. એકની નિસ્બત ‘તથ્ય’ સાથે છે, તો બીજાની કલ્પના(Fiction) સાથે છે પણ નોર્મન કઝીન્સ કે હેરિયટ બીયર સ્ટોવે જેવા સર્જકો બનેલી ઘટનાઓ પરથી સાહિત્યવૃત્ત સર્જે ત્યારે એ ‘ફેકશન’ બને છે. સાહિત્ય અને પત્રકારત્વને વ્યાપક પરિપ્રેક્ષમાં જોઈએ તો, બંને પ્રત્યાયનનું કામ કરે છે. બંને સમૂહમાધ્યમો છે. સાહિત્ય અને પત્રકારત્વ બંનેએ એકબીજાના સંપર્કથી લાભ મેળવ્યા છે. તો પત્રકારત્વ સાથેનાં વધુ પડતાં વળગણોએ સાહિત્યને થોડું ‘લોકપ્રિય’ બનવાની લાલચને લીધે નુકસાન પણ કર્યું છે. આપણી કેટલીક ઉત્તમ નવલકથાઓ ધારાવાહી સ્વરૂપે પ્રગટી હતી એ યાદ રાખવા જેવું છે. બીજી બાજુ ઘણાં સાહિત્યિક સામયિકો અસ્ત પામ્યાં અને એમનું સ્થાન માહિતીમૂલક સામયિકોએ લીધું એ પણ હકીકત છે. છાપાં જલ્દી કાળગ્રસ્ત થાય છે છતાં કેટલુંક પત્રકારત્વ ચિરંજીવતાની કોટિએ પણ પહોંચે છે. આમ તો કહેવાયું છે કે ‘બધું સાહિત્ય એ પત્રકારત્વ છે’ અને પત્રકારત્વને સાહિત્યનો જ એક પ્રકાર ગણવામાં આવે છે. પણ એ પ્રકાર એક રીતે પ્રાસંગિક અને અલ્પજીવી હોઈને સાહિત્યના અન્ય પ્રકારો જેટલું મહત્ત્વ એને ન અપાય એ સ્વાભાવિક છે. છતાં સાહિત્ય અને પત્રકારત્વ બંને પ્રજાચેતનાના આવિષ્કારો છે એ ભૂલવું ન જોઈએ. યા.દ.